
રશ્મિકા મંદાનાના વાયરલ ડીપફેક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. સૌ કોઇ deepfake ટેકનોલોજીની ભયાનકતા વિશે વાત કરી રહ્યા છે. વીડિયોને પગલે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના દુરૂપયોગ પર લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે આ અંગે એક એડવાઇઝરી જાહેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સજાની જોગવાઇ તથા નિયમો અંગે માહિતી આપી છે.

આઇટી એક્ટ 2000ની કલમ 66 મુજબ મોબાઇલ-કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને જે કોઇપણ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે તો તેમને સજા કરવામાં આવશે. ગુનેગારને એક વર્ષથી લઇને 3 વર્ષ સુધીની સજા થઇ શકે છે તેમજ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ‘પીએમ મોદીની સરકાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા તમામ ડિજીટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.’
આઇટી વિભાગના નિયમો અનુસાર કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી સોશિયલ મીડિયા સાઇટ્સની છે. જો કોઈ વપરાશકર્તા અથવા સરકાર દ્વારા તેને રિપોર્ટ કરવામાં આવે તો તેને દૂર કરવી જોઈએ. આઈટી પ્રધાને કહ્યું હતું કે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ નિયમોનું પાલન ન કરે તો તેમને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કોર્ટમાં પણ ઘસડી શકાય છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું, “deepfake એ અત્યંત ખતરનાક અને નુકસાનકારક સ્વરૂપ છે પ્લેટફોર્મ્સે તેના માટે યોગ્ય નીતિઓ ઘડવાની જરૂર છે.”
બીગબી અમિતાભ બચ્ચન સહિત અનેક સેલેબ્રિટીઝે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી કાયદાકીય પગલા લેવાની માગ કરી હતી. અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તેના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકી હતી, તેણે લખ્યું હતું કે ટેકનોલોજીનો દુરૂપયોગ થઇ રહ્યો છે. તેને પોતાનો આ વીડિયો જોઇને ડર લાગી રહ્યો છે. “આવું કંઈક થવું એ અત્યંત ડરામણું છે, માત્ર મારા માટે જ નહીં, આજે ટેક્નોલોજીનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તેના કારણે દરેક વ્યક્તિને નુકસાન થઇ શકે છે.” રશ્મિકાએ જણાવ્યું હતું.