મેટ્રો માટે ભંડોળનું ઓડિટ: એમએમઆરડીએ કેન્દ્ર અને પાલિકા પાસે માગશે ૭૫૦૦ કરોડ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રૂ.૭૫ હજાર કરોડ રૂપિયાના મેટ્રો કોરિડોરના કામો હાથ ધરવામાં આવ્યા છે, અને આ કામો માટે જરૂરી ભંડોળ કેવી રીતે અને ક્યાંથી ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તેથી, ‘એમએમઆરડીએ’ હવે કેન્દ્ર સરકાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ૧૦ ટકા ભંડોળ (૭૫૦૦ કરોડ) ઉપલબ્ધ કરાવવાની માંગ કરશે. આ અંગે ટૂંક સમયમાં કેન્દ્ર અને પાલિકાને પત્ર મોકલવામાં આવશે.
એમએમઆરડીએ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ૩૩૭ કિમી.નું મેટ્રો નેટવર્ક બનાવી રહ્યું છે. તે જ સમયે, ધ્યાનમાં આવ્યું છે કે મેટ્રો લાઇનના કુલ ખર્ચના ૧૦ ટકા કેન્દ્ર તરફથી એમએમઆરડીએને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. સમગ્ર દેશમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કેન્દ્ર દ્વારા ૧૦ ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તે મુજબ ૨૦૧૭ માં રાજ્ય સરકારે ૧૦ ટકા ફંડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે ત્યાર બાદ આગળ કોઈ કાર્યવાહી થઈ ન હતી. એમએમઆરડીએને આ બાબત ધ્યાનમાં આવ્યા પછી, રાજ્ય સરકારે ૨૦૧૭ માં કેન્દ્ર પાસે બાકી રકમની માંગણી કરી.
વધુમાં,એમએમઆરડીએ એ ૨૦૧૮ માં કેન્દ્ર સરકાર પાસેથી મેટ્રો ૨ અને મેટ્રો ૭ માટે પણ ૧૦ ટકા ભંડોળની માંગણી કરી હતી. આ મુજબ કેન્દ્ર દ્વારા મંજૂર કરેલ ૮૧૧ કરોડ રૂપિયાનું ફંડ પણ ન મળ્યું હોવાની જાણ થઇ અને આ ફંડ ઉપલબ્ધ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ બહાર આવ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, હવે કુલ ૭૫ હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટ માટે ૧૦ ટકા એટલે કે ૭૫૦૦ કરોડનું ભંડોળ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકારને પત્ર મોકલવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહાનગરપાલિકા પણ મેટ્રોના કામ માટે ૧૦ ટકા ફંડ આપે છે. જોકે, મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું કોઈ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. જ્યારે મેટ્રો માટે નાગપુર, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૧૦ ટકા ભંડોળ ઉપલબ્ધ છે, જયારે મુંબઈ કોર્પોરેશન પાસેથી કોઈ ભંડોળ પ્રાપ્ત થયું નથી, ૧૦ ટકા ભંડોળ માટે ટૂંક સમયમાં કેન્દ્રની જેમ કોર્પોરેશનને પણ લેખિત વિનંતી કરવામાં આવશે.