મુંબઈના આ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાનો ‘આ’ રીતે આવશે ઉકેલ…
મુંબઈઃ મુંબઈ અને ઉપનગરોમાં વધતી વાહનોની સંખ્યા વચ્ચે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ઉકેલવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા મુંબઈના ચાર ગીચ વસ્તીવાળા વોર્ડમાં 22,000થી વધુ વાહનોને પાર્ક કરવા માટે નવા પાર્કિંગ સ્થળો વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે તાજેતરમાં શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મુંબઈમાં 22,000થી વધુ વાહનોને પાર્ક કરવા માટે ખાસ કરીને પાર્કિંગ સ્થળ બનાવવાની જાહેરાત કરી હતી.
મુંબઈ મહાનગર પાલિકા દ્વારા વિકસાવવામાં આવતા આ પાર્કિંગ સ્થળ પૈકી ડી વોર્ડમાં કેમ્પ્સ કોર્નર, વાલકેશ્વર, ગ્રાન્ટ રોડ, બ્રીચ કેન્ડી, મલબાર હિલ, ગિરગામ, મુંબઈ સેન્ટ્રલ તેમજ જી/દક્ષિણ વોર્ડના વર્લી, પ્રભાદેવી અને લોઅર પરેલનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત યોજનામાં કે/પશ્ચિમ વોર્ડના, અંધેરી ખાતે પણ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને પૂર્વ ઉપનગરીય એસ વોર્ડના ભાંડુપ અને કાંજુરમાર્ગ નજીકના વિસ્તારોનો પણ સમાવેશ છે.
પાર્કિંગની જગ્યાના અભાવને લીધે અનેક વખત લોકો વચ્ચે ઝઘડો થવાની અને મારપીટની ઘટનાઓ પણ બને છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ડેટા અનુસાર ઑક્ટોબર 2023ના મધ્ય સુધીમાં મુંબઈના ત્રણેય વિભાગમાં 1,40,899 વાહનની નોંધણી કરવામાં આવી હતી.
આ આંકડાની સાથે મુંબઈમાં વાહનોની કુલ સંખ્યા 45 લાખ પહોચી ગઈ છે. જેમાં 26.6 લાખથી ટુ વ્હીલર, 14.4 લાખ ફોર વ્હીલર છે, જ્યારે 11.62 લાખથી વધુ માલવાહક જેમ કે ટ્રક વગેરે વાહનો છે. આ કુલ સંખ્યામાં 2.3 લાખથી વધુ રિક્ષા છે અને 2,060 એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે.
પાર્કિંગને લીધે ઊભી થતી સમસ્યા અને પ્રશ્નોને ઉકેલવા મહાપાલિકા દ્વારા ઓન-સ્ટ્રીટ પાર્કિંગ પ્રોજેકટને પાર પાડવા માટે પ્રથમ તબક્કામાં ડી વોર્ડમાં 127 વાહનો, જી/દક્ષિણમાં 86 વાહનો, કે/પશ્ચિમમાં 220 અને એસ વોર્ડમાં 108 વાહન માટે પાર્કિંગના સ્થળો ઊભા કરવામાં આવશે.