પુણેમાં બ્લાસ્ટની યોજનાઃ આતંકવાદીઓને મળતા હતા આ દેશમાંથી મેસેજ
પુણે: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ તાજેતરમાં જ ઝારખંડના હજારીબાગમાં રહેતાં મોહમ્મદ શાહનવાઝ આલમની ધરપકડ કરી છે. એનઆઇએએ છ દિવસ પહેલાં આતંકવાદી મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શાફિકૂર રહમાન આલમની ધરપકડ કરી હતી. આલમને એનઆઇએની જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આલમની એનઆઇએ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે પુણેમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના હોવાની જાણ થઇ હતી. આ બાબતે સિરિયામાંથી સૂચના મળી રહી હોવાની જાણકારી તેણે એનઆઇએના અધિકારીને પૂછપરછ દરમિયાન આપી હતી.
આતંકવાદી વિચારધારાનો પ્રચાર તથા યુવાનોનું બ્રેઇનવોશ કરીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ધકેલવાનું કામ કરનારા આઇસીસના મહારાષ્ટ્રના ગ્રુપ દ્વારા પુણે, મુંબઇ સહિત આખા દેશમાં આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ સાત આતંકવાદીની સામે એનઆઇએ દ્વારા મુંબઇના વિશેષ ન્યાયાલયમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે.
મોહમ્મદ ઇમરાન મોહમ્મદ યુસુફ ખાન ઉર્ફે મટકા ઉર્ફે અમીર અબ્દુલ હમીદ ખાન, મોહમ્મદ યુનુસ મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકી ઉર્ફે આદિલ ઉર્ફે આદીલ સલીમ ખાન (બંને રહે મધ્ય પ્રદેશ) કાદીર દસ્તગીરી પઠાણ ઉર્ફે અબ્દુલ કાદીર (રહે કોંઢવા), સમીબ નાસીરઉદ્દીન કાઝી (રહે કોંઢવા), જુલ્ફીકાર અલી બડોદાવાલા ઉર્ફે લાલાભાઇ ઉર્ફે સઇફ, શામિલ સાકીબ નાચન, અકિફ આતિફ નાચન (ત્રણે રહે પડઘા, જી. થાણે) આ નામો એ આતંકવાદીઓના છે જેમની વિરુદ્ધ આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે.
જુલાઇ મહિનામાં પુણેના કોથરુડમાં ટુ-વ્હિલર ચોરતી વખતે ઇમરાન ખાન, મોહમ્મદ સાકી, મોહમ્મદ આલમની ધરપકડ કરવામાં આવી હતી. કોંઢવામાં આરોપી સાકી ખાન આલમ રહેતો હતો. તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ત્રણે જણ આઇસીસ આતંકવાદી સંગઠનના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્ર, ગોવા, તેલંગણામાં આઇસીસની વિચારધારાનો પ્રચાર કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું.
આ આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ તથા વિસ્ફોટકો મળી આવ્યા હતાં. આતંકવાદી પ્રવૃત્તિની તાલીમ આપવા માટે કોંઢવામાં પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બોમ્બ વિસ્ફોટ બાદ ધરપકડથી બચવા માટે એ લોકોએ દુર્લભ જગ્યા પણ શોધી રાખી હતી. પુણેની મહત્વની લષ્કરી સંસ્થાઓના પરિસરનું તેમણે ડ્રોન દ્વારા અવલોકન પણ કર્યું હતું એમ એનઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલ આરોપનામામાં જણાવવામાં આવ્યું હતું.