પેટ્રોલ છાંટીને પતિને સળગાવી દેવાના કિસ્સામાં પત્નીને કોર્ટે ફટકારી આ સજા
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે એક મહિલાને તેના પતિને સળગાવી દેવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ એડવોકેટે જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના કુળ ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વિચેતા ગામની છે, 2019માં 15 એપ્રિલના રોજ પ્રેમશ્રીનો પતિ સૂતો હતો ત્યારે તેની પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો. જ્યારે પ્રેમશ્રીએ તેના પતિને સળગાવ્યો ત્યારે ઘરના તમામ સભ્યો ઘઉંનો પાક લેવા માટે ખેતરમાં ગયા હતા.
આ ઘટનામાં પ્રેમશ્રીના પતિ સત્યવીરનું શરીર 90 ટકા બળી ગયું હતું જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલામાં મૃતકના ભાઈ હરવીર સિંહે સત્યવીરની પત્ની વિરુદ્ધ કુડ ફતેહગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
હરવીર સિંહે કોર્ટમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેનો ભાઈ શ્યામ રંગનો હતો અને તેની ભાભી ઘણીવાર તેને આ અંગે મેણાં પણ મારતી હતી. જેના કારણે તે બંને વચ્ચે ઘણીવાર જગડા પણ થતા હતા.
કેસની સુનાવણી પૂરી કર્યા બાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે છ નવેમ્બરના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં પ્રેમશ્રી ઉર્ફે નાન્હીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો હતો અને જો તે દંડ ભરી ના શકે તો તેની સજામાં બીજા બે વર્ષનો વધારો કરવામાં આવશે.