કેજરીવાલની પત્નીને દિલ્હી હાઈ કોર્ટે રાહત અપાવી
ટ્રાયલ કોર્ટના સમન્સ પર સ્ટે આપ્યો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્નીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સમન્સ મોકલ્યા હતા તેના પર દિલ્હી હાઈ કોર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો. વિધાનસભાના બે મતવિસ્તારની મતદારયાદીમાં સુનિતા કેજરીવાલે નામ નોંધાવ્યું હોવાથી કાયદાનું કથિત ઉલ્લંઘન કર્યું હતું. ૨૯મી ઑગસ્ટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અજિંન્દર કૌરે ૧૮મી નવેમ્બરે હાજર રહેવા સુનિતા કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા.
દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ અમિત બંસલે દિલ્હી સરકારને અને ફરિયાદીને નોટિસ પાઠવી હતી. ‘દરમિયાન (ટ્રાયલ કોર્ટના) આદેશ પર સ્ટે રહેશે.’ સુનિતા કેજરીવાલ વતી સિનિયર રેબેકાકા જ્હોને હાઈ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય કારણ વગર આપવામાં આવ્યો હતો. બે મતદાર આઈકાર્ડ ધરાવવા ગુનો નથી અને અરજદારે કોઈ ખોટું નિવેદન નોંધાવ્યું હોય તેવા પુરાવા નથી. લોકપ્રતિનિધિત્વ ધારા (રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ (આરપી) એક્ટ)ની જોગવાઈઓનું સુનિતા અગ્રવાલે ઉલ્લંઘન કર્યું હતું, તેવું ભારતીય જનતા પાર્ટીના નેતા હરીશ ખુરાનાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું.
ઉત્તર પ્રદેશની સાહિબાબાદ વિધાનસભા મતવિસ્તારમાં અને દિલ્હીની ચાંદની ચોક મતવિસ્તારની મતદારયાદીમાં સુનિતા અગ્રવાલે મતદાર તરીકે નામ નોંધાવ્યું હતું.
આ ગુના હેઠળ વધુમાં વધુ બે વર્ષની કેદની સજા થઈ શકે છે. ટ્રાયલ કોર્ટના આદેશને સુનિતા કેજરીવાલે દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.