નેશનલ

ધો ડાલા: ભારતનો સા. આફ્રિકા સામે ભવ્ય વિજય

પહેલા બેટ્સમેનો પછી ભારતીય બોલરો ઝળક્યા: જાડેજાની પાંચ વિકેટ

કોલકાતા: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૭મી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૨૪૩ રનથી હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૨૬ રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર ૮૩ રન જ કરી શકી હતી અને ભારત આ ટુર્નામેન્ટમાં અજેય રહ્યું અને વધુ એક આસાન વિજય હાંસલ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી અને દક્ષિણ આફ્રિકાને માત્ર ૮૩ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. દક્ષિણ આફ્રિકાનો દાવ માત્ર ૨૭.૧ ઓવરમાં જ સમેટાઈ ગયો હતો. ભારતનો આ સતત ૮મો વિજય છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર રેકોર્ડ ૪૯મી સદી ફટકારીને ચાહકોને બેવડી ખુશી આપી હતી. ભારતના ૩૨૬ રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. દક્ષિણ આફ્રિકાને પ્રથમ ફટકો ૬ રનના સ્કોર સાથે લાગ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાના પાંચ બેટ્સમેન ૪૦ રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. મોહમ્મદ સિરાજે ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. મોહમ્મદ સિરાજે ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાને ૨૨ રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ટેમ્બા બાવુમાને બોલ્ડ આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે લાચાર દેખાતા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમા ૧૧ , રાસી વાન ડેર ડુસેન ૧૩ , એડન માર્કરામ ૮, હેનરિક ક્લાસેન ૧ રન , ડેવિડ મિલર ૧૧ રન કરી આઉટ થયો હતો. માર્કો જાન્સેન ૧૪, કેશવ મહારાજ ૭, એનગિડી કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

સાઉથ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૨૬ રન કર્યા હતા. વિરાટ કોહલી ૧૨૧ બોલમાં ૧૦૧ રન કરીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજા ૧૫ બોલમાં ૨૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્માએ શુભમન ગિલ સાથે મળીને ૩૫ બોલમાં ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત ૨૪ બોલમાં ૪૦ રન કરીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

શુભમન ગિલ ૨૪ બોલમાં ૨૩ રન કરીને આઉટ થયો હતો. બાદમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ૧૩૪ રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ ૮૭ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૭ રન કરીને આઉટ થયો હતો. કેએલ રાહુલ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર આઠ રન કરી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે ૧૪ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ઝડપી ૨૨ રન કર્યા હતા. વિરાટે ૪૯મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ૧૨૧ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૧૦૧ રન કર્યા બાદ અણનમ રહ્યો હતો. આ સાથે જ જાડેજાએ ૨૯ રનની અણનમ ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી ઉપરાંત કગીસો રબાડા, માર્કો જાન્સેન, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીને ૧-૧ સફળતા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…