ખાખી મની-૨
‘મોટું સાહસ કરીને જબરજસ્ત કૌભાંડ પકડી પાડ્યું એવું દુનિયાને બતાવી દઇએ, છાપાઓમાં ચમકીએ, મીડિયામાં કેસ ઉછાળિયે, નામ કરીએ.’ લીચી પટેલે કહ્યું.
અનિલ રાવલ
બેગમાં ભરેલા રૂપિયા જોઇને ચારેયની આંખોમાં વીજળીની ચમક ઊતરી આવી. રોમાંચનું એક લખલખું એમના રોમેરોમમાં પ્રસરી ગયું. વરૂણદેવે વરસાદી તાંડવની સાથે પૈસાની હેલી વરસાવી.
ધોધમાર વરસતા વરસાદમાં હાઇવે પર ટાઇમ પાસ કરવા જતા હલવો હાથ લાગ્યો. વરસાદી રાત, એકલો ડ્રાઇવર, અઢળક રૂપિયા ભરેલી બેગ, ન કોઇ સાક્ષી, ન કોઇ જોનારું. હવે શું કરવું.? આવી પરિસ્થિતિમાં શું કરવું એ વાત પોલીસથી વધુ સારી રીતે કોણ સમજી શકે.? ચારેયે એકબીજાની સામે સૂચક નજરે જોયું.
‘બેગ બંધ કર અને ચાલ અમારી સાથે.’ ઉદયસિંહે રૂઆબ બતાવ્યો.
‘સાહેબ, મને ખબર નહીં કે આમાં રૂપિયા છે….કસમથી’ ડ્રાઇવરે કહ્યું.
‘લીચી પટેલે એને એક ઝાપટ ઝીંકી દીધી: બેવકૂફ સમજે છે તું અમને.?’ જોકે પછી લીચી પટેલને તરત સમજાઇ ગયું કે હાઇવે પર મધરાતે વરસતા વરસાદમાં આવો તમાશો સારો નહીં .
‘કનુભા, તમે જીપ લઇને અમારી પાછળ આવો.?’ ‘ચાલ બેસ અંદર.’ લીચી પટેલે એને કારની પાછલી સીટ પર હડસેલી દીધો. ઉદયસિંહ અને રમેશ પાટીલ એની આજુબાજુ ગોઠવાઇ ગયા. ડ્રાઇવિંગ સીટ બેસી ગયેલી લીચી પટેલે કાર પૂરપાટ હંકારી. વરસાદની થપાટો ઝીલતી કાર અને પોલીસની જીપ આગળ વધી કે તરત જ પાછળ આવતી એક કાર અર્ધ ગોળાકાર આડશ પાર કરીને પવનવેગે મુંબઇ તરફ નીકળી ગઇ.
પોલીસ ચોકીના પાછલા ગેટ પર કાર અને જીપ થોભી. કનુભાએ ઝડપથી ઊતરીને ગેટ ખોલ્યો. લીચી પટેલની કાર પહેલાં પ્રવેશી. કનુભા જીપ અંદર લીધી. આજુબાજુ નજર નાખીને પાછલો ગેટ બંધ કરી દીધો. રમેશ પાટીલે આગળ જઇને પોલીસ ચોકીના અટકાવી રાખેલા બારણાને લાત મારીને ખોલી નાખ્યું. ઉદયસિંહે ડ્રાઇવર પાસે જ વજનદાર બેગ ઊંચકાવી. લીચી પટેલે રૂમાલ કાઢીને
કારના દરવાજા અને સ્ટિયરિંગ લૂછી કાઢ્યા. કનુભાએ મીણબત્તી સળગાવી.
‘બેગ અંદર રૂમમાં મૂક.’ ઉદયસિંહે પોતાની રૂમ બતાવતા સિંહગર્જના કરી. કનુભા ઉદયસિંહનો ઇશારો જોઇને એની પાછળ રૂમમાં ગયા. ડ્રાઇવર બહાર આવીને ઉદયસિંહના પગે પડી ગયો. લીચી પટેલે એને ઊભો કરીને ખુરસી પર બેસાડ્યો. ગભરાયેલો ડ્રાઇવર બેઠો.
‘હં.. હવે તારું મોઢું બરોબર દેખાણું. મોઢું ખોલ ને બોલવા માંડ.’ કનુભાએ બીજી મીણબત્તી સળગાવતા કહ્યું.
‘મેડમ, સાચું કહું છું…મને બેગમાં રૂપિયા હશે, એની ખબર નહોતી.’
લીચી પટેલે થપ્પડ મારી. ડ્રાઇવર ગાલ પંપાળતા બોલ્યો: ‘મેડમ, મને મારો નહીં, હું કાંઇ જાણતો નથી.’
‘કેટલા પૈસા છે?, કોના છે? અને કોને પહોંચાડવાના છે.?’ લીચી પટેલે ત્રણ સવાલ કરતી વખતે એના જમણે, ડાબે અને પછી જમણે ત્રણ થપ્પડ મારી.
‘મેડમ, મારે એક ફોન કરવો છે.’ થપ્પડના ડરને લીધે ડ્રાઇવરે બંને ગાલ પર હાથ મુકી રાખ્યા હતા.
‘ઓહ, તો તારે ઉપર બેઠેલા તારા કોઇ આકાને ફોન લગાડવો છે..જેથી અમારે તને છોડવો પડે.’ ઉદયસિંહે કહ્યું.
‘કોઇ વાંધો નહીં લે લગાડ ફોન’ લીચી મેડમે એનો જ ફોન એને આપ્યો. ડ્રાઇવરે ધ્રૂજતા હાથે મોબાઇલ લીધો, પણ નેટવર્ક નહતું.
‘મેડમ, મોબાઇલનું નેટવર્ક નથી.’ ડ્રાઇવર બોલ્યો.
‘એટલે જ કહું છું અનવર અહમદ હુસેન, કે મોબાઇલનું નેટવર્ક આવે ત્યાં સુધીમાં તું તારા નેટવર્ક વિશે ફટાફટ બોલવા માંડ.’ લીચી પટેલ લાઇસન્સમાંથી નામ વાંચતા બોલી.
‘મેડમ, મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે.’ ડ્રાઇવરે કહ્યું.
‘નહીં…..જે વાત થશે એ અમારી ચારેયની સામે થશે,’ ઉદયસિંહે મોટેથી કહ્યું.
‘જલ્દી બોલવા માંડ.’ કનુભા ઉતાવળમાં બોલ્યા.
‘સાહેબ, મેડમ, અલ્લાહ કસમ હું તમને બધું સાચેસાચું કહી દઉં છું. લાઇસન્સ મારું છે, પણ કારના આરસી પેપર્સ મારા નામે નથી.. જોઇ લો તમે.’ લીચી પટેલે પેપરો જોવાનું શરૂ કર્યું. લીચી પટેલે નામ વાંચ્યું: મહેન્દરસિંઘ બસરા.
‘મેડમ, કાર મારા દોસ્ત મહેન્દરસિંઘ બસરાની છે, કાગળિયા પણ એના નામે જ છે…મને ફસાવી દીધો છે.’
‘બસરા? આવી કેવી અટક.?’ ઉદયસિંહને સવાલ થયો.
‘સર, અત્યારે સવાલ અટકનો નથી.નામનો છે.’
‘હમમમમ…તો અનવર અહમદ હુસેન, કાગળિયા કોના નામે છે એ મહત્ત્વનું નથી, પૈસા કોના નામે છે.?’
બધું જ કહું છું મેડમ. મહેન્દરસિંઘ બસરા ગઇકાલે સવારે કાર લઇને અમદાવાદથી સુરત આવ્યો. (ફ્લેશબેક)
‘યાર અનવર, હું મુંબઇ જતો હતો અને સમાચાર મલ્યા કે મારી વાઇફની ડિલિવરી થઇ છે…મારે અરજન્ટ પાછું અમદાવાદ જવું પડશે… એક કામ છે જે તું જ કરી શકે.’
કામ શું છે.?’
‘મુંબઇમાં આ કાર કોઇને આપવાની છે.’
‘કારમાં શું છે.?’
‘બેગ છે.’ મહેન્દરસિંઘ જરા અટકીને બોલ્યો.
‘એમાં લાશ છે.?’
‘અરે નહીં યાર, પૈસા છે…મને ખબર છે કે તું માત્ર બે નંબરના પૈસાની હેરાફેરીનું જ કામ કરે છે…આ કામમાં તું માહેર છો..તું મારો દોસ્ત છો એટલે તને હકથી આ સિક્રેટ કામ સોંપી શકાય.’
‘કેટલા રૂપિયા છે, કોના છે અને કોને આપવાના છે.?’
‘એ હું નહીં કહું. તારે માત્ર કાર પહોંચાડવાની.’
‘મને કેટલા મળશે.?’
‘બે લાખ.’
‘નહીં…પાંચ લાખ. કામ જોખમી છે.’
‘કબૂલ…ડન’ મહેન્દર બસરા અને અનવરે હાથ મિલાવ્યા.
‘મુંબઇનું સરનામું બોલ.’
‘સાયન કોલીવાડા, પંજાબી લેન, પીર બાબાની દરગાહ, સાયન.’
‘આગળ બોલ મહેન્દર…બિલ્ડિંગનું નામ, માણસનું નામ, ફ્લેટ નંબર..’ અનવરે કહ્યું.
‘પીરબાબાની દરગાહ પાસે એક માણસ ઊભો હશે. કારનો નંબર જોઇને એ તારી પાસે આવશે…તારે એને કોડવર્ડ પૂછવાનો….કોડવર્ડ જાણીને એને કારની ચાવી આપી દેવાની.’
‘કોડવર્ડ બોલ.’
‘બસરા.’ અનવરે સરનામું અને કોડવર્ડ લખ્યા નહીં, યાદ રાખી લીધા.
(ફ્લેશબેક પૂરો)
‘સાહેબ, મેડમ….મારું કામ બે નંબરિયા પૈસા લઇ જવા-લઇ આવવાનું છે. મેં દારૂની હેરાફેરી કરનારાઓ, ક્રિકેટના સટ્ટાખોરો-બુકીઓ, રાજકારણીઓ, હીરાવાળાઓ.. અરે મોટા મોટા પોલીસવાળાના પૈસા પણ પહોંચાડ્યા છે, પણ આ પૈસા કોના છે…મને ખબર નથી.’
લીચી પટેલ, ઉદય સિંહ, રમેશ પાટીલ અને કનુભાના ચક્કરમાં પડી ગયેલા દિમાગ અને ચહેરાઓ જોઇને અનવર બોલ્યો: ‘પ્લીઝ મને એક ફોન કરવા દો. હું તમારી વાત કરાવી દઉં.’ લીચી પટેલે મોબાઇલ આપ્યો. નેટવર્ક આવી ગયું હતું.
‘કોને ફોન લગાડવો છે,?’ લીચી પટેલે પૂછ્યું.
‘મહેન્દરસિંઘ બસરાને.’ અનવરે કહ્યું.
અનવરે ફોન લગાવ્યો. લીચી પટેલે ફોનને સ્પીકર પર મુક્યો.
તમે ફોન કરી રહ્યા છો તે અસ્તિત્વમાં નથી. સાંભળીને લીચી પટેલ મોબાઇલ પાછો લઇને સ્ક્રોલ કરવા માંડી.
‘છેલ્લો ફોન લગાવ્યો એ બસરાનો નંબર છે.?’ લીચી પટેલે પૂછ્યું.
હા મેડમ.
લીચી પટેલ મોબાઇલનું ફોનલિસ્ટ ચેક કરવા લાગી. એમાં બસરાનો આ એકમાત્ર નંબર હતો-એ પણ નામ વિનાનો. મોબાઇલમાં બીજા કોઇના નંબર જ નથી…એકપણ કોન્ટેક્ટ નંબર નથી એ જાણીને લીચી પટેલને આશ્ર્ચર્ય નહીં પાકી ખાતરી થઇ ગઇ કે આ માણસ કોઇ પહોંચેલી માયા છે. પૈસા વિશે એને બધી જ ખબર છે..આ એની નૌટંકી છે…..
‘ફોન અસ્તિત્વમાં નથી…. મોબાઇલના ફોન લિસ્ટમાં નનામો એક જ નંબર છે….તું અમને ઉલ્લુ સમજે છે.?’ લીચી પટેલે અનવરને કાંઠલેથી ઝાલીને બે ઝાપટ મારી.
‘ના મેડમ મારી વાત સમજો…હું ખુદ ઉલ્લુ બની ગયો છું….મારી સાથે ગેમ રમાઇ છે.’
‘અચ્છા, તારો મોબાઇલ આપ’ લીચી પટેલે પૂછ્યું.
હું મિશન પર નીકળું ત્યારે ફોન સાથે નથી રાખતો., પણ પ્લીઝ મને એક મિનિટ આપો.’
‘ખરો પ્રોફેશનલ છે તું’ મિશન પર જાય ત્યારે મોબાઇલ સાથે ન રાખે…વાહ નૌટંકીબાજ વાહ.’ લીચી પટેલના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
આપી એક મિનિટ તને, બોલ શું કહેવું છે તારે.?’ ઉદયસિંહે એની આંખમાં આંખ નાખીને પૂછ્યું.
સાહેબ, બેગમાં કેટલા રૂપિયા છે એની મને ખબર નથી…તમે બેગમાંથી મારી કમાણીના પાંચ લાખ લઇને મને જવા દો.’
સાંભળીને ઉદયસિંહની અચાનક પડેલી થપ્પડથી અનવર ખુરસી પરથી પડી ગયો. કનુભા અને રમેશ પાટીલે એને ફરી ખુરસી પર બેસાડ્યો.
‘માંડવલી?’ રમેશ પાટીલના મોંમાંથી સરી પડેલા પોતાના મનગમતા મરાઠી શબ્દની સાથે લાળ પણ ટપકી.
બહાર વરસાદનું જોર ઘટ્યું નહતું. પોલીસ ચોકીની ઘડિયાળના કાંટાની રફતાર ચાલુ હતી. ઘડિયાળ નીચેની ઝાંખી છબીમાં ગાંધી બાપુ મરક મરક હસી રહ્યા હતા. રમતરમતમાં લીલાસરી પોલીસ ચોકીની પોલીસની ટીમે મોટો કેસ પકડ્યો હતો. માંડવલી, પતાવટ કે વહીવટ જે કાંઇ કરવું હોય તે અંધારાનો લાભ લઇને કરી નાખવું પડે આટલી વાત ચારેય પોલીસવાળાને સમજાતી હતી. એમના માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિ હતી.
‘મેડમ, રાતનો સવા વાયગો છે…હવે મોડું કરવામાં માલ નથી,’ કનુભાએ લીચી પટેલના કાનમાં ધીમેથી કહ્યું.
‘સર આ માણસ હળાહળ ખોટું બોલી રહ્યો છે’ લીચી પટેલે કહ્યું.
‘કનુભા, આ માણસ સાચું બકવા માંડે એવું કાંઇક કરો.’ ઉદયસિંહનો આદેશ છૂટતા જ કનુભાએ લાઠી ઉપાડી…
‘લાઠીથી નહીં કનુભા…એના શરીર પર એક પણ નિશાન નહીં જોઇએ.’ લીચી મેડમે કહ્યું.
કનુભાએ મુક્કાથી એનું જડબું હલાવી નાખ્યું….લાતો મારી….અનવર ટૂંટિયું વળીને પડી રહ્યો તો પેટ અને પીઠ પર ગડદાપાટુ મારીને લોથપોથ કરી નાખ્યો., પણ અનવરના મોંમાંથી એક ઉંહકારો ન નીકળ્યો. ઉદયસિંહે લીચી પટેલને એના રૂમમાં આવવાનો ઇશારો કર્યો.
‘મેડમ, મને લાગે છે કે આ માણસ રીઢો ગુનેગાર છે….મારની કોઇ અસર થતી નથી,’ ઉદયસિંહે ધીમેથી કહ્યું.
‘સમય ઓછો છે. હવે શું કરશું.?’ લીચી પટેલ પણ ધીમા અવાજે બોલી.
એને લોકઅપમાં પૂરીને આપણે ચારેય નક્કી કરીએ, ઉદયસિંહે કહ્યું.
લીચી પટેલે સંમતિ દર્શાવી. બંનેએ બહાર આવીને જાહેર કર્યું: ‘એને લોકઅપમાં પૂરી દો’ કનુભા અને રમેશ પાટીલ અનવરને ઢસડીને લઇ જતા હતા ત્યારે એ કણસતા અવાજે બોલ્યો: ‘મેડમ,
વહીવટ અહીં જ પતાવો. વાત આપણા પાંચ વચ્ચે જ રહેશે. મેં અગાઉ હાઇવે પોલીસને પણ પૈસાથી પટાવ્યા છે. બહુ લાંબું નહીં ખેંચો…. મુશ્કેલીમાં પડી જશો.’
લીચી પટેલ અનવરની સામે જઇને ઊભી રહી. આછું સ્મિત આપીને એના ગાલ પર હળવી ટપલી
મારતા બોલી: નાખો આને લોકઅપમાં. કનુભા અને પાટીલે એને લોકઅપમાં ધકેલી દીધો.
સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહે માથું ધુણાવ્યું. સબ-ઇન્સ્પેક્ટર લીચી પટેલ અનવરના મોબાઇલને ફેરવી-ફેરવીને જોવા લાગી. હવાલદાર કનુભાએ બીડી પેટાવી ને હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલે પીઢતા બતાવી: ‘કેસ મોટો છે. બેગને જોતા પૈસા મોટા લાગે છે..એટલે એની પાછળના માથાં પણ મોટા હશે…સવાર પડતા વાર નહીં લાગે…જલ્દી નક્કી કરો.’ ચારેય જણા એકબીજાની સામે જોવા લાગ્યા.
મોટો કેસ, મોટા પૈસા, મોટા માથાં….ને ઓછો સમય….એક ખોટા પગલાંથી રમત રમતમાં ખેલાઇ રહેલો ખતરનાક ખેલ મોંઘો પડી શકે છે. જોખમ છે, પણ રૂપિયા પણ મોટા છે. રૂપિયાનો રંગ ગુલાબી કે લીલો, પણ રૂપિયાના બે જ રંગ-વ્હાઇટ મની અને બ્લેક મની, પણ ખાખી વર્દીવાળી પોલીસ ટીમને હાથ લાગેલા રૂપિયાનો રંગ ખાખી હતો….ખાખી મની.
‘એણે પાંચ લાખની ઓફર કરી છે…..લઇ લેવા જોઇએ.’ કાયમ થોડામાં સંતોષનો ઓડકાર ખાનારા મરાઠી માણુસ રમેશ પાટીલે મોં ખોલ્યું.
‘મારવો તો મીર મારવો…..પરચૂરણ લઇને નામ ખરાબ કરવામાં અમે નો માનીએ,’ કનુભાની અંદરનો રાજપૂત જાગી ઉઠ્યો.
‘તમે શું કહો છો લીચી મેડમ?’ ઉદયસિંહે પૂછ્યું.
‘સર, કેસ મોટો છો…….પરદાફાર્શ કરીએ…..મોટા માથાંને ઉઘાડા પાડી દઇએ.’ લીચી પટેલે કહ્યું.
સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર લીચીની વાત સાંભળતી વખતે જ નકારમાં માથું ધુણાવવા માંડ્યા હતા.
‘નહીં.. નહી…આવો મોકો હવે બીજીવાર ક્યારેય નહીં મળે. બેગમાંથી જે પૈસા નીકળે એને સરખે ભાગે વહેંચી લેવાના.’
‘ઘણી ખમ્મા બાપુને…ઘણી ખમ્મા.’ કનુભાએ ઉદયસિંહને પાનો ચડાવ્યો..
‘રમેશ પાટીલ તો ગદગદ થઇ ગયો. અગાઉ કોઇ સિનિયરે લાંચની રકમ સરખે ભાગે વહેંચવાની વાત કરી નહોતી. હરખથી એની છાતી ફુલી સમાતી નહોતી.
‘સર, સર, એક મિનિટ…પછી અનવરનું શું કરવાનું.?’ લીચી પટેલ બોલી.
‘એને છોડી મુકવાનો.’ રમેશ પાટીલે કહ્યું.
‘ગાંડા થઇ ગયા છો તમે.? અનવરને છોડી મુકીએ તો જેના હાથ એના માથા પર છે એ મોટા માથા આપણને છોડે ખરા.?’ ઉદયસિંહે કહ્યું.’
સર, હું એટલે જ કહું છું કે એક નાનકડી પોલીસ ચોકીની ટીમે કેટલું મોટું સાહસ કરીને જબરજસ્ત કૌભાંડ પકડી પાડ્યું એવું દુનિયાને બતાવી દઇએ….છાપાઓમાં ચમકીએ, ‘મીડિયામાં કેસ ઉછાળિયે…નામ કરીએ આપણું. સર, મને એક મોકો આપો અનવરને પૂછવાનો….એ મોઢું ખોલશે.’
લીચી મેડમ, મારી માવડી…તમે કેસ બગાડી નાખશો….આટલો મોટો દલ્લો કોઇ દિ હાથ નહીં લાગે.’ કનુભાએ બે હાથ જોડ્યા.
મેડમ, એક જ મોકો આપીશ…નહીંતર પછી હું મારી રીતે એની સાથે પતાવટ કરીશ. હા, પણ જે થશે એ સરખા ભાગે….પછી ભાગ પડે કે ભોગ લેવાય..બધું સરખા ભાગે.’ ઉદયસિંહે લીચી પટેલને કહ્યું.
‘કનુભા, અનવરને લઇ આવો,’ લીચી પટેલના ચહેરા પર આત્મવિશ્ર્વાસ છલક્યો.
કનુભાએ રેઇનકોટ પહેર્યો, હાથમાં ટોર્ચ પકડી ને તોફાની વરસાદનો સામનો કરતા બહાર નીકળ્યા. વરસાદની થપાટોથી બચવા પાટીલે બારણું બંધ કરી દીધું….થોડીવારમાં કનુભાની રાડ સંભળાઇ: સાહેબ, મેડમ જલ્દી આવો. ત્રણેય ધસી ગયાં. કનુભાએ અનવર પર ટોર્ચની લાઇટ ફેંકી. મેડમ, અનવર મરી ગ્યો.
ક્રમશ:
કેપ્શન: