ધર્મતેજ

દીવાનોે પ્રકાશ જોઈને જીવન માટે નવો જ જુસ્સો પ્રગટે છેે

પ્રકાશ પર્વ -હેમંત વાળા

દિવાળીના તહેવારોમાં દીવાના મહત્વ વિશે ઘણું કહેવાય ગયું છે. કદાચ કશું જ કહેવાનું બાકી નથી એમ લાગે છે. દિવાળી એક પ્રકાશનું પર્વ છે અને પરંપરાગત રીતે દીવાઓ મારફતે પ્રકાશના પર્વની ઉજવણી સ્વાભાવિક છે.

પ્રતીકાત્મક રીતે ઊંડાણથી જોતા એમ લાગે છે કે, પ્રકાશ એ ચેતના છે, સત્ય છે, આશા છે, જીવનની સાબિતી છે. વળી પ્રકાશ સૃષ્ટિના સંચાલક બળને પણ પ્રસ્તુત કરે છે.

પ્રકાશ આત્મા છે – પરમાત્મા છે. એક સિદ્ધાંત પ્રમાણે પ્રકાશમાંથી જ બધું ઉદ્ભવ્યું છે અને અંતે એમાં જ લઈ પામશે. પ્રકાશ છે તો જ જીવન છે. પ્રકાશ જ્ઞાનરૂપે પ્રગટ થાય છે. ભક્તિ દ્વારા પણ ક્યાંક તે પ્રકાશને પામવાનો જ પ્રયત્ન થાય છે. યોગિક ક્રિયામાં અંતે આ પ્રકાશ જ પમાય છે. સત્સંગ દ્વારા પણ પ્રકાશનો જ વિસ્તાર વધારવાનો પ્રયત્ન થાય છે. મૃત્યુ બાદની શુભ ગતિ પણ પ્રકાશ તરફની ગતિ છે. ભગવાનનું અસ્તિત્વ કરોડો કરોડો સૂર્યના પ્રકાશ સમાન તેજસ્વી છે એમ કહેવાય છે. આધ્યાત્મના દરેક સ્વરૂપમાં પ્રકાશનું મહત્ત્વ એ કયા બીજા સ્વરૂપે જોવા મળે છે.
પ્રકાશ નિરાકાર છે – તેનો કોઈ આકાર નથી. પ્રકાશના પ્રસારની કોઈ સીમા નથી – ભલે તે ઇન્દ્રિયો વડે એક સમયે પરખાય નહીં તો પણ તેનું અસ્તિત્વ હોય છે. આ તો જોવાની ઇન્દ્રિયની મર્યાદાને કારણે આપણને તે પ્રકાશ ભાસતો નથી. સૈદ્ધાંતિક રીતે સૃષ્ટિમાં એવું એક પણ સ્થાન નથી જ્યાં પ્રકાશનો સંપૂર્ણ અભાવ હોય. એકવાર નીકળેલું પ્રકાશનું કિરણ ક્યારેય નાશ પામતું નથી, તે પરાવર્તિત થઈને અથવા સીધી રેખામાં પોતાનો પ્રવાસ ચાલુ જ રાખે છે. પ્રકાશ ક્યારે શૂન્ય નથી બનતો.

સીધી રેખામાં પ્રવાસ કરવો એ પ્રકાશનું એક મહત્ત્વનું પાસું છે. સપાટી પર અથડાઈને તે પરાવર્તિત થાય તો પણ તેની ગતિ સીધી રેખા પ્રમાણે જ હોય છે. તેની દિશામાં ક્યારેય વિકૃતિ નથી આવતી. સત્યનિષ્ઠ વ્યક્તિના સિદ્ધાંત પ્રમાણે તે સુરેખ ગતિ કરે છે. આત્માના સ્વરૂપ પ્રમાણે તે કશાથી વિચલિત થતું નથી. સાથે સાથે પ્રકાશ નિર્મળ છે. કોઈપણ પ્રકારની મલીનતા પ્રકાશને લાગુ પડતી નથી. તે નિર્લેપ છે. પ્રકાશને ક્યારેય સાફ કરવાની જરૂર નથી પડતી. પ્રકૃતિનું કોઈપણ તત્વ પ્રકાશની હયાતીમાં કોઈપણ પ્રકારનો ખલેલ પહોંચાડી શકતું નથી. તે નિરાકાર છે, પૂર્ણ સ્વચ્છ છે, નિર્વિકાર છે
અને તટસ્થ છે. સાથે સાથે એ પણ મજાની વાત છે કે પ્રકાશ હંમેશા ગતિમાં હોય છે. તે ક્યારેય સ્થિર નથી હોતો. તે તટસ્થ હોય છે એનો અર્થ એ નહીં કે તે સ્થિરતાને પામે છે. તટસ્થતાનો અર્થ માત્ર એટલો કે તે કોઈની પણ સાથેના વ્યવહારમાં – કોઈ પણ પદાર્થ સાથેના વ્યવહારમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કરતો.

એક રીતે જોતાં કોઈ એમ કહી શકે કે પ્રકાશનું અસ્તિત્વ ત્યાં જ હોય છે કે જ્યાં અવકાશ હોય – અર્થાત્ બે પદાર્થોની વચમાં પ્રકાશનું અસ્તિત્વ શક્ય બને છે, કારણ કે પ્રકાશની ગતિ માટે આ અવકાશ જરૂરી છે. આવી સમજ સાથે કોઈ એમ પણ કહી શકે કે પ્રકાશનું અસ્તિત્વ સર્વત્ર નથી કારણ કે ઘન પદાર્થમાં પ્રકાશ નથી. પણ આ વાત અધૂરાશ ભરેલી છે. હવે તો વિજ્ઞાનથી પણ એ સાબિત થઈ ચૂક્યું છે કે પદાર્થના અણુમાં ઊર્જા છે અર્થાત્ પદાર્થની અંદર એક પ્રકારનો પ્રકાશ છે. સૃષ્ટિનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં પ્રકાશની હયાતી ન હોય.

પ્રકાશ એ સૃષ્ટિની રચનામાં આકાર લેતી એક રોમાંચિત ઘટના છે. પ્રકાશ માટે ભૌતિક પદાર્થો જોઈએ, અને આ પદાર્થોની ભૌતિકતાના પ્રકારને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય છે. દીવાની રૂની બનેલી વાટમાં એવું કશું જ નથી હોતું કે જે પ્રકાશ આપે. તેવી જ રીતે તેલમાં પણ એવું કંઈ નથી હોતું કે જેનાથી પ્રકાશ ઉદ્ભવે. પણ આ રૂ અને આ તેલનો ચોક્કસ રીતે સમન્વય થાય અને ચિનગારીનો જો સાથ મળે તો રૂ અને તેલમાંથી જ પ્રકાશ ઉત્પન્ન થાય. અહીં રૂ અને તેલ કરતાં ચિનગારીનો સંપર્ક વધુ અગત્યનો છે. અહીં એમ જોવા મળે છે કે પ્રકાશના કોઈ એક સ્વરૂપની હાજરીમાં જ પ્રકાશનું અન્ય સ્વરૂપ અસ્તિત્વમાં આવે. જો ચિનગારી ના હોય તો દીવો ક્યારેય ન પ્રગટે.

આમ પ્રકાશનું મૂળ પ્રકાશ છે. પ્રકાશની હાજરી પ્રકાશને કારણે છે. પ્રકાશ જ પ્રકાશના અસ્તિત્વનું નિમિત બને છે. દીવાની જ્યોત ક્ષીણ થતા પ્રકાશ પણ ક્ષીણ થતો જણાય છે. દીવાની જ્યોત સંપૂર્ણ સળગી જાય અને અસ્તિત્વ હીન થાય ત્યારે એમ લાગે કે પ્રકાશ પણ અસ્તિત્વ હીન થઈ ગયો. પણ આમ નથી હોતું. દીવાની જ્યોતમાંથી નીકળેલો તે પ્રકાશ તો અનંતની સફરે નીકળી ગયો હોય છે. એમ પણ બની શકે કે પ્રવાસ કરતા કરતા તે મૂળ જગ્યાએ પાછો પણ આવે, પણ તે વખતે તેની માત્રા એટલી ઓછી હોય કે તે પામી ન શકાય. ભૌતિક તત્વોના પ્રકાશ સાથેના સંધાનને કારણે પ્રકાશનો નવો સ્તોત્ર ઉત્પન્ન થાય.

પ્રકાશની અનુભૂતિ માટે પણ આવા ભૌતિક માધ્યમની જરૂર છે. પ્રકાશની પ્રશંસા પણ ભૌતિક માધ્યમ સાથેની સરખામણીથી થાય છે. પ્રકાશના અસ્તિત્વ માટે પણ કોઈક ભૌતિક માધ્યમ જરૂરી છે. આ વાત શિવ અને પ્રકૃતિના સમીકરણ જેવી છે. શિવની સમજ માટે – શિવની અનુભૂતિ માટે – શિવને પામવા માટે પ્રકૃતિના જે તે સ્વરૂપ જરૂરી છે. આવા પ્રકાશને યોગ્ય સ્વરૂપે પામવા ગુરુ કૃપા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી.

પ્રકાશ ઉત્સવ સાથે આધ્યાત્મિકતાને જોડી દે છે. દિવાળીમાં સર્વત્ર દીવડાઓ પ્રકાશમય થતા હોવાથી આવી આધ્યાત્મિકતાની અનુભૂતિની માત્રા ઘણી વિશાળ થઈ જાય છે. આ દીવાનો પ્રકાશ જોઈ જીવન માટે નવો જ જુસ્સો પ્રગટે છે. હારબંધ મુકાયેલા દીવાની ટમટમતી જ્યોત આત્માએ કરેલા નૃત્ય સમાન લાગે છે. ઘણા બધા દીવાઓ વડે અસ્તિત્વમાં આવેલ પ્રકાશ તો એકાકાર થઈ જાય છે. દીવાની ભિન્નતા પ્રકાશમાં આવતી નથી. પ્રકાશ જાણે સમગ્રતામાં ફરી વળી એક પ્રકારનું ઉલ્લાસ સ્થાપવા પ્રયત્ન કરે છે અને સ્થૂળ દીવો ત્યાંને ત્યાં પડ્યો રહે તો પણ પ્રકાશ તો કોઈ પણ પ્રકારના સ્થાન-બંધન વગર માત્રને માત્ર પ્રસરે છે અને ઉત્સવીયતા ને વધુ આહલાદક બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button