ડાબેરી-જમણેરી: હર આદમી મેં હોતે હૈં દસ બીસ આદમી, જિસકો ભી દેખના જો કઈ બાર દેખના
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
આજકાલ એક શબ્દ બહુ ચલણમાં છે: ડાબેરી (હયરશિંતિ)ં અને જમણેરી (છશલવશિંતિ)ં. બધા લોકોના હાથમાં આ સ્ટીકર્સ છે અને કોઈ એક વાક્ય બોલે તેની સાથે તેના પર એક સ્ટીકર ચોંટાડી દે. એ એટલું સસ્તું છે નહિ, જેટલું આપણે બનાવી દીધું છે, કારણ કે આપણે રાજકારણમાં જેટલા ઉસ્તાદ છીએ, પોલિટિકલ સાયન્સમાં એનાથી ડબલ બેવકૂફ છીએ. રાજકીય વિચારધારાઓની આ વિંગ્સ અથવા સ્કેલનો ઇતિહાસ, એક પુસ્તક લખાય એટલો ઊંડો અને રસપ્રદ છે.
ટેક્નિકલી, આ શબ્દો ફ્રાન્સમાંથી આવે છે. ૧૭૮૯માં ફ્રાન્સમાં રાજતંત્ર સામે ક્રાંતિ થઇ હતી. ક્રાંતિ હિંસક હતી અને તે જ્યારે ચરમ પર હતી, ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાજાએ બનાવેલી જેલ બેસ્ટિલ પર હુમલો કર્યો હતો. તે વખતે, ક્રાંતિકારીઓની સરકાર તરીકે કામ કરવા માટે નેશનલ એસેમ્બલી એકત્ર થઈ હતી. એસેમ્બલીનું મુખ્ય લક્ષ્ય હતું: નવું બંધારણ લખવું.
સભા સામે ચર્ચાનો એક મહત્ત્વનો મુદ્દો એ હતો કે રાજા પાસે કેટલી સત્તા હોવી જોઈએ? શું તેને સંપૂર્ણ વીટો કરવાનો અધિકાર હોવો જોઈએ? જેમ જેમ ચર્ચા ચાલુ ચાલી, તેમ તેમ જે લોકો રાજાને સંપૂર્ણ વીટો હોવો જોઈએ તે માટે સહમત થયા, તે એસેમ્બલીના અધ્યક્ષની જમણી બાજુની પાટલીઓ પર બેઠા અને જેઓ ક્રાંતિકારી દૃષ્ટિકોણવાળા હતા કે રાજા પાસે વીટો ના હોવો જોઈએ, તે લોકો અધ્યક્ષની ડાબી બાજુની પાટલીઓ પર બેઠા.
બીજા શબ્દોમાં કહીએ તો, જે લોકો રાજાને વધુ સત્તા આપવાના પક્ષમાં હતા, રૂઢિચુસ્ત
હતા, જૈસે થે વાદી હતા, તે જમણી બાજુએ બેઠા અને જે લોકો લોકતંત્રવાદી હતા, પ્રગતિશીલ હતા, ઉદારવાદી હતા તે ડાબી બાજુએ બેઠા. તે પછીની દરેક બેઠકોમાં આ જ વ્યવસ્થા કાયમ રહી અને એસેમ્બલીની ચર્ચાઓનો અહેવાલ આપતી વખતે, સમાચાર પત્રોએ લેફ્ટ અને રાઈટ શબ્દોનો ઉપયોગ શરૂ કર્યો. દેશ કેવી રીતે ચાલવો જોઈએ તેની રાજકીય વિચારધારાનું જમણેરી અને ડાબેરીમાં વર્ગીકરણ ફ્રેંચ એસેમ્બલીની આ બેઠક વ્યવસ્થામાંથી આવે છે.
ફ્રેન્ચ ઇતિહાસકાર માર્સેલ ગૌચેટના પુસ્તક ‘રાઈટ ઍન્ડ લેફ્ટ’ અનુસાર, જમણેરી અને ડાબેરી વિચારધારાઓની ઓળખનું વર્ગીકરણ કરવાની પ્રક્રિયામાં પૂરી ૧૯મી સદી વીતી હતી અને ૨૦મી સદીના પહેલા દાયકામાં મોટાભાગના લોકતાંત્રિક રાષ્ટ્રોમાં આ શબ્દો લોકપ્રિય થયા હતા. વિશેષ કરીને સોવિયત સંઘમાં બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન તેને વેગ મળ્યો હતો, કારણ કે બોલ્શેવિક લોકો ફ્રેંચ ક્રાંતિથી બહુ પ્રભાવિત હતા.
પછી તો વર્ગીકરણમાં ઘણાં શેડ્સ ઉમેરાયા (જેમ કે સેન્ટરિસ્ટ, સેન્ટર લેફ્ટ, સેન્ટર રાઈટ, ફાર લેફ્ટ, ફાર રાઈટ વગેરે), પરંતુ વિસ્તૃત રૂપે બંને વચ્ચે એ જ ભેદ છે, જે ફ્રેંચ સંસદમાં હતો. આજે પણ, જે લોકો સરકાર વિરોધી (જનતાના અધિકારો તરફી) હોય તેને ડાબેરી કહેવાય છે, જે સરકાર તરફી (સરકારના અધિકારો તરફી) હોય તે જમણેરી કહેવાય છે.
ડાબેરીઓનું જોર સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારા, અધિકાર, પરિવર્તન, સુધાર અને આંતરરાષ્ટ્રીયતા પર હોય છે. જમણેરીઓનું જોર પરંપરા, સંસ્કૃતિ, કર્તવ્ય, સામાજિક દરજ્જો (વશયફિભિવુ), મુક્ત બજાર, ઑથોરિટી અને રાષ્ટ્રવાદ પર વધુ હોય છે. સરળ ભાષામાં કહેવું હોય તો, વૃદ્ધ પેઢી જે અમે સાચા છીએ અને કશું બદલવાની જરૂર નથીની માનસિકતાવાળી હોય છે એટલે તેને જમણેરી કહેવાય અને યુવાપેઢી જે વિદ્રોહી છે તે ડાબેરી કહેવાય. બીજા શબ્દોમાં, દરેક પિતા જમણેરી હોય છે અને તેનો દીકરો ડાબેરી હોય છે.
જે સત્તામાં છે તે વ્યવસ્થાને જાળવી રાખવાના પક્ષમાં હોય છે, જે જમણેરી માનસિકતા છે અને જે સત્તામાં નથી તે વ્યવસ્થામાં પરિવર્તન ઇચ્છતા હોય છે જે ડાબેરી માનસિકતા છે. એટલા માટે જ, ડાબેરી લોકો સત્તામાં આવી જાય પછી જમણેરી બની જાય અને જમણેરી સત્તામાંથી ફેંકાઈ જાય તો ડાબેરી બની જાય એવા પણ દાખલા છે.
એવું પણ બનતું હોય છે કે વ્યક્તિ અમુક મુદ્દા પર જમણેરી વલણ ધરાવતી હોય અને અમુક મુદ્દા પર ડાબેરી અભિગમ હોય. જમણેરી-ડાબેરીનું વર્ગીકરણ સતત બદલાતું રહે છે. આ શાયર નિદા ફાજલીના શેર જેવું છે: હર આદમી મેં હોતે હૈં દસ બીસ આદમી, જિસકો ભી દેખના જો કઈ બાર દેખના.
ઇનફેક્ટ, મનોવિજ્ઞાન કહે છે કે જમણેરી અને ડાબેરી વિચારધારાનો સંબંધ માત્ર રાજકીય વિચારો પૂરતો મર્યાદિત નથી, બલકે વ્યક્તિની માનસિકતામાં જ એવી વૃત્તિ પડેલી હોય અને પછી તે એ પ્રમાણે વિચારધારા પસંદ કરે છે. મનોવિજ્ઞાનીઓ માને છે કે વ્યક્તિની રાજકીય માનસિકતા તેના ઉછેર વખતે જ ઘડાય છે અને કંઇક અંશે વારસામાં પણ મળે છે.
દાખલા તરીકે, પુખ્ત વયના લોકો ઘણીવાર તેમના માતાપિતાના રાજકીય વલણને અપનાવે છે. જો કે, આ વલણમાં ઘણા અપવાદો છે અને આપણે બધાએ પારિવારિક પ્રસંગોનો અનુભવ કર્યો છે. જેમાં ઉગ્ર રાજકીય ચર્ચાઓ થઇ હોય.
૨૦૧૦માં, લંડનની યુનિવર્સિટી કૉલેજના મનોવૈજ્ઞાનિકોએ ૯૦ વિદ્યાર્થીના મગજનું એમઆરઆઈ સ્કેનિંગ કરીને ક્યા વિદ્યાર્થી રૂઢીચુસ્ત બનશે અને ક્યા ઉદારવાદી બનશે તેનું ભવિષ્ય ભાખ્યું હતું. જેમ કે, કટ્ટર રૂઢિચુસ્ત વલણ ધરાવતા વિદ્યાર્થીઓના મગજના જમણા હિસ્સામાં એમીગડાલાનો આકાર મોટો હતો. બીજી બાજુ, વધુ ઉદારવાદી માનસિકતા વાળા વિદ્યાર્થીઓના મગજમાં એન્ટેરિયર સિન્ગ્યુલેટનો આકાર મોટો હતો.
૨૦૧૬માં, સાયન્ટિફિક અમેરિકન નામની વૈજ્ઞાનિક પત્રિકાએ એવો પણ દાવો કર્યો હતો કે આપણા રાજકીય અભિપ્રાયો કદાચ જીન્સમાં જ વણાયેલા છે તેમાં ૨૦૧૪ના એક અભ્યાસને ટાંકવામાં આવ્યો હતો. તેમાં, પાંચ દેશોના ૧૨, ૦૦૦ જોડિયા લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે તમામ એક સાથે અને એક સરખા વાતાવરણમાં ઉછર્યા હતા. વૈજ્ઞાનિકોએ તેમાં નિષ્કર્ષ આપ્યો હતો કે તેમના રાજકીય વલણમાં વાતાવરણની ભૂમિકા ૬૦ ટકા હતી, જયારે જીન્સની ભૂમિકા ૪૦ ટકા હતી.
આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ, તેમાં એવી બાબતોને જોખમી માનીએ છીએ અને એ બધી જાણકારીને મનમાં કેવી રીતે પ્રોસેસ કરીએ છીએ, તેવો આધાર આપણા જીનેટિક વારસામાં હોય છે, એમ એક વૈજ્ઞાનિકે કહ્યું હતું.
લેફ્ટ-રાઈટનું આ વર્ગીકરણ અસ્તિત્વમાં આવ્યું, તે પછી દુનિયાએ ખૂબ પ્રગતિ કરી છે અને તે પહેલાં કરતાં વધુ જટિલ બની ગઈ છે, તેવા સંજોગોમાં રાજકીય-સામાજિક દૃષ્ટિકોણને એટલો સીમિત રાખવો ઉચિત છે? ૨૦૦૬માં, બ્રિટીશ વડા પ્રધાન જોહન મેજરે કહ્યું હતું કે વૈશ્ર્વિકરણના આ સમયમાં, આજની સમસ્યાઓને પરંપરાગત લેફ્ટ-રાઈટના ચશ્માંને બદલે ખુલ્લા અથવા બંધ અભિગમથી સમજવી જોઈએ.
ખુલ્લા-બંધના આ મોડેલમાં, ખુલ્લા વિચારવાળા મતદારો સાંસ્કૃતિક રીતે ઉદાર, બહુસંસ્કૃતિવાદી અને વૈશ્ર્વિકરણમાં માનતા હોય છે. બંધ વિચારવાળા મતદારો સાંસ્કૃતિક રીતે રૂઢીચુસ્ત, બીજી સંસ્કૃતિઓના વિરોધી અને વ્યાપાર વિરોધી (સંરક્ષણવાદી) હોય છે.