ઈન્ટરવલ

મોબાઇલ ફોન પ્રત્યેની બેદરકારીએ બનાવ્યા સાયબર ફ્રોડનો શિકાર

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

તલવાર બેધારી હોય પણ ટચૂકડા મોબાઇલ ફોનની અનેક ન દેખાતી ધાર હોય છે. સહેજ બેદરકારી થઇ તો કેવી-કેવી ઉપાધિ થાય એની કલ્પના ન કરી શકાય.

મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્માર્ટ યુવતી આકર્ષક પગારે નોકરી કરે. આ આધુનિક એકલી રહે. જીવનની બધી સુખ-સુવિધા હાથવતી. જીવનને મફત રીતે માણે અને સાથોસાથ ખાસ્સી બચત પણ હોય બૅન્કના સેવિંગ એકાઉન્ટમાં ઔર જીને કો ક્યાં ચાહિએ?

જીવનની સડસડાટ દોડતી ગાડી સામે એક સ્પીડબ્રેકર આવ્યું. બૉયફેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું. આનાથી એક સમયનો પ્રેમી ભૂરાડો થયો ગમે ત્યારે ફોન કરે, વીડિયો કોલ કરે. યુવતીનું માથું પાકી ગયું. તેણે જૂનું સિમકાર્ડ કાઢીને બાજુમાં મૂકી દીધું. નવા નંબર સાથે જીવન ફરી પૂર્વવત્ થવા માંડયું.

દિવસો વીતતા ગયા પણ તેણે એક બહુ મોટી ભૂલ કરી હતી એ ધ્યાનમાં ન આવ્યું. જ્યારે ખબર પડી ત્યારે ખૂબ નુકસાન થઇ ચૂક્યું હતું.

થયું એવું કે તેનો જુનો નંબર બૅન્કના રેકોર્ડમાં હતો. સરળ ભાષામાં કહી શકાય એ નંબર બૅન્કના એકાઉન્ટ સાથે લિન્ક થયેલો હતો. જૂનો નંબર ઊંઢઈમાંથી હટાવીને નવો મોબાઇલ નંબર ઉમેરવાનું રહી ગયું. મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીના નિયમ મુજબ સતત મહિના કોઇ નંબર વપરાય નહીં તો એ નંબર નવા ગ્રાહકોને આપી દેવાય.

આ યુવતીનો જૂનો નંબર નવા ગ્રાહકને અપાયો એ ચાલું કરતા જ એને બૅન્ક યુવતીના બૅન્કના ખાતામાં થતા ટ્રાન્ઝેકશન્સના એસ.એમ.એસ. આવવા માંડ્યા. આ નવો ગ્રાહક ધારણાથી વધું ચાલાક હતો. નેટના ઉપયોગમાં વધુ પડતો માહેર હતો. બૅન્કની વેબસાઇટ પર જઇને તેણે પોતાનો નંબર નાખ્યો અને શક્ય એકાઉન્ટ ખબર પડી. તેણે પાસવર્ડ ફરગોટ પર ક્લિક કર્યું.

તો બૅન્કે ખાતરી કરવા એ મોબાઇલ નંબર ઓટીપી મોકલી. આને પગલે બધી ઔપચારિકતા પૂરી કર્યા બાદ તેને ઇન્ટરનેટ બૅન્કિંગની પરવાનગી આપોઆપ મળી ગઇ.

એ તો બૅન્કમાંથી થોડીથોડી રકમ કાઢીને મોજમજા કરવા માંક્યો. અચાનક કોઇક કામ માટે એટીએમથી રોકડા કઢાવવા ગઇ ત્યારે ખબર પડી કે બૅન્કમાંથી રૂા. આઠ લાખથી વધુ રકમને પગ આવી ગયા છે. એ પછી બૅન્કને ફરિયાદ. સાયબર ક્રાઇમમાં દોડાદોડી શરૂ કરી.

બૅન્કના કેવાયસીમાં આપેલો મોબાઇલ નંબર ગમે તે કારણસર બદલો તો બૅન્કને જણાવવાનું ભુલાય નહીં એની ખાસ તકેદારી રાખવી.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
ભારતમાં સૌથી મોટા સાયબર એટેકમાં ૮.૧૫ કરોડ માણસોના ડેટા લીક થયા છે. દુનિયાનો કોઇ પણ માણસ ડાર્ક વેબમાંથી એ મેળવી શકે છે. આ ડેટા સલામત ન રહ્યાં એમાં વાંક કોઇકનો, ને સજા ભોગવવાની આપણે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button