પ્રદૂષણ મામલે સુપ્રીમે લીધો ઉધડો.. “ઓડ-ઇવન દેખાડો છે…પરાળી રોકો નહિ તો અમે ચલાવીશું બુલડોઝર..”
દિલ્હી-NCRમાં સતત વધી રહેલા પ્રદૂષણને પગલે સુપ્રીમ કોર્ટે તીખા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારોએ કડક પગલા ઉઠાવવા જોઇએ. જો અમે અમારું બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દીધું તો પછી રોકાઇશું નહીં.
ન્યાયાાધીશ એસ કે કૌલે જણાવ્યું હતું કે અમારી ઇચ્છા છે કે દિવાળીની રજાઓ પહેલા તમામ પક્ષો મળીને બેઠક યોજે. આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવો તેમ અમે ઇચ્છીએ છીએ. દિલ્હીની બસો દ્વારા ફેલાતું પ્રદૂષણ પણ ખૂબ વધી ચુક્યું છે.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે શું ઘઉં જેવા અનાજને બદલે મિલેટ્સની ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે? તેનો પ્રચાર તો ખૂબ થઇ રહ્યો છે. આ સમસ્યાનું સમાધાન આ વર્ષે નહીતર આવતા વર્ષ સુધી કરો, આવતા વર્ષે ફરી આ સમસ્યા ન થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં જણાવ્યું હતું કે પંજાબમાં અનાજની ખેતીના વૈકલ્પિક વિકલ્પો માટે સરકારે ખેડૂતોને મદદ કરવી જોઇએ. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાને જણાવ્યું છે કે એક સમાધાન નીકળ્યું છે કે જેમાં પરાળી પર એક રસાયણ છાંટવાથી તે ખાતરમાં ફેરવાઇ જાય છે, તો પછી આ સમાધાન પર અમલ કેમ કરવામાં ન આવ્યો?
આના પર સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું હતું કે પરાળી બાળવાની ઘટનાઓ તરત બંધ થવી જોઇએ. અહીં સૌકોઇ સમસ્યામાં એક્સપર્ટ છે પરંતુ સમાધાન કોઇની પાસે નથી. તમે જોઇ રહ્યા છો કે દિલ્હીમાં કેટલાય બાળકો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. અમને એ જાણવું નથી કે તમે કઇરીતે આ કરો છે, પરંતુ આ અટકવું જોઇએ. પ્રદૂષણ જેવી બાબત રાજકીય મુદ્દો બને તે યોગ્ય નથી.
ઓડ-ઇવન નિયમ પર સુપ્રીમે મહત્વની ટિપ્પણી કરી હતી, ન્યાયાધીશ એસ કે કૌલે જણાવ્યું હતું કે તમે પહેલા પણ ઓડ-ઇવન સ્કીમ લાગુ કરી ચુક્યા છો. તે સફળ થઇ છે ખરી કે બધું દેખાડા ખાતર જ ચાલે છે? પ્રદૂષણ અંગે દરેક સરકારને કોર્ટ આદેશ આપી ચુકી છે. પંજાબ સરકારે સુપ્રીમમાં માગ કરી હતી કે અન્ય ધાનની ખેતી માટે પણ ખેડૂતોને એમએસપી મુજબના ભાવ મળવા જોઇએ. કેન્દ્રએ આ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.