નિઠારી કાંડના આરોપીને નિર્દોષ જાહેર કરવા સામે CBI જશે સુપ્રીમ કોર્ટ!
નવી દિલ્હીઃ સીબીઆઈએ 2006માં નિઠારીમાં આશરે 19 પીડિતો, મહિલાઓ અને નાના બાળકોની ભયાનક હત્યા સંબંધિત કેસોમાં નોઈડાના રહેવાસી સુરિન્દર કોલીને નિર્દોષ જાહેર કરવાના અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવાનો નિર્ણય લીધો છે.
ગયા મહિને હાઈકોર્ટની ડબલ બેન્ચે 42 વર્ષીય કોલીને 12 કેસમાં અને 65 વર્ષીય મોનિંદર સિંહ પંઢેરને બે કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.આ દરમિયાન કોર્ટે સીબીઆઈ દ્વારા હાથ ધરાયેલી તપાસની ટીકા કરી હતી અને તેનું વર્ણન ‘સબસ્ટાન્ડર્ડ’ તરીકે કર્યું હતું.
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે માત્ર કોલીના નિર્દોષ છૂટવાના આદેશને પડકાર આપીશું. અમે પંઢેર સામે એક્શન નહીં લઇએ, કારણ કે તેની સામેના પુરાવા નબળા છે. સીબીઆઈએ ક્યારેય પંઢેર પર હત્યાનો આરોપ લગાવ્યો નથી. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે અમે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા સુરિન્દર કોલીને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ કરીશું. અમારી પાસે સુરિન્દર કોલી બાળકો અને મહિલાઓની હત્યામાં સામેલ હોવાના પૂરતા પુરાવા છે. અમારા તપાસ કરનારાઓ અને કાનૂની ટીમ દ્વારા નિર્ણયનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આ મામલો પહેલીવાર ડિસેમ્બર 2006માં સામે આવ્યો હતો. પોલીસને પીડિતોના હાડપિંજર, ખોપરી, હાડકાં અને અન્ય સામગ્રી નોઈડા સેક્ટર 31માં પંઢેરના બંગલાની પાછળની બહાર અને ગટરમાં પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં બંનેની એક મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ કોલી, પંઢેરના ઘરના સર્વન્ટ પર બળાત્કાર, અપહરણ અને હત્યાનો આરોપ મૂક્યો હતો. 2017માં બંને આરોપીઓને અનેક કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. સીબીઆઈએ 11 જાન્યુઆરી, 2007ના રોજ પ્રથમ વખત આ કેસની તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ પંઢેર અને કોલી વિરુદ્ધ 16 કેસ નોંધ્યા હતા. કોલી પર તમામ 13 કેસમાં અપહરણ, બળાત્કાર અને હત્યાનો આરોપ હતો. બીજી તરફ પંઢેર પર માત્ર એક જ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં સીબીઆઈ કોર્ટે તેને કોલી સાથે પાંચ કેસમાં સહ-આરોપી બનાવ્યો હતો.
અલાહાબાદ હાઇ કોર્ટના નિર્ણય પહેલા કોલીને ત્રણ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને એક કેસમાં તેની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. પંઢેર સામે છ કેસ હતા, જેમાંથી પહેલા ચાર કેસમાં તે નિર્દોષ છૂટી ગયો હતો.