નવી દિલ્હીઃ વન-ડે ક્રિકેટમાં પોતાની 49મી સદી ફટકારીને મહાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરોબરી કર્યા પછી વિરાટ કોહલીની તુલના ક્રિકેટના ભગવાન સચિન સાથે કરવામાં આવી રહી હતી, ત્યારે કિંગ કોહલી વાસ્તવમાં ઈમોશનલ થયો હતો, જ્યારે સચિને પણ તેને અભિનંદન આપ્યા હતા.
સચિન તેંડુલકર માટે વિરાટે કહ્યું હતું કે સચિન મારા માટે હંમેશાં હીરો રહેશે. તેના રેકોર્ડની બરોબરી કરવાનું મારા માટે સન્માનની વાત છે. સચિન બેટિંગમાં એકદમ પર્ફેક્ટ રહ્યા છે. હું તેમને બાળપણથી ટીવી પર જોતો આવ્યો છું અને તેની પાસેથી આ પ્રશંસા મેળવવી એ મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કે હું ક્યાંથી આવ્યો છું. હું તેની જેમ ક્યારેય રમી શકીશ નહીં, એવું કોહલીએ જણાવ્યું હતું.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી અને શાંત રહેવું એ તેની રમતનો મહત્વનો ભાગ છે. કોહલીએ રવિવારે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે અણનમ 101 રન કરીને સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. દરમિયાન કોહલીએ કહ્યું હતું કે હું હંમેશા મારી લાગણીઓ અને સંવેદનાઓને નિયંત્રણમાં રાખવા માંગુ છું. આ મારી રમતનો મહત્વનો ભાગ છે. એટલા માટે હું મેચ પહેલા તેના વિશે જાગૃત રહું છું.
આ ઉપરાંત, મેલબોર્નમાં ટી-20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ સામાન્ય રીતે શાંત રહેતા રોહિત શર્માએ ખુલ્લેઆમ ઉજવણી કરી ત્યારે તેનાથી તે અભિભૂત થઈ ગયો હતો.
કોહલીએ કહ્યું હતું કે હું લાંબા સમયથી રોહિત સાથે રમી રહ્યો છું પરંતુ મેં તેને ક્યારેય આ રીતે ઉજવણી કરતા જોયો નથી. તેણે કહ્યું હતું કે તેનો સામનો કરવા માટે કોઈ ખાસ તૈયારી કરવામાં આવી ન હતી.