આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યમાં ગ્રામપંચાયત ચૂંટણી, શાંતિપૂર્વક મતદાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યની 2,359 ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન રવિવાર કરાવવામાં આવ્યું હતું. આરોપ-પ્રત્યારોપના કેટલાક છૂટક બનાવોને બાદ કરતાં રાજ્યમાં મતદાન શાંતિપૂર્વક પાર પડ્યું હતું, જેમાં અંદાજે 74 ટકા મતદાન થયું હતું.

એનસીપીમાં ભંગાણ પછીની આ પહેલી જ ચૂંટણી હોવાથી આ ચૂંટણી પર બધાનું ધ્યાન છે. અધુરામાં પુરું પવાર પરિવારના ગામ કાટેવાડીમાં પણ રવિવારે મતદાન કરવામાં આવ્યું હતું. અજિત પવાર જૂથની પેનલ અને ભાજપની પેનલ સામસામે સીધી લડત કરી રહી છે. આ મતદાનનું પરિણામ સોમવારે છ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

બારામતીના કાટેવાડીમાં અજિત પવાર જૂથની લડાઈ ભાજપની સાથે થઈ રહી છે. બંને જૂથ દ્વારા એકબીજા પર આરોપો કરવામાં આવ્યા હતા. તેમાં ભાજપે અજિત પવાર જૂથ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ અજિત પવારે આ આરોપ નકારી કાઢ્યો હતો. ગામના વિકાસના મુદ્દે બંનેએ એકબીજાને નિશાન બનાવવાનું કામ કર્યું હતું.

વર્ધામાં મતદાન કેન્દ્રની બહાર ધક્કામુક્કી થઈ હોવાનું જોવા મળ્યું હતું વર્ધાના આષ્ટી તાલુકાના તળેગાંવ શ્યામજી પંચ ખાતે આ બનાવ નોંધાયો હતો. તળેગાંવ ખાતેના કાકડદરા ખાતેની જિલ્લા પરિષદની સ્કૂલ બહાર બે જૂથમાં ધક્કામુક્કી થઈ હતી અને તેની નોંધ પોલીસે લીધી હતી. મતદાન કેન્દ્રના 100 ફૂટ સુધી ઊભા ન રહેવાને મુદ્દે આ વિવાદ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ધુળે જિલ્લાના સિંદખેડા તાલુકામાં માંડળ ગામે બે જૂથમાં ધમાલ થઈ હતી. મતદારની ચિઠ્ઠી પર ઉમેદવારનું ચિહ્ન જોવા મળતાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેને કારણે બોલાચાલી થઈ હતી. પોલીસે હસ્તક્ષેપ કરીને બંને પક્ષને શાંત પાડ્યા હતા અને મતદાન શાંતીપુર્વક ચાલી રહ્યું હતું.

અહમદનગર જિલ્લામાં 178 ગ્રામ પંચાયતમાં મતદાન થઈ રહ્યું હતું. આ જિલ્લામાં રાધાકૃષ્ણ વિખે-પાટીલ, બાળાસાહેબ થોરાત, રામ શિંદે, રોહિત પવાર, નિલેશ લંકે, મોનિકા રાજળે જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

નાગપુર જિલ્લાની 357 ગ્રામ પંચાયત પર મતદાન કરવામાં આવ્યું હતું જ્યારે પાલઘર જિલ્લાના 100 ગામમાં મતદાન કરવામાં આવ્યું હતું. બુલઢાણામાં 48 ગ્રામ પંચાયત માટે ચૂંટણી થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button