હીરાલાલ સામરિયાએ મુખ્ય માહિતી કમિશ્નર તરીકે શપથ ગ્રહણ કર્યા
નવનિયુક્ત સીઆઈસી: રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવનિયુક્ત ચીફ ઈન્ફોર્મેશન કમિશનર હીરાલાલ સામરિયા સાથે. (એજન્સી)
નવી દિલ્હી: માહિતી કમિશ્નર હીરાલાલ સામરિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા કેન્દ્રીય માહિતી આયોગના વડા તરીકે શપથ લીધા હતા.
વાય.કે. સિંહાનો કાર્યકાળ ત્રણ ઑક્ટોબરના રોજ પૂર્ણ થયા બાદ પારદર્શિતા પેનલની ટોચની જગ્યા ખાલી પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ મૂર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં સામરિયાને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્ય માહિતી કમિશ્નર તરીકે સામરિયાની નિમણૂક પછી ત્યાં આઠ માહિતી કમિરશ્નરની જગ્યા ખાલી છે. હાલમાં આયોગમાં બે માહિતી કમિશ્નર છે. કમિશનનું નેતૃત્વ મુખ્ય માહિતી કમિશ્નર કરે છે અને તેમાં વધુમાં વધુ ૧૦ માહિતી કમિશ્નર હોઇ શકે છે.સુપ્રીમ કોર્ટે ૩૦ ઑક્ટોબરના રોજ કેન્દ્ર અને રાજ્ય સરકારોને પોસ્ટ ભરવા માટે પગલા લેવા કહ્યું હતું ત્યાર પછી આ નિમણૂક કરવામાં આવી છે. સીઆઇસી અને રાજ્ય માહિતી આયોગ (એસઆઇસી)માં ખાલી જગ્યાઓની ગંભીર નોંધ લેતા ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ને તમામ રાજ્યોમાંથી એસઆઇસીમાં માહિતી કમિશ્નરોની મંજૂર સંખ્યા, હાલમાં ખાલી જગ્યાઓ અને ત્યાં બાકી રહેલા કુલ કેસોની સંખ્યા વિશે માહિતી એકત્રિત કરવા જણાવ્યું હતું.