નેશનલ

છત્તીસગઢ, મિઝોરમની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા

રાયપુર: છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ રવિવારે સાંજે શાંત થયા હતા. આ બે રાજ્યમાં સાતમી નવેમ્બરે ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૦ બેઠક માટે મતદાન થવાનું છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પર મહાદેવ બૅટિંગ ઍપ કૌભાંડના સંબંધમાં આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા, જ્યારે ભાજપના અન્ય નેતાઓએ ધર્મ પરિવર્તન, કાયદા અને વ્યવસ્થાની વણસેલી સ્થિતિ વગેરે મુદ્દે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા.

દરમિયાન, કૉંગ્રેસે દાવો કર્યો હતો કે બઘેલની સરકારે ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતોના કલ્યાણાર્થે અનેક યોજના અમલમાં મૂકી હતી અને આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પોતાના ‘ઉદ્યોગપતિ મિત્ર’ને કુદરતી સંપત્તિ અને સ્રોતો સોંપી રહી છે.

છત્તીસગઢમાં નક્સલવાદથી અસરગ્રસ્ત બસ્તર વિસ્તાર અને અન્ય ચાર જિલ્લામાંની ૨૦ બેઠક માટે સાતમી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. રાજનંદગાંવ, મોહલા – માનપુર – અંબાગઢ ચોકી, કબીરધામ અને ખૈડાગઢ – છુઇખાદન – ગંદાઇ વિસ્તારમાં મતદાન થવાનું છે.

અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાયેલી મોહલા – મનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોન્ડાગાંવ, નારાયણપુર, દાંતેવાડા, બિજાપુર અને કોન્ટા બેઠક માટે સવારે સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. બાકીની દસ બેઠક ખાતે સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે.

પાંચ જિલ્લા – સુકમા, બિજાપુર, દાંતેવાડા, કાનેકર અને નારાયણપુરમાંના ૧૫૬ મતદાન કેન્દ્ર ખાતે ચૂંટણી કર્મચારીઓને પહોંચાડવા માટે હેલિકૉપ્ટરોનો ઉપયોગ કરાઇ રહ્યો છે.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૨૦ બેઠક પર કુલ ૨૨૩ ઉમેદવાર ઊભા છે અને તેમાં પચીસ મહિલા ઉમેદવાર છે. તેઓનું રાજકીય ભાવિ ૧૯,૯૩,૯૩૭ પુરુષ, ૨૦,૮૪,૬૭૫ મહિલા અને ૬૯ વ્યંડળ મતદાર મળીને કુલ ૪૦,૭૮,૬૮૧ મતદાર નક્કી કરશે.

રાજનંદનગાંવની બેઠક પરથી સૌથી વધુ (૨૯) ઉમેદવાર ઊભા છે, જ્યારે સૌથી ઓછા (સાત) ઉમેદવાર ચિત્રકૂટ અને દાંતેવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહનો સમાવેશ થાય છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…