ઝિકા વાઈરસ: કેરળવાસીઓને સાવધ રહેવાની ચેતવણી
તિરુવનંતપુરમ: ઉત્તર ક્ધનુર જિલ્લામાં ઝિકા વાઈરસના કેસ નોંધાયાના દિવસો બાદ કેરળના આરોગ્ય ખાતાએ લોકોને આ વાઈરસ તેમ જ મચ્છરોને કારણે ફેલાતી બીમારીઓથી સાવધ રહેવાની ચેતવણી આપતો આદેશ સોમવારે બહાર પાડ્યો હતો.
તાવ, માથુ દુ:ખવું, શરીરમાં કળતર, સાંધામાં દુખાવો અને આંખો લાલ થઈ જવા જેવા લક્ષણોને ગંભીરતાથી લેવાનું આરોગ્ય ખાતાએ લોકોને જણાવ્યું હતું.
ઉપરોક્ત કોઈ પણ લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક આરોગ્ય ખાતાને જાણ કરવાની લોકોને વિનંતી કરવામાં આવી હોવાનું આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ઝિકા વાઈરસનો પ્રથમ કેસ ૩૦ ઑક્ટોબરે ક્ધ નુર જિલ્લાના થાલાસરી વિસ્તારમાં નોંધાયો હતો જેને પગલે પહેલી નવેમ્બરે એ વિસ્તારમાં આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી જેમાં ૨૪ નમૂના એકઠાં કરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. કોઈ પણ દરદીમાં ઝિકા વાઈરસ દેખાઈ આવે તો તેવા સંજોગોમાં આરોગ્ય સેવા પૂરી પાડનારાઓએ દર્દી પર વિશેષ ધ્યાન આપવું, એમ આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આરોગ્ય ખાતાના પ્રધાન વીણા જ્યોર્જનાં અધ્યક્ષપદ હેઠળ યોજવામાં આવેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. (એજન્સી)