ધર્મતેજ
ઉત્સવની સમ્રાજ્ઞી-દિવાળી ભલે પધાર્યા નૂતન વર્ષ
અમાસની રાત્રે ગાઢ અંધકાર હોય ત્યારે નાનકડું કોડિયું પણ તેજસ્વી લાગે.
પર્વોત્સવ -અનવર વલિયાણી
વર્ષે વર્ષે દિવાળી આવવા છતાં માણસને કંટાળો કેમ આવતો નથી, એ વિચારવા જેવી વાત છે.
- જો કે મહત્ત્વનો ફરક એ છે કે દિવાળી બાર મહિના પછી પાછી ફરે છે એટલે એકવિધતા (મૉનોટોની)નો પ્રશ્ર્ન રહેતો નથી. ઉપરાંત
- ઉજવણીમાં થતા ફેરફારો પણ માણસનો ઉત્સાહ અકબંધ રાખે છે.
- દિવાળી કહો કે દીપાવલી કહો એમાં દીપક એટલે દીવા શબ્દ આવી જાય છે.
- આખો આસો મહિનો દીવાનો મહિમા રજૂ કરે છે.
- આસો સુદ એકમ એટલે નવરાત્રિનો પ્રારંભ.
- દાંડિયારાસને ગીતસંગીત ઉપરાંત નાનીનાની બાળાઓ માટીના કાણાવાળા ગરબામાં કોડિયાનો દીવો મૂકે છે.
- નોરતાંનાં દસેદસ દિવસ-રાત એ ગરબામાં દીવો પ્રગટેલો રહે છે.
- ગરબો એટલે માતાની કૂખ (ગર્ભાશય) અને
- દીવો એટલે માતાની કૂખમાં વિકાસ પામતો જીવ.
- બીજી રીતે કહીએ તો ગરબામાં રહેલું ટમટમતું કોડિયું એ ઉજાસનું પ્રતિક છે.
- એ ઉજાસ સમજણનો હોઈ શકે,
- સામાજિક જાગૃતિનો હોઈ શકે,
- એ ઉજાસ જ્ઞાનનું પ્રતિક હોઈ શકે.
જ્ઞાન-વિજ્ઞાન - દિવાળીની રાત એટલે અમાસની અંધારી રાત
- આખા મહિનામાં સૌથી વધુ અંધકાર અમાસની રાત્રે હોય અને ગાઢ અંધકાર હોય ત્યારે નાનકડું કોડિયું પણ તેજસ્વી લાગે.
- એમાં આ અમાસ તો વર્ષની છેલ્લી અમાસ
- એના પછીના તરતના દિવસે હિસાબના ચોપડામાં નવી મિતિ પડે.
- નવું વર્ષ શરૂ થાય.
- નવા વર્ષના વધામણારૂપેય આગલી રાત્રે દીવા થતા હશેને!
- એ દીવાની રોશની જાણે કહેતી હોય,
- ભલે પધાર્યા નૂતન વર્ષ!
બોધ: - શક્ય છે, તમે લક્ષ્મીના લાડકવાયા છો.
- તમારે ત્યાં કશાની કમી નથી, – પરંતુ
- તમારા પાડોશી,
- મિત્ર,
- સગાંસંબંધી, સ્નેહી-સુજનને ત્યાં નજર કરી જુઓ. – શક્ય છે,
- સ્વમાન અને
- લોકલાજના માર્યા
- એ લોકો તમને કંઈ કહેતા શરમાતા હોય!
- તેમનો શરમસંકોચ દૂર કરવાનું તમારા હાથમાં છે.
- કદી કોઈને વણમાગ્યું આપી જુઓ.
- પછી એના ચહેરા પર પ્રગટતી ખુશાલી જુઓ.
- શરદપૂનમના ચાંદ કરતાંય એ ખુશાલીભર્યો ચહેરો વધુ નુરાની-પ્રકાશમાન આભા ઉપસાવતો લાગશે.
ધર્મસંદેશ
ભગવદ્ ગીતા, બાઈબલ, કુરાન, અવેસ્તા, ગ્રંથસાહેબ…! - દરેક ધર્મગ્રંથમાં લખ્યું છે:
- ઉજવણી કરતી વખતે હું મારા આડોશપાડોશના લોકોમાં મારી ખુશી વહેંચું.
- અભિમાનથી ઊંચા મસ્તકે નહીં.
- પવિત્ર પર્વ મનાવવામાં ભાઈભાંડુ સામેલ કર્યાના નમ્ર ચહેરે.
સત્યકામ - આ દિવાળીએ હાજરમંદોને યાદ રાખશો તો
- તમારો આનંદ અનેકગણો વધી જશે.
- એકવાર પ્રયત્ન તો કરી જુઓ. પછી
- દિવાળી અને સાલમુબારકનો મર્મ સમજાઈ જશે.
સૌને સાલમુબારક.