નેશનલ

એથિક્સ કમિટીમાં પડી ફૂટ? કમિટીના રિપોર્ટ વિશે કોંગ્રેસના 2 સાંસદોએ અસહમતિ વ્યક્ત કરી

નવી દિલ્હી: ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં હવે એક નવો વળાંક જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ મહુઆ મોઇત્રા સામેના આરોપોની તપાસ માટેની એથિક્સ કમિટીના સભ્યો વચ્ચે જ ફૂટ પડી છે, અને કમિટીના કોંગ્રેસના 2 સાંસદ તપાસના રિપોર્ટ અંગે અસહમતિ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ ઉત્તમ રેડ્ડી અને વૈદ્યલિંગમ કમિટીના રિપોર્ટ અંગે અન્ય સભ્યો સાથે સંમત નથી. એથિક્સ કમિટીની બેઠક હવે 9 નવેમ્બરે યોજાશે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદને પગલે એથિક્સ કમિટીમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની પૂછપરછ થઇ હતી. નિશિકાંત દુબેએ આરોપ મુક્યો છે કે પીએમ મોદી અને અદાણી સમૂહને ટાર્ગેટ કરવા સંસદમાં પ્રશ્નો પૂછવા માટે મહુઆ મોઇત્રા અદાણીના વ્યાવસાયિક હરીફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી લાંચ લેતા હતા. સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મહુઆને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.


ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ તેમના સોગંદનામામાં મહુઆ મોઇત્રાનું સાંસદ પદના લોગ-ઇનની વિગતો વાપરીને પ્રશ્નો પોસ્ટ કર્યાનું સ્વીકાર્યું હતું. જો કે ‘કેશ ફોર ક્વેરી’ મુદ્દે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. દર્શન હિરાનંદાનીએ દાવો કર્યો હતો કે તેમણે મહુઆ મોઇત્રાને ભેટ આપી હતી. જોકે, મહુઆ મોઇત્રા કેશ ફોર ક્વેરીનાં આરોપોને ફગાવી રહી છે. જો કે, તેમણે સ્વીકાર્યું છે કે તેમણે પોતાના સાંસદ પદના લોગ-ઇનની વિગતો શેર કરી હતી. તેની પાછળનો તર્ક એવો છે કે તેના ઉપયોગને લગતા કોઈપણ નિયમો અંગે સભ્યોને જાણ કરવામાં આવી ન હતી. હવે આ મામલે એથિક્સ કમિટીની બેઠક મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહુઆ મોઇત્રા સામે કડક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી શકે છે.


સંસદની એથિક્સ કમિટીની બેઠકમાં હોબાળો થયો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સાથે વિપક્ષી દળોના સભ્યોએ પણ બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે મહુઆને ઘણા અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેથી તેણે વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી સભ્યોએ કહ્યું હતું કે, મહુઆ મોઇત્રા કોને કયા સમયે મળ્યા, ક્યારે કોની સાથે વાત કરી, હોટલમાં કોને મળ્યા જેવા પ્રશ્નો પુછાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button