નવી દિલ્હીઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની નારાજગીની અસર દેખાવા લાગી છે. બિહારના સીએમના નિવેદન બાદ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કવાયત શરૂ કરી દીધી છે. એવા સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સીએમ અને જેડીયુ નેતા નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી છે. બંને વચ્ચે I.N.D.I.A એલાયન્સની આગામી વ્યૂહરચના અંગે ચર્ચા થઈ હતી.
આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે નીતીશ કુમારે એક મંચ પરથી ખુલ્લેઆમ કોંગ્રેસ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નીતીશે I.N.D.I.A ગઠબંધનને નબળી પડવા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા હવે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગુરુવારે ગઠબંધનને લઈને સનસનીખેજ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજકાલ ગઠબંધનનું કોઈ કામ થઈ રહ્યું નથી. કોંગ્રેસ પાર્ટી આ તરફ ધ્યાન આપી રહી નથી. તેઓ પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત છે. JD(U) નેતાની આ ટિપ્પણી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની એક રેલીમાં આવી હતી, જેની થીમ હતી ‘ભાજપ હટાવો, દેશ બચાવો.’
ખડગેએ નીતીશને ફોન પર કહ્યું હતું કે, કોંગ્રેસ માટે I.N.D.I.A ગઠબંધન પણ મહત્વપૂર્ણ છે, પરંતુ હાલમાં કોંગ્રેસનું ધ્યાન પાંચ રાજ્યોની ચૂંટણી પર છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી પછી અમે ગઠબંધનની રણનીતિ અને સંયુક્ત રેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
નીતીશ કુમારના નિવેદન બાદ લાલુ અને તેજસ્વી પણ તેમને મળવા આવ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ શુક્રવારે સાંજે સીએમ આવાસ પર પહોંચ્યા હતા. અહીં લાલુ યાદવે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે લગભગ 40 મિનિટ સુધી મુલાકાત કરી હતી. સાંજે સાડા છ વાગ્યે લાલુ અને તેજસ્વી મુલાકાત બાદ પરત ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. બેઠકોની વહેંચણીને લઈને પણ વાતચીત થઈ હોવાના અહેવાલ છે.
રેલીમાં અગાઉ, સીપીઆઈના મહાસચિવ ડી રાજા જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં, નીતીશ કુમારે કહ્યું હતું કે વર્તમાન સરકારનો વિરોધ કરી રહેલા પક્ષો એક નવું ગઠબંધન બનાવવા માટે ભેગા થયા છે. પરંતુ, તાજેતરમાં તે મોરચે વધુ પ્રગતિ થઈ નથી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહી છે. અમે તમામ I.N.D.I.A ગઠબંધનમાં કોંગ્રેસને મુખ્ય ભૂમિકા સોંપવા સંમત થયા હતા, પરંતુ એવું લાગે છે કે તેઓ ચૂંટણી પૂર્ણ કર્યા પછી જ આગામી બેઠક બોલાવશે.
નોંધનીય છે કે નીતીશ કુમારે જ વિપક્ષી ગઠબંધનની પહેલ કરી હતી અને પહેલીવાર જૂનમાં પટણામાં વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નવા ગઠબંધન માટે વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું. નીતીશ કુમારના ગયા પછી ડી રાજાએ તેમની પહેલની પ્રશંસા કરી હતી. સીપીઆઈના જનરલ સેક્રેટરી નીતીશની ચિંતાઓ સાથે સહમત થયા હતા અને સીટની વહેંચણીમાં પડતી મુશ્કેલીઓ પર ખેદ વ્યક્ત કર્યો હતો. હકીકતમાં કોંગ્રેસ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડી રહી છે અને મુખ્ય વિરોધ પક્ષ છે, પરંતુ બેઠકોની વહેંચણી પર કોઈ વાતચીત ન થવાને કારણે, જેડી (યુ) અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી જેવા સહયોગીઓએ પણ તેમના ઉમેદવારો ઉભા કર્યા છે.
ડી રાજાએ કહ્યું હતું કે અમે કોંગ્રેસના અધ્યક્ષ સાથે વાત કરી છે. ભારતની સૌથી મોટી પાર્ટી હોવાને કારણે તેમને પોતાની જવાબદારીનો અહેસાસ કરવો જોઈએ અને નાના સાથીઓ પ્રત્યે વધુ ઉદારતા દાખવવી જોઈએ. જોકે, મહાગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી. સીપીઆઈ નેતાએ કહ્યું હતું કે, હાલમાં આ નાના મતભેદોએ અમારી રાજકીય વિચારસરણીને કલંકિત કરી નથી. અમારે સાથે મળીને ચૂંટણી લડવાની છે અને ભાજપને સત્તા પરથી હટાવવાની છે. અમારે એવી સરકાર બનાવવાની છે જે બિનસાંપ્રદાયિક અને લોકશાહી હોય. આવતા વર્ષે લોકસભાની ચૂંટણીમાં અમે સફળ થઈશું એમ જણાવતા તેમણે દાવો કર્યો હતો કે મોટાભાગના સર્વેમાં સ્પષ્ટ છે કે જનતાનો મૂડ ભાજપ વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જનતાનો આ મૂડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે અને અમે લોકસભા ચૂંટણીમાં પણ આ જ ગતિ જાળવી રાખીશું.
બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પણ રેલીને સંબોધિત કરી હતી. જોકે, તેમના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના નેહરુ-ગાંધી પરિવાર સાથેના અંગત સંબંધોને ધ્યાનમાં રાખીને તેમણે કોંગ્રેસની ટીકા કરવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિધાનસભાની ચૂંટણી બાદ ગઠબંધનને નવી ગતિ મળશે. કોંગ્રેસનો કોઈ જાણીતો ચહેરો આ રેલીમાં આવ્યો નહોતો. જોકે, બાદમાં પાર્ટીએ નિવેદન જારી કરીને કહ્યું કે, અમારા પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ શહેરની બહાર છે. તેથી વરિષ્ઠ નેતા કૃપાનાથ પાઠકને ‘ડેલિગેટ’ તરીકે મોકલવામાં આવ્યા હતા.
Taboola Feed