નેશનલ

વાપી જીઆઈડીસીમાં ડીઆરઆઇએ ૧૮૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

ઊડતા ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ડીઆરઆઈએ વાપી જીઆઇડીસીની એક કંપનીમાંથી ૧૨૧ કિલોથી વધુ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ ઝડપ્યું હોવાનું અને એક આરોપીને ત્યાંથી રૂ. ૧૮ લાખ રોકડા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતોનુસાર વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ડીઆરઆઇએ એક ખાનગી કંપનીમાંથી એમડી ડ્રગ્સ ઝડપ્યું હતુ. અંદાજે રૂ. ૧૮૦ કરોડથી વધારે કિંમતનું ૧૨૧ કિલોથી વધુ મેફેડ્રોન (એમડી) ઝડપ્યું હતુ. એક આરોપીને ત્યાંથી રૂ. ૧૮ લાખ રોકડા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. એસઓજીએ બાપુનગરમાં મકાનમાંથી ૧૯ લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી હતી. આ મામલે એસઓજીએ સાદિક ઉર્ફે બાબુ અંસારી અને તેની પત્ની રુકસાના બાનુ ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લાં ૩ વર્ષથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં પોતાના ઘરેથી છૂટક વેચાણ કરતા હતા અને પોતે પણ બંધાણી હતા. આ મામલે એસઓજીએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

થોડા દિવસ પૂર્વે ભરૂચના વાલિયા જિલ્લામાં અમદાવાદ સીઆઇડી ક્રાઇમે દરોડો પાડીને ડ્રગ્સ બનાવવામાં વપરાતા રૂ. ૭.૬૦ લાખના રો મટિરિયલ સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. તે કેસમાં વડોદરા સીઆઇડી ક્રાઇમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
વાલિયાની હરિનગર સોસાયટીમાં રહેતા રાકેશ જેનુભાઇ વસાવાની પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટે વપરાતા ૭.૬૦ લાખના રો મટિરિયલ સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરે ધરપકડ કરી હતી. આ રો મટિરિયલનો ઉપયોગ મેથામ્ફેટામાઇન તથા મેફેડ્રોન બનાવવામાં થાય છે. જેની તપાસ વડોદરા સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાય. એસ. પી. એચ. એમ. ચૌહાણ કરી રહ્યા છે. આ કેસમાં વચેટિયા તરીકે કામ કરનાર અબ્દુલ કાદરી ઐયુબભાઇ મણીયાર તથા બ્રિજકુમાર રમેશભાઇ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે રો મટિરિયલ સપ્લાય કરનાર આરોપી મનોજ પ્રતાપભાઇ ગાર્ગેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button