કરૂણામયી માત કી જય
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
નિલકંઠ સોસાયટીમાં છેલ્લાં બાવીસ વર્ષથી નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. સોસાયટીના કમિટી મેમ્બર્સ સાથે માતાજીના ભક્તો પણ પોતાનું વિશેષ યોગદાન આપે છે. વળી યુવાવર્ગ પણ આનંદોત્સવમાં જોડાઈ જાય છે જાણે કોઈ મેળો ન હોય!
નવરાત્રિમાં રોજ યોજાતી આરતી-ગરબાનો આનંદ તો સોસાયટીની બહેનો માણતી હતી. કેટલાક કોલેજિયન અને શાળાના છોકરાંઓ ગુજરાતીભાષી ન હોવા છતાં ગુજરાતી આરતી ‘જય આદ્યાશક્તિ’ ગાય કે ‘જમો જમાડું ભાવના ભોજન થાળ’ ગાય ત્યારે ૮૦ વર્ષનાં ભાનુબેન રાજીનાં રેડ થઈ જતાં. એમાં સૌથી આગળ પડતો ભાગ જ્યોતિ શર્મા લેતી. ભાનુબેન અગિયારમા માળે રહે, જ્યોતિ એમની નીચે દસમા માળે રહે.
ભાનુબેનને બેંકમાં કામ કરતી ૨૫ વર્ષની જ્યોતિ શર્મા માટે ખૂબ ભાવ છે. એ કહેતાં, જ્યોતિ આટલું બધું ભણેલી, બેન્કમાં સર્વિસ કરે છે, છતાં ય કેટલી ડાહી છે. નવરાત્રિના ઉપવાસ કરે છે, માળા કરે છે, પૂજા-પાઠ પણ એટલાં જ કરે છે.
માતાજીના મંડપમાં જ્યોતિ આવે કે સૌથી પહેલાં માતાજીની મૂર્તિ પાસે તેના મધુર કંઠે પાંચેક મિનિટ સ્તુતિ કરે. ભાનુબેન પણ વિદેશમાં રહેતી દીકરી દીપ્તિને યાદ કરતાં પોતાનું વહાલ જ્યોતિ પર ઢોળી દેતાં.
આજે નવરાત્રિનો નવમો દિવસ-આ ઉત્સવને મનભર માણવા આખી સોસાયટી માતાજીના મંડપમાં ભેગી થઈ હતી. માતાજીની ચોકી રાખી હતી. સોસાયટીમાંથી બાળકો, યુવાનો તથા વયસ્કો આજે પરંપરિત વેશભૂષામાં સજજ થઈને ગરબાનો આનંદ માણવા મંડપમાં એકઠાં થઈ ગયાં.
જ્યોતિ માતાજીની સન્મુખ પહેલી હરોળમાં બેઠી હતી. પૂજારીએ કહ્યું- માતાજી કા જગરાતા કી પૂજા કે લિયે પાંચ બહેને આગે આ જાઓ. ભાનુબેન સાથે જ્યોતિ, નીલમ, રૂપાબેન, મનીષા જ્યોતજ્વાલામાં જોડાયાં.
માતાજીનાં ભાવવાહી ગીતોમાં સૌ ઝૂમી રહ્યાં હતાં. વયસ્ક બહેનો પણ કેટલાક તરવરિયા યુવાનો સાથે નવી ઢબે નાચતાં, ગરબાનો આનંદ લઈ રહી હતી. જ્યોતિ ગરબાની મધ્યે એની આગવી છટામાં ગરબા લઇ રહી હતી. તેના મુખ પર કોઈ અનેરું તેજ છવાયેલું હતું. સંગીતવૃંદે ગરબાને વધાવવા સંગીતના ધમાલિયા સૂર છેડ્યા. બહારના વર્તુળમાં રમતાં ભાઈબહેનો આઘાં ખસી ગયાં. જ્યોતિ કોઈ અદ્ભુત આનંદમાં જણાતી હતી. સંગીતના સૂરો વધુ જોરમાં વહેતા થયા, ચારે બાજુથી રાધે-રાધે, જય ભવાની, જય અંબેના નાદ સંભળાવા લાગ્યા. ગાયકોએ ગીતના શબ્દો અટકાવી માત્ર ધૂન અને ધીમું સંગીત ચાલુ કર્યું.
જ્યોતિ તન્મય સ્થિતિમાં પહોંચી ગઈ. જ્યોતિનું અદ્ભુત રૂપ વિકરાળ થવા લાગ્યું. આંખો પહોળી કરીને, હાથ લાંબા કરીને કોઈ અગમ્ય પણ મોટા અવાજે એ કશુંક બોલવા લાગી. એ જોર જોરથી ધૂણવા લાગી. બીક લાગી જાય એવી બની ગઈ.
ટોળામાંથી રસ્તો કાઢી ભાનુબેન જ્યોતિની પડખે આવીને ઊભાં રહ્યાં, તેને માથે હાથ ફેરવતાં બોલ્યાં- જય, મા અંબે પ્રસન્ન થાઓ. અમે તો તારાં બાળ છીએ.
આખું ભક્તિમય વાતાવરણ ડરામણું બની ગયું. જ્યોતિની મમ્મી દોડતી મંડપમાં આવી. રડતા અવાજે બોલી- મૈને કહા થા, જ્યાદા મત ખેલના, ઉપવાસ ભી કડક કરતી હૈ, પૂરા દિન કામ કરતી હૈ. ઈસકો ફીરસે દેવી મા આયે હૈ- એવું કહેતાં જ્યોતિની મમ્મી માતાજીના સ્થાપન પાસે ગયાં. બે હાથ જોડી નમન કર્યું. પછી હાથમાં કંકુ અને ફૂલ લીધાં. જ્યોતિના માથા પર ફૂલ નાખ્યાં. કપાળ પર કંકુનો લેપ કરતાં બોલ્યાં- મેરી મૈયા, શાંત હો જાઓ, સબ પર કૃપા કરો. મા, મા આપ પ્રસન્ન રહો.
કેટલીક બહેનો દૂરથી હાથ જોડવા લાગી. એક બહેન પોતાના આઠ વર્ષના દીકરાને પગે લગાડી ગઈ. રૂપાબેને તો દેવીસ્વરૂપ જ્યોતિને ચરણે પડતાં કહ્યું- મા, મારી દીકરી ૨૮ની થઈ એને સારો મૂરતિયો મળે એવી કૃપા કરો.
બાજુમાં ઉભેલી સરોજ બોલી- હવે જે પોતે જ ઘરભંગ છે, એ શું બીજાનું ઘર માંડી આપે. આ બધા ખોટા ધતિંગ છે. ભાનુબેને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
જ્યોતિ હજુ જોર જોરથી ધૂણતી હતી. પરસેવો વળી જવાથી કપાળ પરનું કંકુ એના ચહેરા પર ફેલાયું હતું, એનો લાલચોળ ચહેરો બિહામણો લાગતો હતો. કોઈ એને ચૂંદડી ઓઢાઢી ગયું. પૂજારીએ મંત્રોચાર કરતાં કરતાં હાથમાં પાણી લઈ જ્યોતિ પર છાંટ્યું.
થોડીવારે જ્યોતિએ અશ્રુસભર આંખ ખોલી, ચારે બાજુ નજર ફેરવી, એની મમ્મી, ભાનુબેન, રૂપા એકી સાથે બોલી ઊઠયાં- જય મા, જય અંબે. જ્યોતિએ ફરીથી આંખ મીંચી દીધી.
મમ્મી બોલી,-પ્લીઝ. કોઇ ઉસકો ઊઠાઓ, ઘર લે આઓ,
ચાર પાંચ જણે જ્યોતિને ઉઠાવી લીધી અને ધૂન ગાતાં ગાતાં એમને ઘરે ગયાં.
કોલેજિયનો આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે જ્યોતિને સાચે જ માતાજી આવ્યાં હતાં કે પછી ઢોંગ હતો? જ્યોતિને આમ અચાનક શું થયું? જ્યોતિ ફાસ્ટ રાખે છે એટલે આવું થયું?
આ ચર્ચા સાંભળી ભાનુબેને સમજાવતાં કહ્યું,- કોઈ વાર કોઈ માતાજીના ભક્તને એવું થાય. એક જુવાને કહ્યું,- સાયન્સમાં આવું કશું નથી આવતું કે ગરબા રમતાં માતાજી આવે. માતાજી એમ કાંઈ નવરા છે કે આવી જાય. આ તો ધતિંગ લાગે છે. એમાં બધા પગે લાગે, કંકુ છાંટે, કેવું હંબક લાગે નહીં. આન્ટી, આ ધર્મ છે કે અંધશ્રદ્ધા?
ભાનુબેને યુવાનોને સમજાવતાં કહ્યું- ભક્તિભાવને કારણે અનુભવાતી એક માનસિક અવસ્થા છે. થોડી ક્ષણો માટે શરીરમાં અનુભવાય છે. જે ભક્તિભાવમાં ઊંડો ઊતરે, તેને આવું થાય. આવે સમયે બધા કહે છે કે માતાજી આવ્યાં છે. કોઈને આવું થાય ત્યારે આપણે કુતૂહલતાથી કે ભય પામીને ન જોવું. મનમાં કોઈ અંધશ્રદ્ધા ન રાખવી માત્ર આ એક સુપ્રીમ પાવર કે દૈવીશક્તિને પ્રણામ કરવા.
ભાનુબેન સાથે કોલેજિયનોએ પણ સાથ પુરાવ્યો.
જય ભવાની, જય અંબે, કરૂણામયી માત કી જય.