ઓબામાએ કરી હમાસની નિંદા, ઇઝરાયલની પ્રવૃત્તિઓ પર પણ ઉઠાવ્યા સવાલ!
![Barack Obama delivering a speech"](/wp-content/uploads/2023/10/4063786-1898315529.webp)
ઇઝરાયલ-હમાસ વચ્ચની જંગને એક મહિનો થવા આવ્યો છે. ગત 7 ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ હજુપણ યથાવત છે. હવે આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘જો તમે સમાધાન ઇચ્છતા હોવ તો તમારે વાસ્તવિકતા સ્વીકારવી પડશે, અહીં કોઇ સંપૂર્ણપણે નિર્દોષ નથી.’
હમાસના હુમલા બાદ ઇઝરાયલે ઓપરેશન શરૂ કર્યું હતું અને તે હજુ પણ ચાલુ જ છે. અંદાજે 10 હજારથી વધુ લોકો અત્યાર સુધીમાં આ યુદ્ધમાં મોતને ભેટ્યા છે, ઇજાગ્રસ્તોનો આંક તેનાથી પણ વધુ છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. યુદ્ધમાં સમર્થન આપવાની બાબતમાં વિશ્વ વહેચાઇ ગયું છે. અમેરિકા સહિતના પશ્ચિમના અનેક દેશો ઇઝરાયલના સમર્થનમાં છે જ્યારે આરબ દેશો પેલેસ્ટાઇનને સાથ આપતા હમાસની કાર્યવાહી સામે પણ ચૂપ છે. આ જંગમાં હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇઝરાયલ-હમાસ જંગની આલોચના કરી છે, પરંતુ તેમણે એ પણ જણાવ્યું છે કે આ વર્ષોજૂના સંઘર્ષનું પરિણામ છે.
ઓબામાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસે જે કર્યું તે ભયાનક હતું અને તેને સમર્થન આપી ન શકાય, પરંતુ પેલેસ્ટાઇનના નાગરિકો સાથે જે થઇ રહ્યું છે તે પણ અસહ્ય છે, “યહુદીઓનો એક ઇતિહાસ રહ્યો છે જેને ફગાવી શકાય તેમ નથી અને એ પણ ન ભૂલવું જોઇએ કે આ યુદ્ધમાં એવા લોકો જીવ ગુમાવી રહ્યા છે જેને હમાસના હુમલા સાથે કોઇ લેવાદેવા નથી.” તેવું ઓબામાએ કહ્યું હતું.
“જો તમે આનું સમાધાન ઇચ્છો છો તો તમારે વાસ્તવિકતા પૂરેપૂરી સ્વીકારવી પડે, તમામ લોકો ક્યાંકને ક્યાંક દોષિત છે, યુદ્ધના મામલે સંતુલન બનાવવું જરૂરી છે.” તેમ ઓબામાએ જણાવ્યું.