તહેવારોની શૃંખલા : માતૃશક્તિના સ્વરૂપો લક્ષ્મી- કાલી- શારદાનું પૂજન
દિપોત્સવ – હેમુ-ભીખુ
દિવાળીના તહેવારોનું આગવું મહત્ત્વ છે. આ તહેવાર સમૂહમાં દરેક તહેવારની એક અગત્યતા છે. વળી આ દરેક તહેવાર એક ક્રમમાં આવે છે, આ ક્રમ પાછળ પણ કોઈક ગુઢ રહસ્ય છે. તાર્કિક-સામાજિક બાબતો ઉપરાંત આ પરંપરા પાછળ એક આધ્યાત્મિક સંદેશ રહેલો હોય તેમ જણાય છે. હિન્દુ વર્ષના અંતમાં આવતા ત્રણ તહેવારો આ બાબતે ખાસ ધ્યાન ખેંચે છે. પહેલા આવતી ધનતેરસ એ મા લક્ષ્મીની ભક્તિનો ઉત્સવ છે, જ્યારે કાળી ચૌદસ દિવસે મા કાલીની ઉપાસના કરવાનો દિવસ છે. દિવાળીના દિવસે જ્ઞાનની દેવી મા શારદાને જ્ઞાનના પ્રતીક સમાન પ્રકાશથી ભજવામાં આવે છે.
સનાતનની સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને સમાજનો આધાર ગણવામાં આવે છે. ગૃહસ્થાશ્રમ થકી જ બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમની સ્થિતિ જળવાઈ રહે છે. ગૃહસ્થમાં સ્થિત પતિ-પત્ની બાળકોના અભ્યાસને ટેકો આપે છે, વડીલોની જરૂરિયાતો સાચવે છે અને સાથે સાથે મુમુક્ષુઓના – સંન્યાસ લઇ વિચરણ કરનારાઓના ભિક્ષાપાત્રને પણ ભરી દે છે. ગૃહસ્થાશ્રમ જ્યાં સુધી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે ત્યાં સુધી જ અન્ય આશ્રમ પોતાના ધર્મમાં સંમેલિત થઈ શકે.
ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્ની પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા અર્થોપાર્જન કરે તે સ્વાભાવિક છે. ધન થકી બાળકોના અભ્યાસ માટે જરૂરી સવલતો ઊભી થઈ શકે. ધનના સદ ઉપયોગ તરીકે ગુરુકુલની જરૂરિયાતોને પૂરી કરી શકાય. સંચિત કરાયેલા ધનને કારણે વડીલો તેમના આગળના માર્ગે જઈ શકે તેવી સંભાવના ઊભી થાય. ધન થકી જ સંન્યાસ ધર્મ નિભાવતા સંત-મહાત્માઓની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી થઈ શકે. ગૃહસ્થાશ્રમ માટે ધન જરૂરી છે. મા લક્ષ્મીની કૃપા થકી ધનની પ્રાપ્તિ થતી હોવાથી તહેવારોની શૃંખલામાં ધનતેરસ આગળ આવે છે. એમ કહી શકાય કે આ તહેવારને કારણે સનાતની સંસ્કૃતિની આશ્રમ વ્યવસ્થા દ્રઢ બની શકવાની સંભાવના રહેલી છે.
ધન એ સુખ-સાહેબીની સાબિતી છે. વ્યક્તિ માત્ર સુખમાં રચ્યોપચ્યો ન થઈ જાય તે માટે જીવનમાં ક્યાંક અંધકારની પણ જરૂર છે. જીવનમાં તકલીફો અને નિષ્ફળતા પણ જરૂરી છે. આ તો સામાન્ય વાત થઈ. સાથે સાથે માતૃ-ભક્તિમાં દ્રઢ ઈચ્છા શક્તિ, ચૂક વગર યમ-નિયમનું પાલન, વિચલિત કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ ન ડગે તેવી શ્રદ્ધા અને મા જગદંબાના પ્રત્યેક ઐશ્ર્વરીય સ્વરૂપો સાથે સહજતા જરૂરી છે. આ પ્રકારની સંભાવના કાળી ચૌદસના દિવસે ઉદભવી શકે અને વિકસી શકે. અહીં દ્રઢતા અને વિશ્ર્વાસની જાણે પુન: સ્થાપના થાય છે. ધન પ્રાપ્ત કર્યા પછી કાળી ચૌદસ એ જાણે કસોટીનો દિવસ છે. આવી કસોટીથી જાતને અલગ રાખી શકાય, પણ તેમાં જીવનનું એક અગત્યનું પાસું જાણે નજરઅંદાજ થઈ જાય તેમ લાગે છે.
કાળી ચૌદસની ઉપાસના ઘોર હોવા સાથે જટિલ અને ભેદી છે. અહીં ધન કામમાં નથી આવતું, અહીં જગતજનનીના વિકરાળ સ્વરૂપ પ્રત્યે પણ રહેલી અપાર ભક્તિ કામ કરી જાય છે. અહીં સુંદરતા નથી, સત્ય છે. અહીં સૌમ્યતા નથી, ભયાનકતા છે. અહીં સ્વાભાવિક નથી, આકસ્મિક છે. અહીં દેખીતું શુભ નથી પણ શુભતાનું કારણ છે. ધન પ્રાપ્તિ પછીની આ એવી સ્થિતિ છે જેમાં અંત:કરણમાં શ્રદ્ધાની દ્રઢતા અકલ્પનીય માત્રામાં વધી જાય. તહેવારોની શૃંખલાનો આ મહત્વનો તબક્કો છે. આ તબક્કો પસાર કર્યા પછી, જાણે, જ્ઞાનનો પ્રકાશ ચારે તરફ ફેલાતો જાય.
જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ છે અને તેની દેવી મા શારદા છે. વિચલિત કરી દે તેવી સ્થિતિમાં પણ શ્રદ્ધા જાળવી રાખ્યા પછી જ જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. હવે બધું પ્રગટ થતું જાય છે – બધું સ્પષ્ટ થતું જાય છે. આ વર્ષના અંતનો દિવાળીનો દિવસે છે. જીવનચક્રમાં, આમ પણ અંતે તો જીવન-કર્મ-પરિણામના પરસ્પરના સંબંધની પ્રતીતિ થઈ જવી જોઈએ. દિવાળી પછી નવું વર્ષ અને આ નવા વર્ષમાં જાણે નવું ક્રમિત જીવન. હવે આગળ વધવાનું છે – નવા વર્ષમાં પણ અને જિંદગીના નવા તબક્કામાં પણ. દિવાળીના દિવસે પ્રગટેલ પ્રકાશ – જ્ઞાન થકી અનિત્ય બાબતો પ્રત્યેનો મોહ ઓછો કરવાનો છે અને નિત્ય બાબતો સાથે ચિત્તને જોડવાનું છે. દિવાળીના દિવસે પ્રગટાવાતા દીવડાઓને જોઈને જ્ઞાનના ઊંડાણ માટે પ્રેરણા થવી જરૂરી છે. એમ લાગે છે કે દિવાળીના દિવસ થકી જ્ઞાનના પ્રસારનું મહત્ત્વ સમજાવાયું છે. પ્રકાશને જો ધર્મના સ્વરૂપ તરીકે લઈએ તો, જીવનમાંથી અધર્મને દૂર કરવાની વાત અહીં થતી હોય તેમ લાગશે.
ધનથી ઉત્તરદાયક નિભાવ્યા પછી, વિચલિત કરી દેનારી પરિસ્થિતિમાં શ્રદ્ધાથી સ્થિરતા જાળવ્યા પછી જે તબક્કો આવે છે તેમાં જ્ઞાન થકી જાણે સૃષ્ટિના કેટલાય સમીકરણોની સમજ પડતી જાય છે. ધન એ કામ તથા અર્થ કક્ષાના પુરુષાર્થમાં આવે. તેના ઉપયોગથી જે ઉત્તરદાયિત્વનો નિભાવ થાય તે ધર્મ કક્ષાના પુરુષાર્થમાં આવે. જ્યારે જ્ઞાનથી પ્રગટતી મુમુક્ષતા મોક્ષ માટેનો પુરુષાર્થ છે. દિવાળીના આ તહેવારોમાં જાણે, ધર્મ-અર્થ-કામ-મોક્ષ, એ ચારેય પુરુષાર્થ વણાઈ જાય છે. વર્ષોથી એમ પણ ચર્ચાતું આવ્યું છે કે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીથી રજસ, તમસ અને સત્ત્વ ગુણોની પણ વાત કરાઈ છે. આ ત્રણ તહેવારો સર્જન, પાલન અને પ્રલયના પ્રતિક સમાન પણ કહેવાય. કર્મ, સાધના અને જ્ઞાન જેવા આધ્યાત્મિકતાના ત્રણ માર્ગના પ્રતીક સમાન આ તહેવાર શૃંખલા છે એમ પણ સમજી શકાય. ભૌતિક વિશ્ર્વના કેન્દ્રમાં વિવિધ પ્રકારના ધનને રાખી શકાય, સૂક્ષ્મ વિશ્ર્વના કેન્દ્રમાં અંત:કરણના ભાવ રહે જ્યારે કારણ વિશ્ર્વ માટે પૂર્ણ જ્ઞાન આધાર છે એમ કહેવાય. આ રીતે જોતાં આ તહેવાર શૃંખલાને સમજવા માટે નવા પરિમાણ સ્થાપિત થાય.
વ્યક્તિના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે, પણ સંદેશો એક છે. તહેવાર માત્ર ઉજવણી માટે નથી – સૂક્ષ્મતાથી તેને સમજી આધ્યાત્મિકતાના માર્ગે આગળ જવા માટે છે. ભારત ઉજવણીનો દેશ નથી, આધ્યાત્મિક ચિંતન અને તેના અનુસરણની આ ભૂમિ છે. તહેવારોને ચોક્કસ ઉજવવાના પણ સાથે સાથે આ તહેવારો થકી, જીવનમાં એક ફરી આવેલ તક સમજી આધ્યાત્મના તત્ત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરવાનો.