નેશનલ

…અને દિલ્હીમાં લોકો અચાનક સોમવારે ઘર-ઓફિસમાંથી રસ્તા પર આવ્યા?

નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હી એનસીઆરમાં સોમવારે સાંજે ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા અને આ આંચકાઓને પગલે લોકો ઓફિસ અને ઘરમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. દિલ્હીની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ આ આંચકા અનુભવાયા હતા અને ભૂકંપનું એપિસેન્ટર નેપાળ હોવાની માહિતી સામે આવી રહી છે.

દિલ્હી એનસીઆર અને યુપીમાં સોમવારે સાંજે 4.18 કલાકે 5.6 રેક્ટર સ્કેલના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે. લોકો ઘર અને ઓફિસમાંથી ગભરાઈને બહાર આવી ગયા હતા. જોકે, ત્રણ દિવસમાં આ બીજી વખત છે કે જ્યારે દિલ્હીની ધરા ધ્રૂજી હોઈ. આ પહેલાં શુક્રવારે રાતે 11 વાગ્યાની આસપાસ 6.4 રેક્ટર સ્કેલ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને એ સમયે પણ તેનું એપિસેન્ટર નેપાળ જ હતું.

શુક્રવારે નેપાળમાં આવેલા ભૂકંપના આંચકામાં 157 લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો લોકોના ઘરોને નુકસાન થયું હતું. નેપાળમાં 2015માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ અનુભવાયેલા આફ્ટર શોકમાં 9,000 લોકોના મૃત્યુ થયા અને 22,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ભૂકંપ આવે તો શું કરવું?

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ભૂકંપને લઈને એલર્ટ આપવામાં આવતા હોય છે અને એ અનુસાર ભૂકંપના આંચકા લાગે તો ગભરાવવાને બદલે શાંતિ અને ધીરજથી કામ લેવું જોઈએ અને કોઈ સુરક્ષિત સ્થળ જેમ કે ટેબલની નીચે છુપાઈ જવું જોઈએ અને એક હાથથી માથું ઢાંકી લો અને જ્યાં સુધી આંચકા શાંત ના પડે ત્યાં સુધી ટેબલને પકડી રાખો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button