આ કારણે રવિવારે ખુલશે શેર બજાર…
મુંબઈ: હેડીંગ વાંચીને ચોંકી ગયાને કે ભાઈ રવિવારે તો બજાર બંધ હોય તો આ રવિવારે એવું તો શું ખાસ છે કે બજાર ખુલ્લું રહેશે? તો તમારા આ સવાલનો જવાબ છે કે દર વર્ષે દિવાળી નિમિતે શેરબજારમાં ખાસ ટ્રેડિંગ સેશન યોજાય છે અને એટલે મુહૂર્ત ટ્રેડિંગ માટે જ રવિવારે બજાર ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીને કારણે શેરબજારના વ્યવહારો બંધ રહે છે, પણ દિવાળીના એક દિવસ માટે સાંજે થોડાક સમય માટે શેરબજારના કારોબાર ચાલુ રહે છે અને આ વિશેષ સત્રને મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઇન્વેસ્ટર્સ મુહૂર્ત ટ્રેડિંગ કરે છે. આ પાછળ લોકોની એવી માન્યતા છે કે માનવું છે કે આવું કરવાથી આખું વર્ષ બજારમાં રોકાણ સારું રહે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દિવાળીના મુહૂર્ત માટે રવિવાર એટલે કે 12મી નવેમ્બરના એક કલાક માટે ખુલ્લું રહેશે.
આ અંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શેરબજાર 12મી નવેમ્બરના દિવસે સાંજે 6 કલાકથી 7.15 કલાક સુધી મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે.
દિવાળીના નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં 8 મિનિટ માટે પ્રી-ઓપનિંગ સેશન હશે અને આ પ્રી-ઓપનિંગ સેશન રવિવારે સાંજે 6 કલાકથીથી 6.08 કલાક સુધી યોજાશે. આ ઉપરાંત, બ્લોક ડીલ વિન્ડો 5:45 p.m.ના ખુલશે. ત્યાર બાદ બજાર સામાન્ય રોકાણકારો માટે સાંજે 6.15 થી 7.15 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
આવું હશે મુહૂર્ત ટ્રેડિંગનું ટાઈમ ટેબલ:
બ્લોક ડીલ સેશન- સાંજે 5.45થી 6 કલાક સુધી
પ્રી-ઓપનિંગ સેશન- સાંજે 6થી 6.08 કલાક સુધી
સામાન્ય બજાર – સાંજે 6.15 કલાકથી 7.15 કલાક સુધી
કોલ ઓકશન સેશન – સાંજે 6.20 કલાકથી 7.05 કલાક સુધી
કલોઝિંગ સેશન- સાંજે 7.15 કલાકથી 7.25 કલાક સુધી
50 વર્ષથી ચાલી આવી છે આ પરંપરા..
શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા વિશે વાત કરીએ તો આ પરંપરા શેર બજારમાં આશરે 50 વર્ષ જૂની છે. હિંદુ માન્યતા અનુસાર દિવાળી પર કરવામાં આવતું રોકાણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરીણામે રોકાણકારો આ દિવસે વધુ ખરીદી કરે છે. મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 1957માં અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1992માં શરૂ થઈ હતી. ઘણા લોકો મુહૂર્ત ટ્રેડિંગ દિવસોમાં શેર ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે, આ દિવસે કરવામાં આવેલું રોકાણ ખૂબ જ નાનું અને પ્રતિકાત્મક હોય છે.
દિવાળી પર એક કલાકના ટ્રેડિંગ દરમિયાન બજારમાં તેજી રહેવાની શક્યતા છે. ગણેશ-લક્ષ્મી પૂજન શેરબજારમાં મુહૂર્તના વેપારની શરૂઆત પહેલા કરવામાં આવે છે. પછી વેપાર શરૂ થાય છે. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 60,000નો આંકડો પાર કરે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે.