આમચી મુંબઈ

વિદ્યાવિહાર ફ્લાયઓવર માટેનો બીજો ગર્ડર સફળતાપૂર્વક બેસાડાયો.

ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ટ્રાફિક માટે પુલ ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના વાહનચાલકોને રાહત આપવા માટે વિદ્યાવિહાર પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો રોડ ઓવર બ્રિજ (આરઓબી) બનાવવામાં આવી રહ્યો છે. મે મહિનામાં પહેલા તબક્કામાં ગર્ડર બેસાડ્યા બાદ શનિવારે ૧,૧૦૦ મેટ્રિક ટન વજનનો લગભગ ૧૦૦ મીટર લંબાઈનો બીજો ગર્ડર બેસાડવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મોડી રાતથી વહેલી સવાર સુધી ગર્ડર નાખવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વિદ્યાવિહાર આરઓબીનું લગભગ ૯૦ ટકા કામ પૂરું થઈ ગયું છે અને બહુ જલદી વાહનચાલકો માટે આ પુલ ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે.

હાલમાં ઘાટકોપર અને સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ખાતે આરઓબી છે અને હવે વિદ્યાવિહારમાં બની રહેલા નવા આરઓબીને કારણે આ બંને આરઓબી પર રહેલો ટ્રાફિકનો બોજો હળવો થશે એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. ઘાટકોપર પૂર્વમાં રામકૃષ્ણ ચેંબુરકર અને પશ્ર્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ)ને જોડવા માટે વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસે પાટા ઉપરથી જનારા આ ફ્લાયઓવરને પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.

આ પુલ બાંધકામ સમયે બંને બાજુના ટ્રાફિક માટે એક-એક એમ બે સ્ટીલ ગર્ડર બેસાડવાના હતા. તેમાંથી પહેલા ગર્ડરનું કામ ૨૭, મે, ૨૦૨૩ના રોજ પાર પાડવામાં આવ્યું હતું. તેના થોડા મહિના બાદ એટલે કે ચાર નવેમ્બર, ૨૦૨૩ બીજા ગર્ડરને નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. શનિવારે મોડી રાતના બે વાગ્યાથી રવિવાર વહેલી સવારના ૫.૩૦ વાગ્યા સુધીના સમય બ્લોક લેવામાં આવ્યો હતો. એ દરમિયાન લગભગ ૧,૧૦૦ મેટ્રિક ટન વજનનો લગભગ ૧૦૦ મીટર લંબાઈનો બીજો ગર્ડર નાખવાનું ટેક્નિકલી અત્યંત પડકારજનક કહેવાતા કામ પાર પાડવામાં પાલિકાના પુલ વિભાગના ઍન્જિનિયરોને સફળતા મળી હતી.

આ શહેરનો સૌથી લાંબો સ્ટીલનો આરઓબી હોવાનું કહેવાય છે. આ ૪૮૦ મીટર લાંબો પુલ પાલિકા દ્વારા પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો છે. બંને બાજુ ફૂટપાથ ધરાવતો આ ટુ-લેનનો પુલ પૂર્વ બાજુએ આર. એન. ગાંધી માર્ગ સ્કૂલથી પશ્ર્ચિમમાં રામદેવ પીર માર્ગ સુધીનો રહેશે. સ્થાનિકો રહેવાસીઓના કહેવા મુજબ આ પુલ વિદ્યાવિહાર અને તેની આસપાસ રહેતા અને કામ કરતા લોકો માટે રાહતરૂપ બની રહેશે. આ પુલને કારણે ઘાટકોપરના આરઓબી પરના ટ્રાફિકને પણ રાહત થશે. એ ઉપરાંત લોકમાન્ય ટિળક ટર્મિનસ પર જવા ઈચ્છતા લોકોને પણ આ આરઓબીનો ફાયદો થશે.
અપ્રોચ રોડનું કામ પૂરઝડપે

પુલ માટે બંને ગર્ડર નાખ્યા બાદ હવે આગામી તબક્કામાં પુલના પૂર્વ અને પશ્ર્ચિમ એમ બંને બાજુએ ૧૭.૫૦ મીટર પહોળો અપ્રોચ રોડનું બાંધકામ કરવામાં આવવાનું છે. આગામી પખવાડિયામાં તેનો વર્ક ઑર્ડર બહાર પાડવામાં આવવાનો છે. એલબીએસ અને રામકૃષ્ણ ચેંબુરકર માર્ગને જોડનારા આ આરઓબીમાં કુલ બે રોડ હશે. કુલ ૬૩૦ મીટર લંબાઈના પ્રોજેક્ટમાં રેલવે પાટા પરથી ૧૦૦ મીટરનો પૂલ તો પૂર્વ બાજુએ ૨૨૦ મીટર અને પશ્ર્ચિમ બાજુએ ૩૧૦ મીટરનો અપ્રોચ રોડ બાંધવામાં આવવાનો છે. રેલવે પાટા પર રહેલા પુલની પહોળાઈ ૨૪.૩૦ મીટર રહેશે, જેમાં બંને બાજુએ એક-એક એમ બે મીટરની ફૂટપાથ હશે. તો અપ્રોચ રોડ એ કુલ ૧૭.૫૦ મીટર પહોળો હશે.

પુલનું કામ કેમ લંબાયું?

આ પુલનો પ્લાન ૨૦૧૬માં તૈયાર કરવામાં આવ્યો હતો, તે મુજબ ૨૦૨૨ની સાલમાં પુલ તૈયાર થઈ જવાનો હતો. પરંતુ રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઈન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગનાઈઝેશને પુલની ડિઝાઈનમાં ફેરફાર સૂચવ્યા હતા. તેથી રેલવેની હદમાં આવતા પુલ માટેનો પ્લાન બદલવામાં આવ્યો હતો. એ સાથે જ પુલની પૂર્વ અને પશ્ર્ચિમ ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. તો વિદ્યાવિહાર સ્ટેશન પાસે રહેલી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનને પહોળી કરવાનું, રેલવેસ્ટેશનની બંનેની બાજુએ આવેલા ટિકિટ વિન્ડો રૂમનું સ્થળાંતર, પ્રોજેક્ટને આડે આવતા અતિક્રમણો હટાવવા જેવા અનેક વિઘ્નો આવ્યા હતા. તો રેલવે સાથે સમન્વય સાધીને મેગાબ્લોક લેવાનું કામ પણ પડકારજનક રહ્યું હતું.

પ્રોજેક્ટનો ખર્ચ ₹૧૭૮ કરોડ
આ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં પૂરું કરવાની પાલિકાની યોજના છે. પુલ માટે અંદાજિત ખર્ચ લગભગ ૧૭૮ કરોડ રૂપિયા છે, તેમાંથી રેલવે પાટા પરના મુખ્ય પુલનો જ ખર્ચ લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે, તો અપ્રોચ રોડ અને અન્ય કામ માટે ૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
આ પુલના બંને બાજુએ સર્વિસ રોડ પણ હશે. સર્વિસ રોડના કામના ભાગરૂપે પૂર્વ બાજુએ સોમૈયા નાળાનું પુન: બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તો વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસે રેલવે ટિકિટ વિન્ડો કાઉન્ટર, સ્ટેશન માસ્ટર ઓફિસ વગેરનું કામ પણ પૂરઝડપે કરવામાં આવી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…