કેરોલિના રીપર પ્રકરણ-૪૯
તોપચી અબ્દુલ્લા હમીદુલ્લા ‘ગુલાબ’ની કબર કંઇક અલગ હતી
પ્રફુલ શાહ
સદાનંદે તરત કબૂલી લીધું કે આકાશ-મોના પર નજર રાખવાનું કામ રાજીવ દુબેએ સોંપ્યું હતું
કિરણની ચાલમાં એક અનોખો વિશ્ર્વાસ હતો. હૃદયની અંદર ધરબાયેલી વેદનાને વિસારીને એ સ્મિત ફરકાવતી ‘મહાજન મસાલા’ની ઑફિસમાં પ્રવેશી. આ વિશ્ર્વાસનું કારણ હતું વહેલી સવારની ચા વખતે રાજાબાબુ મહાજન સાથે થયેલી વાતચીત. રાજાબાબુએ સ્પષ્ટપણે કહી દીધું કે કિરણ મહાજનને ન ગમે ન સમજાય એવું કંઇ મહાજન મસાલામાં ન થવું જોઇએ અને આ જોવાની સૌથી વધુ જવાબદારી ખુદ કિરણની રહેશે.
મોહનકાકુની ગોઠવણ મુજબ પાંચ જણા કિરણ મહાજનને મળવા ગયા. એક જણે વિનંતી કરી, કે “મને ઑનલાઇન સેલ વિભાગમાં જવામાં રસ છે તો તે માટે મંજૂરી આપો, પ્લીઝ.
કિરણે તરત મોહનકાકુ સામે જોયું. મોહનકાકુએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે ઑનલાઇન સેલ વિભાગ શરૂ કરવાનો કોઇ પ્રસ્તાવ મારા જાણમાં નથી.
કિરણે અરજકર્તાને જવાબ આપ્યો, “આપનો ઉત્સાહ અને નવું કરવાની ધગશ આવકાર્ય છે. આ દિશામાં કંપની કંઇક વિચારશે એટલે આપને ચોક્કસ તક મળશે.
પાંચેપાંચ રવાના થઇ ગયા. આ પાંચમાંથી ત્રણ રાજાબાબુના ખાસ હતા. તો બે જણા દિપકની છાવણીમાં હતાં. એક જણે વૉશરૂમમાં જઇને દિપકને ફોન કર્યો અને રજેરજ માહિતી આપી દીધી.
એ જ વખતે દિપક અને રોમા ઑફિસમાં પ્રવેશી રહ્યાં હતાં. દિપકથી કિરણનું પગલું સહન ન થયું. એ સીધો રોમાને લઇને કિરણની કેબિનમાં ધસી ગયો. કિરણ અને મોહનકાકુ કંઇક ચર્ચા કરી રહ્યાં હતાં.
દિપક થોડો દૂર ઊભો રહી ગયો. ઉકળાટ સાથે બોલ્યો “તમે ઑનલાઇન સેલના પ્રપોઝલને રિજેક્ટ કેવી રીતે કરી શકો?
“મારી પાસે ઑનલાઇન સેલ માટે કોઇ પ્રપોઝલ આવ્યું જ નથી. આવે તો રિજેકટ કેવી રીતે કરી શકું?
“શા માટે રિજેકટ કરવું જોઇએ. એ કંપનીના હિતમાં છે.
“મહાજન મસાલાનું હિત જોવાની જવાબદારી હાલ પૂરતી તો કંપનીના માલિક રાજાબાબુ મહાજને મને સોંપી છે. એટલે જે થશે, જયારે થશે ત્યારે મારી મંજૂરી સાથે થશે. મને સમજાશે, ગળે ઉતરશે અને ગમશે એ જ થશે, દિપકભાઇ.
૦૦૦
મુરુડના નાનકડા ગામ ભોઇધરની બહારના જૂના અને અવાવરુ કબ્રસ્તાનમાંથી ઉદાસ ચહેરે બાદશાહ બહાર નીકળ્યો. એ ઉતાવળે પગલે ચાલવા માંડયો. એની ચાલમાં ગતિ સાથે નિર્ણાયક મક્કમતા હતી.
બાદશાહના રવાના થઇ ગયા બાદ એને દૂરથી જોઇ રહેલો શખસ ઝાડ પાછળથી નીકળ્યો. તેણે આસપાસ જોઇને મોબાઇલ નંબર ડાયલ કર્યો.
“જય હિન્દ સર, પ્રોડયુસર મનમોહન. પછી તેણે ભોઇધરના કબ્રસ્તાન અને એમાં બાદશાહે કરેલી પ્રવૃત્તિની વિગતો એટીએસના પરમવીર બત્રાને આપી. સામેથી બત્રા જે બોલતા રહ્યાં એને ‘પ્રોડયુસર મનમોહન’ સાંભળતો રહ્યો અંતે તે એટલું જ બોલ્યો, ‘ઓ કે સર, જયહિન્દ’.
મોબાઇલ ફોન ગજવામાં મૂકીને એ કબ્રસ્તાન તરફ ચાલવા માંડયો. આસપાસ જોઇને તે અંદર ગયો. બાદશાહ જે કબર પાસે ઊભો રહ્યો હતો. અગરબત્તી કરી હતી અને રડયો હતો. એ કબર શોધવામાં તેને જરાયવાર ન લાગી. આસપાસની અનેક તૂટેલીફૂટેલી કબર વચ્ચે એ કબર એકદમ અલગ તરી આવતી હતી. હા, તોપચી હમીદ અબ્દુલ્લા ગુલાબની કબર કંઇક અલગ “પ્રોડયુસર મનમોહન મોબાઇલ ફોનમાં કબરના ફોટા પાડવા માંડયો. ખાસ તો એના પર લખેલી તખતીના ઘણાં ફોટા પાડયા. પછી ગજવા ફંફોળ્યા. નિરાશ થઇને આસપાસ જોયું પછી નજીક જોયું તો એના ચહેરા પર સ્મિત આવી ગયું. ત્યાં બાદશાહે જ ફેંકેલી પ્લાસ્ટિકની બેગ પડી હતી.
૦૦૦
જુહુ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં ઇનચાર્જ રામરાવ અંધારેને હાથ ચલાવવાની નોબત ન આવી. પ્રાઇવેટ ડિટેક્ટિવ હોવાથી સદાનંદ બરાબર જાણતો હતો કે જીભ ખોલાવવા માટે પોલીસ શું-શું કરે છે. તેણે તરત જ કબૂલી લીધું કે આકાશ મહાજન અને મોના પર નજર રાખવાનું કામ મને એના પાર્ટનર રાજીવ દુબેએ સોંપ્યું હતું.
અંધારે વિચારમાં પડી ગયા. આ રાજીવે પોતાના ભાઇ નીરજને આકાશ પાછળ છેક મુરુડ મોકલ્યો છે. મુરુડની જે હોટેલમાં બ્લાસ્ટ્સ થયો એમાં એનો ભાઇ નીરજ માર્યો ગયો. શું આકાશને મોતને ઘાટ ઉતરાવવા રાજીવે બ્લાસ્ટ્સનું કાવતરું રચાવ્યું હશે? હોઇ શકે કે કોઇ ભૂલને લીધે એનો ભાઇ નીરજ માર્યો ગયો હોય.
અંધારેએ તરત જ એક ઓળખીતા ચેનલ રિપોર્ટરને પોતાના પર્સનલ નંબર પરથી ફોન કર્યો. ક્યાંય સુધી એ સમજાવતો રહ્યો. છેલ્લે ભારપૂર્વક ઉમેર્યું, “એક વાત પર ભાર મૂકવો કે વાંરવારના પ્રયાસ છતાં જુહુ પોલીસ સ્ટેશન તરફથી આ ઘટનાને સમર્થન કે રદિયો મળ્યો નથી. જુહુ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ રામરાવ અંધારે અમારો ફોન ઉપાડતા નથી.બરાબર.?
દેશની નંબર વન ચેનલ ‘ખબરે પલ પલ પર ‘બ્રેકિંગ ન્યૂઝ’ શરૂ થઇ ગયા. સમાચારનું શિર્ષક હતું ‘હિન્દુસ્તાન ફિર આતંકવાદ કે નિશાને પર.’
એન્કરે શરૂ કર્યું “મહારાષ્ટ્રના રમણીય, શાંત અને ઐતિહાસિક મુરુડમાં થયેલા બૉમ્બધડાકા માત્ર નેટ પ્રેક્ટિસ હતી. હા, ભારતમાં ઠેર-ઠેર આતંકવાદી બ્લાસ્ટ્સ કરવાની ચેતવણી રૂપ આ ટિઝર માત્ર હતું. મુરુડ બૉમ્બબ્લાસ્ટ્સ જવાબદારી લેનારા જૂથે પરદેશની ભૂમિ પરથી મોકલેલા વીડિયોમાં આ બધું સ્પષ્ટ થઇ જાય છે.
પછી સ્ક્રીન પર અલગ વીડિયો શરૂ થયો. હાથમાં મશીનગન અને સંતાડાયેલા મોઢા સાથેનો એક માણસ અરબી મિશ્રિત ઉર્દૂમાં રોષભેર કંઇક બોલતો દેખાયો જેના સબ-ટાઇટલ નીચે હિન્દી આવ્યા.”હિન્દુસ્તાનના આકાઓ યાદ રાખે કે તમારી સામેની લડાઇ નથી બંધ થઇ કે નથી શાંત પડી. મુરુડમાં જે કર્યું એના પર અમને ગર્વ છે. એમાં માર્યા ગયેલા અમારા સાથીઓની શહાદતને અમે સલામ કરીએ છીએ. આ સાથે હિન્દુસ્તાનને ચેતવણી આપીએ છીએ કે વધુ ધમાકા માટે તૈયાર રહો. તમારામાં તાકાત હોય તો અમને રોકી લો…
આ ‘બ્રેકિંગ ન્યૂઝ’ પૂરા થયા બાદ ‘ખબરે પલ પલ’ના માલિક રજત મીરચંદાનીને સંસદસભ્ય રાજકિશોરનો ફોન આવ્યો, “વેલ ડન. થેન્ક યુ. આપ કે આદમી કો મેરા આદમી મિલ લેગા.
૦૦૦
મુરુડ પોલીસ સ્ટેશનમાં ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે લેપટોપમાં જોઇ રહ્યાં હતા. સામે સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સ્વામી બેઠી હતી, જેની સામે નોટપેડ અને બૉલપેન હતા.
“સબ ઇન્સ્પેક્ટર વૃંદા સ્વામી. આગામી થોડા દિવસો આપણા માટે વધુ દોડધામના હોઇ શકે. આ દિવસો શાંતિથી પસાર થાય એટલે જે પગલાં ભરવાના છે એની નોંધ ટપકાવી લો. એક, બધાની, ખરેખર, એક-એક પોલીસ કર્મચારીની રજા રદ. કોઇએ આગળ મંજૂરી કરાવી હોય તો એ રજા પણ કેન્સલ. બે, મુરુડના મહત્ત્વના અને સંવેદનસ્થળોની યાદી બનાવો. ત્રણ ખબરીઓના નેટવર્કને એકદમ સક્રિય કરી દો, નાનામાં નાની શંકાસ્પદ વાત આપણને તરત પહોંચાડે એવી તાકીદ કરી દો. ચાર, દરેક મહત્ત્વના સ્થળ અને આસપાસના સીસીટીવી બરાબર ચાલે છે એનું ચેકિંગ કરાવો. જયાં ન ચાલતા હોય ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ કરાવો. પાંચ એક-એક તોફાની તત્ત્વો પર નજર રખાવો અને જરૂર પડે તો કસ્ટડી ભેગા કરી દો. ઇઝ ધેટ કલીઅર?
“યસ સર. એક સવાલ પૂછી શકું?
“બોલો.
“સર, હમણાં કોઇ તહેવાર નથી, તો આ સાવધાની શા માટે?
“મુરુડ હોટેલમાં બ્લાસ્ટ્સ અને અપ્પાના મર્ડર નાનકડા અલીબાગ માટે બહુ મોટી અને પહેલવહેલી ઘટના છે. કાલે જ એક ટીવી ચેનલમાં કોઇ આતંકવાદી જૂથે મુરુડ બ્લાસ્ટ્સની જવાબદારી સ્વીકારીને દેશભરમાં વધુ હુમલા કરવાની ચેતવણી આપી છે. અધૂરામાં પૂરું પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર મુરુડ ઝંઝિરા ફોર્ટના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહી છે.
એટલે આપણે….
કેબિનના દરવાજા પર ટકોરો મારીને અચકાતી ચાલે પોલીસ પ્યુન અંદર આવ્યો “સર, એક બાઇ આવી છે એ આપણને મળવા માગે છે….
“કહી દે હું બહું કામમાં છુ: બહાર બીજા કોઇની પાસે બેસાડી દે.
“એને આપને જ મળવું છે કહે છે કે પ્રસાદ રાવ વિશે ઘણું જાણે છે.
પ્રસાદ રાવનું નામ આવતા જ પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીની નજર એકમેક પર પડી પ્રશાંતે લેપટોપ બંધ કરીને સૂચના આપી. ઠીક છે. બે મિનિટ પછી મોકલ એને અંદર.
એના ગયા પછી પ્રશાંતે સામે જોયું. “જુઓ વૃંદા એક દોસ્ત, સાચા દોસ્ત, તરીકે કહું છું કે પ્રસાદ નિર્દોષ હોય. અને તમને એ પાછો મળે એવું દિલથી ઇચ્છું છું. હું અને પરમવીર બત્રા સર પણ. અમને બન્નેને તમારા પર લાગણી છે, પરંતુ તમારી ખુશીને સર્વોપરી પ્રાથમિકતા છે. એ યાદ રાખજો. અને સાચા પોલીસવાળા તરીકે હું અને તમેય નહીં ઇચ્છો કે નિર્દોષને સજા થાય કે ગુનેગાર બચી જાય. બસ આટલું કહેવું હતું. તમે ઇચ્છો તો અહીં બેસી શકો છો અથવા બહાર જઇ શકો છો.
વૃંદા કંઇ ન બોલી. ન બોલી શકી. એ પ્રશાંત ગોડબોલે સામે જોતી રહી, એને સામે બેઠેલો આ માણસ સમજાતો નહોતો.
ત્યાં જ ફરી બારણા પર ટકોરા પડયા. પોલીસ પ્યુન સાથે અકે અત્યંત ખૂબસુરત યુવતી અંદર આવી. એના રંગરૂપ, શરીર, સૌષ્ઠવ અને ફેશન ભલભલા પુરુષોની ઊંઘ ઉડાડી છે. આ જવાલા નામની બલા ઘણાંના જીવનમાં ધડાકાભડાકા કરાવવાની હતી.
(ક્રમશ)