તરોતાઝા

પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન ‘કાઉસ્સગમ્’ દ્વારા આત્માનંદની કેળવણી!

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

સુખ બધાને જોઇએ છે તમને કોઇ એવો માણસ નહીં મળે જે સુખની પાછળ દોડતો નહીં હોય અને એવી જ રીતે, દુ:ખ કોઇને નથી જોઇતું દુ:ખથી બધા જ દૂર ભાગે છે. આ સુખ-દુ:ખના ભાગંભાગ જ સંસારની વાસ્તવિકતા છે. પણ આશ્ર્ચર્યજનક વાત તો એ છે કે કોઇને સુખ-દુ:ખ ખરેખર શું છે, એની જ ખબર હોતી નથી.

આધુનિક મનોવિજ્ઞાનિક પણ કહે છે કે સુખ-દુ:ખ એ માત્ર તમારો અભિપ્રાય છે, તમારા ‘માનસ’ દ્વારા ઉપજાવેલો ભ્રમ છે, ખરેખર, સુખ-દુ:ખ તો અસ્તિત્વ જ નથી. તમારા જ્ઞાનને મર્યાદા અને દ્દષ્ટિકોણની પરિપક્વતા એ બન્ને સુખ-દુ:ખને આકાર આપે છે. આ વાતને સમર્થન આપનાર આ બોધ વાક્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

“I Cried when I had no shoes, Until I saw sameone who had no legs,,,”

અર્થાત: “મારી પાસે પગરખાં નહોતાં માટે હું રડતો હતો, અને મેં એવી વ્યક્તિને જોયો જેની પાસે પગ જ નહોતા.

ઉપરોક્ત વાત સમજવા જેવી છે. જેની પાસે પગરખાં નથી અને ખુલ્લા પગે ચાલવાથી પગમાં કાંટા વાગે છે, ત્યારે તેને દુ:ખ થાય છે કે મારી પાસે પગરખાં નથી, અને જ્યારે આ વ્યક્તિ અન્ય કોઇ પગ વગરની વ્યક્તિને જુએ છે ત્યારે એને એના પગની કિંમત સમજાય છે. પછી દુ:ખ શાને રહે? સંસારમાં રહેનાર મનુષ્યોએ સુખ-દુ:ખની પરિભાષા જ બદલી નાખી છે. ઇન્દ્રિયોના વિષયોમાં મદ મસ્તિ અને ઇચ્છા પૂર્તિમાં જ સુખ છે એ વલણ અપનાવી દીધું છે. આ વાત આપણા મન-ચિત્તમાં એવી ગોઠવાઇ ગઇ છે કે આના સિવાય બીજું કાંઇ સુઝતું નથી.

આનંદની ફિલસૂફી:
સાધારણપણે મનુષ્ય ત્રણ પ્રકારના અનુભવો કરી શકે છે. એક અનુભવ સુખનો છે. આ અનુભવ ‘રાગ’ ઉપજાવે છે. બીજો અનુભવ દુ:ખનો હોય છે. આ અનુભવ દ્વેષ ઉપજાવે છે. આ બન્નેના બાહ્ય કારણ હોય છે. એ આપણા શરીર અને વ્યવહારીક સંસાર સાથે જોડાયલી ઘટનાઓ છે. આપણું મન આવી સુખ-દુ:ખને સંવેદનાઓમાં રચ્યું-પચ્યું રહે છે. આ બન્ને અનુભવો ઉપરાંત એક ત્રીજો વિરલ અનુભવ હોઇ શકે છે- ‘આનંદ’નો અનુભવ!

આનંદ એ ‘આતમ’ની ઘટના છે. તે આપણા સૂક્ષ્મ ચિત્ત પ્રદેશોમાં અભિવ્યક્ત થાય છે. ચિત્ત પ્રદેશ એટલે જ્યાં ચૈતન્ય જાગરૂક હોય, સભાનપણે અને નિશ્ર્ચયપણે કાર્યરત હોય! જ્યાં ગતાનુગતિક અને યંત્રવત જીવન નહીં પણ વિવેક બુદ્ધિ દ્વારા અર્થપૂર્ણ જીવન જીવવાની મહત્ત્વકાંક્ષા હોય! આવી જાગરૂક ચિત્ત દશામાં સુખ-દુ:ખની પરિભાષા બદલાઇ જાય છે. અહીં સુખ અને દુ:ખ બન્ને પીડાદાયક ભાસે છે. બન્ને અશાંતિના સ્તોત્ર છે એ સમજાય છે. જ્યાં સુખ-દુ:ખની માન્યતા બદલાઇ જાય છે; સુખ અને દુ:ખ અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે જ આનંદ પ્રકટ થાય છે!

આનંદ ‘અકારણ’ હોય છે. એને બાહ્ય ઘટનાઓ સ્પર્શી શક્તી નથી. આનંદ ‘સ્થિર’ પણ હોય છે. એક વખત પ્રકટ થઇ જાય પછી એ અસ્ત થતી નથી. આનંદનો સીધો સંબંધ તમારી આત્મા સાથે છે, તમારા ચૈતન્ય સાથે છે. તે તમારા આત્માનો મૌલિક ગુણ છે. તે આત્માની શુદ્ધતાનું પ્રમાણ છે!

આત્માનંદ માટે કાઉસ્સગમ્!
કાઉસ્સગમ્ એટલે શરીર, વાણી અને મનની અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ. એ સર્વોત્તમ તપ છે, ઉત્તમાઉત્તમ સાધના છે. વિશેષપણે તે અજ્ઞાનતા અને મિથ્યાજ્ઞાનતાનો ત્યાગ છે! કાઉસ્સગમ્ કૈવલ્ય પ્રાપ્તિ માટે અનિવાર્ય છે.

કાઉસ્સગમ્ની સાધના પણ અનોખી છે. તે પ્રબુદ્ધતા (Higher Intelligence) અને પ્રજાગતા (Higher Consciousness) જેવી આત્મ શક્તિઓને સક્રિય કરે છે. જે પણ વ્યક્તિમાં આ બન્ને ગુણ વિકિસત થાય છે તે ક્યારે દુ:ખી થતો નથી. કાઉસ્સગમ્ સાધનાનો પ્રયોગ પણ વૈજ્ઞાનિક છે. સાધકને ચોક્કસ ક્રિયાઓ દ્વારા અંતરમુખી કેમ થવું એ શીખવાડવામાં આવે છે, અને પછી તેને આત્મ-પ્રગતિ માટે પ્રેરીત કરવામાં આવે છે.

કાઉસ્સગમ્ની સાધના કરતા કરતા સાધક ચિત્ત જાગૃતિને પામી શકે છે. એ અનુભવ પણ આનંદકારક હોય છે. એ દશામાં ચિત્તની અશુદ્ધ વૃત્તિઓ પણ શાંત થઇ જાય છે અને આત્મિક ગુણ પર મનન ચિંતન કરી શકાય છે અને આત્મ પરિવર્તન સાધી શકાય છે.

આત્માનંદની પ્રાપ્તિ માટે પ્રથમ આવશ્યક છે- ‘આકાંક્ષાઓથી મુક્તિ’. કાઉસ્સગમ્ની શાંત દશામાં આપણી વિવિધ આકાંક્ષાઓ પ્રત્યે સાવધ થઇ શકાય છે. આપણી આકાંક્ષાઓ એટલે ઇચ્છાઓ, વાસનાઓ, અપેક્ષાઓ, લાલસા અને વિભાવનાઓનો સમૂહ! જ્યારે મન એકાગ્ર હોય છે, ચિત્ત નિર્મલ હોય છે ત્યારે આપણાં જ દૂષણોનુ દપર્ણ બની જાય છે. સાથેસાથે આ દૂષણોથી નિર્માણ થતી વેદનાઓથી મુક્ત થવાની તીવ્ર ભાવના પણ પ્રકટ થાય છે.

જે તમે અતિ તીવ્રતાથી ભાવના કરો એ તમે પામી શકો છો, એવો કુદરતનો નિયમ છે. જ્યારે આકાંક્ષાઓના વિવિધ ઘટકોને શાંત કરતા જઇએ, તો આત્મનંદની અનુભૂતિ થયા વિના રહેશે નહીં. તો ચાલો, કાઉસ્સગમ્ની સાધના દ્વારા સુખ-દુ:ખના કેદખાનાથી મુક્ત થઇને આત્માનંદનો લ્હાવો લઇએ… જીવન સાર્ધક કરીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ