રશ્મિકા મંદાનાના deepfake વીડિયો મામલે આઇટી પ્રધાને શું કહ્યું?
નવી દિલ્હી: અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક ટેકનોલોજી વડે બનેલો ફેક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ ફેક વીડિયો પર આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તેમની જવાબદારીઓનું ભાન કરાવ્યું.
આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકી હતી., તેમાં તેમણે લખ્યું હતું કે ‘પીએમ મોદીની સરકાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા તમામ ડિજીટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.’
આઇટી વિભાગના નિયમો અનુસાર કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી સોશિયલ મીડિયા સાઇટ્સની છે. જો કોઈ વપરાશકર્તા અથવા સરકાર દ્વારા તેને રિપોર્ટ કરવામાં આવે તો તેને દૂર કરવી જોઈએ. આઈટી પ્રધાને કહ્યું હતું કે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ નિયમોનું પાલન ન કરે તો તેમને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કોર્ટમાં પણ ઘસડી શકાય છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું, “deepfake એ અત્યંત ખતરનાક અને નુકસાનકારક સ્વરૂપ છે પ્લેટફોર્મ્સે તેના માટે યોગ્ય નીતિઓ ઘડવાની જરૂર છે.”
deepfakeમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિના ચહેરા પર અન્ય વ્યક્તિનો ચહેરો લગાવી બનાવટી ફોટો કે વીડિયો ક્રિએટ કરી શકાય છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ચહેરા સાથેનો જે બોલ્ડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે બ્રિટિશ-ઇન્ડિયન ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ઝારા પટેલનો છે. ઇન્સ્ટાગ્રામ પર ઝારાના 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ વિડિયો જોયા બાદ અભિનેતા અમિતાભ બચ્ચને પણ કાયદાકીય કાર્યવાહીની જરૂરિયાત વિશે વાત કરી હતી.