ફોટા રે ફોટા, સાચા કે ખોટા? પ્રાઇવેટ કે પબ્લિક સુધી? ટાઇટલ્સ: દરેક ફોટો એક અંગત ઇતિહાસ છે. (છેલવાણી)
મિજાજ મસ્તી -સંજય છેલ
વરસો પહેલાં અમુક વિદેશી પત્રકારો-ફોટોગ્રાફરો ગાંધીજીના આશ્રમમાં પધાર્યા ત્યારે પહેલીવાર એમણે ગાંધીજીના ત્રણ વાંદરાઓ જોયા. જેમાં એક વાંદરો બૂરું જોતો નથી, બીજો બૂરું સાંભળતો નથી અને ત્રીજો બૂરું બોલતો નથી. પત્રકારો તો ફોટાઓ પાડીને જતા રહ્યા. ને પછી તરત જ ગાંધીજીનો ચોથો વાંદરો આશ્રમમાં આવ્યો, જે બાજુનાં ગામમાં ભાષણ આપવા ગયેલો. એ ખરાબ જોતો, ખરાબ સાંભળતો હતો ને ખરાબ બોલતો પણ. એને જેવી ખબર પડી કે આશ્રમમાં પ્રેસવાળાં આવીને ગયા તો એ દુ:ખી થઈ ગયો ને ભાગતો ભાગતો ગાંધીજી પાસે પહોંચ્યો, “બાપુ..અહીંયા પ્રેસવાળાંઓએ કેટલા બધાં ફોટાઓ પાડ્યા ને તમે મને કહ્યું પણ નહીં? તમે મારી સાથે બહુ મોટો અન્યાય કર્યો!
ગાંધીજીએ શાંતિથી ચરખો ચલાવતાં કહ્યું, “બેટા, એકવાર દેશને આઝાદ થવા દે..પછી રોજ તારા જ સમાચાર છપાશે અને રોજ તારા જ ફોટા પણ છપાશે! શરદ જોષીની આ વ્યંગ-કથા, ભલે આઝાદીથી આજ સુધીના નેતાઓ પર કટાક્ષ કરતી હોય પણ પોતાના ફોટા પડાવવા અને વારેવારે જોવા અને સાચવવા કોને નથી ગમતા? જૂના ફોટાઓ જોતાવેંત જ આપણાં દિલ-દિમાગનાં કોઇ ખૂણામાં કાયમ માટે એક અનામ આલ્બમ બનીને એ સચવાઈ જાય છે. દરેક ફોટો-અલ્બમમાં કંઇ કેટલી કથા સમાયેલી હોય છે. જૂની ધૂંધળી તસ્વીરોમાં ભૂતકાળ ને વર્તમાન વચ્ચેના વરસોનાં અંતરને પળમાં દૂર કરી નાખતી સુગંધ હોય છે. સ્મૃતિઓની સુગંધ.
એક સર્વે મુજબ આજે દુનિયામાં અબજો જૂના ફોટાઓ, જૂની નેગેટિવના રોલ, ક્યાંક ખૂણે ખાંચરે પડ્યા હશે જેને આજે ડિજીટાઇઝ કરવાની જરૂર છે. જેથી વિતેલો સમય, તસ્વીરોમાં કેદ કરી શકાય. અમેરિકન નાગરિક મિચ ગોલ્ડસ્ટાન, ૭ વર્ષનો હતો ત્યારે એના પિતા ગુજરી ગયેલા. એની પાસે પિતા સાથેની એકમાત્ર તસ્વીર છે, જે ૧૯૬૦માં ડિઝનીલેન્ડમાં પાડેલી. એ જોઇને અડધી સદી પછી મિચ ગોલ્ડસ્ટાનને જૂની યાદોને સજીવન કરવાનો વિચાર આવ્યો. મિચ અને એના પાર્ટનર કાર્લે ‘સ્કેન-માય ફોટો’ નામની સર્વિસ શરૂ કરી છે જેમાં સ્માર્ટ-ફોન પહેલાના જમાનામાં લીધેલા જૂનાં ફોટાઓ, સ્લાઈડ્સ કે ધોવડાવ્યા વિનાની જૂની નેગેટીવને એ લોકો ડિજીટલી સ્કેન કરીને અને સુધારી પાછી આપે છે. મિચ કહે છે: ‘અમારા આ ધંધામાં પૈસા કરતાં યે વિશેષ આનંદની વાત તો એ છે કે લોકોને એમના ભૂતકાળની જૂની અમૂલ્ય તસ્વીરો પાછી મળે છે ત્યારે રીતસર રડી પડે છે અને એ આંસુ ખુશીના હોય છે. અમે માત્ર ફોટા નથી સાચવતા પણ જીવતરની યાદોનો ગુલદસ્તો મહેકતો કરીને પાછો આપીએ છીએ.’
ઇંટરવલ:
જિંદગીભર કે લિયે રુઠ કે જાનેવાલે,
મૈં અભી તક તેરી તસ્વીર લીએ બૈઠા હૂં. (કૈસર જાફરી)
આજે પળેપળ લેવાતા ફોટા કે સેલ્ફીના મોબાઇલ-યુગમાં, જૂનાં ફોટા અને આલ્બમો ભૂલાઇ રહ્યા છે. અમેરિકાનાં નાનાં શહેરમાં, ૪૫ વરસનો અવિવાહિત એકલો ફોટોગ્રાફર નાનકડો ફોટો સ્ટુડિયો ચલાવતો. પોતે ભલે એકાકી જીવન જીવતો પણ પારિવારિક ફોટાઓ પાડીને ખુશ રહેતો. એમાંયે એક કપલ, વિલ ને નીના યોર્કિનનાં પરિવારથી એ ખૂબ નજીક હતો. દર વરસે એમનાં બાળકોના જન્મદિવસ પર કે પતિ-પત્નીની લગ્નની વરસગાંઠ પર અચૂક ફોટા પાડતો અને ધીમે ધીમે ‘હું પણ યોર્કિન પરિવારનો સદસ્ય જ છુંને?’- એવું મનોમન માનવા માંડ્યો! ત્યાં સુધી કે એણે યોર્કિન પરિવારનાં અનેક ફોટાઓની કોપી કારીને એક આલ્બમ પોતાની પાસે રાખેલું, જેને એ રોજ જોયા કરતો. આમ તો આમાં પરિવાર વિહોણા માણસની એકલતામાંથી જન્મતી હતાશા લાગે પણ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. વિલ યોર્કિનનું કોઇ સ્ત્રી સાથે લફરું શરૂ થયું અને પછી આ અફેર વિશે કોઇક એને સતત બ્લેક મેઇલ કરવા માંડ્યું કે ‘બસ કર નહીં તો તારી પત્નીને કહી દઇશ..’ જી હાં, આવું કરનાર પેલો ફોટોગ્રાફર જ હતો! એકવાર વિલ અને એની ગર્લફ્રેંડ, છૂપાઇને હોટેલની રૂમમાં મળ્યા ત્યારે પેલા ફોટોગ્રાફરે અચાનક આવીને બંદૂકની અણી પર બેઉના નગ્ન ફોટાઓ જબરસ્તીથી પાડી લીધાં. જો કે વિલે અગાઉથી જ પોલિસને જાણ કરી હોય છે એટલે આખરે ફોટોગ્રાફર ઝડપાઇ ગયો. ધરપકડ વખતે ફોટોગ્રાફરે એટલું જ કહ્યું : ‘મેં તો માત્ર ફોટા જ પાડ્યા છે, એમાં ગુનો શું?’ પછી તહેકીકાતમાં ફોટોગ્રાફર કબૂલે છે કે જબરદસ્તીથી લીધેલા પેલા ફોટાઓ, એ વિલની પત્નીને મોકલવા માગતો હતો. વળી આની પાછળ પૈસા પડાવવાનો એનો આશય નહોતો પણ વિલ યોર્કિનને પાઠ ભણાવવા માટે, પરિવારને તૂટતો બચાવવા માટે એ ફોટોગ્રાફર આ બધું કરતો હતો! કારણ કે ફોટોગ્રાફરના હિસાબે એ પણ ફેમિલીનો સદસ્ય જ હતો માટે આવું કરવું એને એની ફરજ લાગેલી! હોલીવૂડની એક જૂની ફિલ્મની આ વાર્તામાં ફેમિલી, ફેમિલી-આલ્બમ ને ફોટોગ્રાફરનાં મનોજગતનું અજીબ મિશ્રણ છે.
ગુજરાતી ભાષાનાં એક અદ્ભુત ગીતકાર-કવિનાં જીવનમાં ફોટાઓ સાથેની એક અલગ જ ઘટના બની હતી. કવિએ મોટી ઉમ્મરે નાછૂટકે પત્રકાર તરીકે ફિલ્મી મેગેઝિનમાં પાર્ટ-ટાઇમ કામ કરવું પડેલું. ત્યારે એમને હીરો-હિરોઈનના રોમેન્ટિક ફોટાઓ નીચે કોઇ કેપ્શન લખવાનું કામ સોંપાયું. ધારો કે- ત્યારનો સ્ટાર ધર્મેન્દ્ર, હેમા માલીનીને છેડતો હોય તો એની નીચે ‘સાજણ હવે સહેવાય ના, આધું રહેવાય ના’ જેવી રમતિયાળ લાઇન લખવાની. થોડો વખત આવું કામ કર્યા પછી ખુદ્દાર કવિથી જીરવાયું નહીં એટલે તંત્રીને કહ્યું: ‘આ ઉંમરે મારી પાસે નટ-નટીઓના લૂગડાં શું ધોવડાવો છો? આખરે તો હું એક કવિ છું!’
દરેક તસ્વીર પાછળ કંઇ કેટલી દિલકશ કે દર્દભરી દાસ્તાનો છૂપાયેલી હશેને?
એંડ-ટાઇટલ્સ:
ઈવ: સારો ફોટો પાડજે, હં!
આદમ: કુદરતની ભૂલને સુધારનાર હું કોણ?