આમચી મુંબઈ

પદૂષણની ગાઈડલાઈનનું પાલન કરો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો

815 સાઈટ પર બીએમસી સ્કવોડનું ઈન્સ્પેકશન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માટે 24 પ્રશાસકીય વોર્ડમાં કુલ 815 ક્નસ્ટ્રક્શન સાઈટની પાલિકાની સ્પેશિયલ સ્કવોડે શુક્રવારે મુલાકાત લીધી હતી, તેમાંથી નિયમ હેઠળ કુલ 461 ક્ન્સ્ટ્રકશન સાઈટને લેખિત સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન ગાઈડલાઈનને અમલમાં મૂકવામાં આવી નહીં તો સ્ટોપ વર્કની નોટિસ આપવાની તથા વર્કસાઈટને સીલ કરવા જેવા આકરા પગલા લેવાની ચીમકી પણ પાલિકા પ્રશાસને આપી છે. વાતાવરણમાં થતા ફેરફારને કારણે મુંબઈ મહાનગર સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં હવાની ગુણવત્તા પર વિપરીત અસર થઈ રહી છે. તેની નોંધ લઈને મુંબઈ મહાનગરમાં ઍર પૉલ્યુશન અને મુખ્યત્વે ધૂળ નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ 25 ઑક્ટોબર, 2023ના ગાઈડલાઈન બહાર પાડી છે, જેનો મુંબઈના 24 પ્રશાસકીય વોર્ડમાં યુદ્ધના ધોરણે અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઈડલાઈનનું સખ્તાઈપૂર્વ પાલન થાય તે માટે તેના પર નજર રાખવા માટે તમામ 24 વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે સ્કવોડ
બનાવી છે.
વોર્ડ સ્તરે બનેલી આ સ્કવોડમાં બે વોર્ડ ઍન્જિનિયર, એક પોલીસ, એક માર્શલ, વાહન સહિત વોર્ડન લેવલના એક સિનિયર ઑફિસરનો સમાવેશ થાય છે. નાના વોર્ડમાં બે ટીમ, મધ્યમ વોર્ડમાં ચાર ટીમ તો મોટા વોર્ડમાં છ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સંબંધિત વિસ્તારની મુલાકાત લઈને કામના ઠેકાણે ઈન્સ્પેકશન કરી રહી છે.
મુંબઈના તમામ 24 વોર્ડની સ્કવોડ દ્વારા શુક્રવાર, ત્રણ નવેમ્બરના એક જ દિવસમાં તેમના સંબંધિત વિસ્તારમાં ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. પાલિકાએ આપેલા આંકડા મુજબ સંપૂર્ણ મુંબઈમાં શુક્રવારે 815 ક્નસ્ટ્રકશન સાઈટ પર જઈને ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને 461 ક્ન્સ્ટ્રકશન સાઈટ પર ગાઈડલાઈનને અમલમાં મૂકવા માટે આપેલી મુદતનું પાલન થાય તે માટે લેખિતમાં સૂચના આપવામાં આવી હતી. પાલિકાના સંબંધિત અન્ય વિભાગ પણ ઑટો ડીસીઆર જેવા ઑનલાઈન સિસ્ટમથી ક્નસ્ટ્રકશન સાઈટને લેખિતમાં સૂચના આપી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button