હરિભાઈનું હાર્ટ
મધુ રાયની વાર્તા -મધુ રાય
(ગતાંકથી ચાલુ)
એટલે મોઢામાં જરદાવાળું પાન હતું ઈ કાઢી કર્યા કોગળા, ને વાળી પલાઠી ને આંખું બંધ
કરી ને લીધું દુવારકાના નાથનું નામ. હલો? હલો? નોરમલી આવું કરે એટલે ભગવાન રિસપોન આપે, પણ આજે ભગવાન વ્યસ્ત હૈં? મારા વાલાને ડાઉટ આવી ગયો હસે કે હરિયો ડીફીકલ ક્વેશ્ચન પૂછવાનો છે? હેંહેંહેં, હરિભાઈ હશવા મંઈડા, ભગવાનને તો બધી ડિટેલ હેન્ડી હોય ને, ગાંડા, એને ડાઉટ બાઉટ ન હોય, એને તો હરિભાઈને સું વીચાર આવવાનો છે ઈ આઇડીયોયે એડવાન્સમાં હોય! ભગવાન કેને કિયેછ! અરે? ઓલી આવી! આંખું બંધ હતી હરિભાઈની, તોયે ગમ્મે એટલા ડિસ્ટનથીયે વઉના પગલાંની ખબર પડી જાતી હરિભાઈને.
પાછા તમારા વગદાવેડા માંયડા? નોરતાં ચાલુ થાય ને તમને જાણે માતાજી પંડમાં આવેછ. ગ્યે વખતેયે ભગવાન જાણે સું લવલવ કરતાતા.’
‘સેની વાત કરછ?’
‘કાં? ઓલો ને ડાબો પગ ને જમણ પગ ને મૂછુંનો સનેપાત ઊપયડોતો.’
‘ઈ બધી બઉ ડીપ વાતું છે, ડીયર!’ હરિભાઈ ટેસમાં આવે તો વઉને ડીયર કહી દેતા. ઓલીને ઈ ગમતુતું બઉવ્વ જ પણ ઉપર ઉપરથી ખિજાવાનો સો’ કરતી.
‘બે દિથી ગેસની ટાંકી ખલાસ થઈ ગઈ છે, તી લાવોને મને સીખવાડી દિયો ને, હું મગાવી લઉં.’
આહા! વઉની વઢ હરિભાઈને ભારી ગમતી. વઉનેયે હરિભાઈના આ પલાઠીના પોઝની ખબર હતી. ભગવાનની વિઝિટ લેવાની હોય ત્યારે હરિભાઈના ફેઈસ ઉપર એક જાતની લાઇટ આવી જતી. બિગિનિંગમાં હરિભાઈ ભગવાનને બહુ બોધર કરતા, બહુ બોધર કરતા. પણ પછી લગન થઈ ગ્યાં એટલે ભગવાન ઓછા યાદ આવતા. છોરાંઉ થિયા પછી તો મોસલી મનમાં યાદ કરી લ્યે, પણ ઇન્ટરવ્યુનું બોધોરેસન? મિનીમમ! રિટાયર થયા પછી ટાઇમ તો ટનબંધી મળતોતો પણ ખાસ કોઈ જિગનાસા રઈ નોતી. ઠીક છે, રિલેસન છે, ને કોક વાર વન્સીના બ્લુમૂન ભગવાન સાથે ફેસટુફેસ થઈ જાય. વઉ એને વગદાવેડા કેતી.
‘ડીયર, તને અધીયાત્મનું કાંઈ નોલેજ છે?’
‘સેનું?’ વઉએ એવી આંખું કાઢી કે હરિભાઈને છાતીમાં હોર્ન વાગવા માંડ્યાં.
તું કથા સાંભરવા જાછ એમાં મારાજ કોકવાર અધીયાત્મની વાત નથી કરતા?’
એવામાં ટપાલી આવ્યો ને વાત આગળ વધી નહીં. ને ભગવાને પણ કાંઈ દાદ દીધી નહીં એટલે હરિભાઈએ ગેસની ટાંકીવારાને ફોન જોડ્યો, ને પછી તો સાક લઈ આવો, ને મોબાઇલ રીચાજ કરી આવો ને એવા ઓડર બહાર પડ્યા ને હરિભાઈ બીઝી થઈ ગયા.
(૨)
સોરી ગગા!’ ભગવાને હરિયાને ઉઠાડ્યો.
ઓહ, આવો, આવો!’ હરિભાઈએ હાથ જોડ્યા. ગુડ મોરનિંગ!’
બપોરે તારે જે વાત કરવી હતી એને માટે પ્રોપર ટાઇમ નોતો.’ ભગવાને ખુલાશો કર્યો. એને માટે સપનું બેટર કહેવાય.’
અધીયાત્મની વાત કરો છો, ભગવાન?’
યસ. તું આત્માનું પૂછતોતો ને?’
જી, પરમાત્મા.’
આ આપણે વાત કરીએ છીએ ઈ સપનું છે, રાઈટ?’
સપનું, કરેક્ટ.’ હરિએ કહ્યું.
ઘણા લોકો કહે છે કે જીવન પણ એક સપનું છે, સમજ્યો?’ ભગવાને કહ્યું. એટલે આ આપણે જે વાત કરીએ છીએ તે સપનામાંયે સપનું ચાલે છે, યુ ફોલો?’
ઓહો, ઓલી અર્જુનના દીકરા ને પોપટની વાત કરો છો?’
ગગા, માઠું ના લગાડતો, પણ મનુષ્યની સમજણ બહુ લિમિટેડ છે, અને પોતાની મતિ મુજબ ઈ સંસારની લીલા જોયા કરે છે ને સરવાળા બાદબાકી કર્યા કરે છે. પહેલાંયે મેં તને કહેલું કે સૃષ્ટિ એવી વિરાટ છે, અને એમાં એવી એવી વસ્તુઓ છે, જીવો છે, કે તમને લોકોને એની કોઈ ખબર જ નથી, કે નથી ખબર પડવાની. તમારી પાંચ ઇન્દ્રિયોથી તમે જે જુઓ કે સૂંઘો એના ઉપરથી અડસટ્ટા લગાડ્યા કરો, ને જે ઘુરી ચડે ઈ નામ આપ્યા કરો, કે આને આત્મા કહેવાય ને આને પરમાત્મા.’
હા, આપણે અગાઉ આ ખુલાશો થઈ ગયો છે.’ હરિને ખાશ સીરિયસતા લાગી ભગવાનના અવાજમાં. પોતેયે પણ એકદમ શજાગ થઈ ગયો.
માનો કે તમારી પાસે એક વધારાની ઇન્દ્રિય હોય જે જેનો આજે અનુભવ કરી શકતા નથી, તેનો અનુભવ કરાવે. જેમકે અવાજનો રંગ દેખાય. માનો કે તમારા જેવા જ બીજા અનેક જીવો તમારી આજુબાજુ વસે છે, જેની આજે કે કદી તમને કલ્પનાયે આવવાની નથી. આજે તમે નેગેટિવ મેટરની વાતો કરો છો, કાલે નેગેટિવ સ્પેસ, નેગેટિવ ટાઇમ, નેગેટિવ લાઇફનો અંદાજ આવે. તો?’
સું?’ હરિયો ભગવાન સામું જોતો રહ્યો.
તું માને છે કે હું સાચેસાચ શંખચક્રગદાપદ્મ ધારણ કરીને ચોવીસે કલાક ફરતો હોઈશ? તું મને માણસના રૂપમાં જુવે છે, બીજા માણસો મને બીજા રૂપમાં ભજે છે, ને કેટલાય લોકો નિરંજન નિરાકાર માને છે. પણ વસ્તુત: તો બધી એ કલ્પના જ છે ને? ’
બરાબર.’ હરિની સાથે એક બે ખ્રિસ્તી જણ કામ કરતા હતા, ને પાડોસમાં એક મુસલમાનનો પ્રેસ હતો એટલે એ લોકોના ભગવાનનીયે હરિને માહિતી હતી.
પરમાત્માની જુદી જુદી કલ્પના કરેલી છે એમ આત્મા પણ તમારી લોકોની કલ્પના છે, ગગા! તમે લોકો સિનેમામાં કોકના ખોળિયામાંથી આત્માને નીકળતો બતાવો ત્યારે જાણે મરેલા માણસના જ આકારનું કાંઈક ભૂત જેવું એના ખોળિયામાંથી બહાર નીકળતું બતાવો.’
ઈ તો વસ્તુત: એક ટેકનીક છે, પરમાત્મા!’
એક્ઝેક્ટલી. ટેકનીક. સિનેમામાં અમિતાભ બચ્ચન મરી જાય એટલે સાચેસાચ થોડો જ મરી જાય છે? એક સમજવા ખાતર માની લે કે તમારી લોકોની આ દુનિયા મેં ઉતારેલી સિનેમા છે. ઓકે?
તમે કહો છો કે માણસ મરે તે ખાલી તમારી ટેકનીક છે? કે તમે કહો છો કે સિનેમામાં મર્યા પછી અમિતાભ કમ્પ્યુટરજી પાસે જાય છે તેમ આ દુનિયામાંથી મરીને માણસ તમારી પાસે જાય છે?’
હું કાંઈ કહેતો નથી, ગાંડા, તું કહે છે ને તમારા સંતો ને મારાજો કહે છે ને તમે લખેલાં શાસ્ત્રો કહે છે.’
તો સાચું શું છે?’
સાચું? તે બી તમે લોકો જ ભેદ કરો છો ને? સાચું ને ખોટું. તને ખબર છે કે સાયન્ટીસ્ટો હવે કહે છે કે માણસની સરખામણીએ માખીનો ટાઇમ ચારગણા સ્લો મોશનમાં વીતે છે? અરે જેમ જેમ મોટા થતા જાઓ તેમ તેમ ટાઇમ ધીમો પડતો જાય છે, એની ખબર છે?’
હરિયો ચૂપચાપ સાંભળતો હતો. મગજમાં બહુ ગોટાળા ચાલુ થઈ ગયા હતા. વિચાર સામસામા અથડાતા હતા. ભગવાન કાંઈક ઇમ્પોટન વાત કરતા હતા? કે એને વધારે ને વધારે મૂંઝવતા હતા? સપનું, સિનેમા, માખી ને ટાઇમ ઈ બધાને અધ્યાત્મ સાથે શી લેવાદેવા?
કાલે સવારે કોક ઊઠીને કહેશે કે મૃત્યુ એ માણસની સ્વાભાવિક નિયતિ નથી, વૃદ્ધાવસ્થા ફક્ત રોગ છે અને કાલે કે આજથી હજાર વર્ષ પછી મૃત્યુ આઉટ ઓફ ડેટ થઈ જાય તો? આજે સ્ત્રી ને પુરુષ એમ બે જાતિ છે અને કોઈક કુદરતના અકસ્માતથી બેલિંગી મનુષ્યો જન્મે તેને અસ્વાભાવિક ગણાય છે. માનો કે આજથી એક લાખ વરસમાં એવો સમો આવે કે પુરુષ કે સ્ત્રી તરીકે જન્મેલાં માણસ અસ્વાભાવિક કહેવાય ને બેને બદલે એક જ જાતિ થઈ જાય તો? કે બંને લિંગવાળી ત્રીજી જાતિ પણ પ્રચલિત થઈ જાય તો?’
ભગવાન, કાંઈક સમજાય એવું બોલો!’ હરિએ કહ્યુ.
દીકરા, તારે જેમ ગેસની ટાંકીની જરૂર છે, ટેલિફોન, સિનેમા, ઇલેક્ટ્રિક બધાની જરૂર છે, તેમ આત્મા, પરમાત્મા ને આધ્યાત્મની જરૂર છે, કેમકે તમારે જિંદગી ચલાવવી છે. એમ તમે લોકો અથવા તો તમારા સંતો, ને સાયન્ટીસ્ટો સતત આ સંસારના મહાઉત્પાતમાંથી સાર શોધ્યા કરે છે, સતત ગોઠવ ગોઠવ કરે છે, આ સાચું, આ ખોટું એમ મથ્યા કરે છે. પણ હવે તું જાગીશ ત્યારે આ સપનું હોવાનો ખ્યાલ આવશે. એમ તું મારી પોજીસનમાં આવીને જુએ તો ખ્યાલ આવે કે આ બધું સપનું છે કે સિનેમા છે.’
પણ હજી અધ્યાત્મનો ખુલાશો થયો નથી, પરમાત્મા.’
દીકરા, ગેસ ને ટેલિફોન ને સિનેમા, ને માખી ને મૃત્યુ, ને મનુષ્યની જાતિ એ બધી વસ્તુઓ ગૌણ છે. એ બધાથી પર થઈને તું દુનિયાને જોતો થાય તો તે અધ્યાત્મ છે.’
ને મર્યા પછી આત્માનું શું થાય છે, પરમાત્મા?’
તું સ્વર્ગ ને નરકની વાત કરતો હોય તો એ બધી તમારા લોકોએ ઊભી કરેલી ટેક્નિક છે. તમે કાંઈ ખરાબ કામ કરો તો તે ખરાબ કામ કરવા જેટલા નીચા થયા તે જ નર્ક છે. એવા નીચા હોવું એ જ ખરાબ કામની સજા છે, અને સારા કામ કરવા જેટલા ઊંચા થાઓ, એ જ સારા હોવું એ જ, સારા હોવાનો સરપાવ છે.’
હરિને હવે ઉઘાડ થયો. સિનેમા ને માખી બાખીથી પર થવું તે, સારા અને ખરાબથી નિસ્પૃહ હોવું તે જ અધ્યાત્મ છે.
કરેક્ટ. પણ ગગા, ભૂલતો નહીં કે આ તું જે સમજ્યો તે પણ તારી પોતાની સમજણ માટે ગોઠવેલું એક સપનું છે.’ કહીને ભગવાને એક સ્માઇલ આપ્યું. શંખચક્રગદાપદ્મના વેશમાંથી અચાનક ભગવાનના હાથમાં ધનુષ બાણ દેખાયાં. હરિયો આંખો પટપટાવે ત્યાં પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.
હરિએ મનોમન દોહરાવ્યું, હું જે સમજ્યો તે પણ એક સપનું છે. સાચું ખોટું રામ જાણે.
૩
હરિભાઈ સહેજ જાગ્યા તો જોયું કે વહુના હાથપગ પણ એની આસપાસ વીંટો વાળીને ભિડાયેલા હતા. હજી નીંદર પૂરેપૂરી ઊડી નહોતી. વહુના હાથ સહેજ હાલ્યા. સહેજ પોઝ બદલાયો. વહુએ હરિભાઈની ચિબુકે આંગળીઓ ફેરવીને પૂછ્યું,
પછી ફોડ પયડો?’
હરિભાઈને થયું આને યે અધ્યાત્મ કહેવાય કે નહીં?
સેનો ફોડ?
ઓલું સું પૂછતા હતા અધ્યાત્મનું?’
હરિભાઈને જવાબ સું દેવો એની બેફલ થઈ ગઈ. તોયે જવાબ દઈ દીધો.
વસ્તુત: એ એક ટેક્નિક છે, ડીયર!’