IPL 2024સ્પોર્ટસ

NZ vs Pak: ડકવર્થ લુઇસ નિયમના આધારે પાક.નો ન્યૂઝિલેન્ડ સામે વિજય

બેંગલૂરુ: પાકિસ્તાને શનિવારે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ન્યૂઝિલેન્ડને ૨૧ રનથી હરાવ્યું હતું. ન્યૂઝિલેન્ડે પચાસ ઓવરમાં ૪૦૧-૬નો સ્કોર કર્યો હતો. પાકિસ્તાનના ઓપનર ફખર જમાને અણનમ ૧૨૬ રન કર્યા હતા. કેપ્ટન બાબર આઝમે ૬૩ બોલમાં અણનમ ૬૬ રન કર્યાં હતાં. ૨૫.૩ ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ૨૦૦/૧ હતો. તે પછી વરસાદના કારણે રમત થઇ શકી ન હતી અને પાકિસ્તાનનો ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ૨૧ રનથી વિજય થયો હતો. પાકિસ્તાનને બે પોઇન્ટ મળ્યા હતા. સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની તક હવે ઉજજવળ બની છે. ન્યૂઝિલેન્ડ સતત ચોથી મેચ હાર્યું છે. ન્યૂઝિલેન્ડના ટીમ સાઉધીએ એક વિકેટ લીધી હતી.

પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ૪૦૧/૬નો જંગી સ્કોર કર્યો હતો. જેમા રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનની જોડીએ ૧૪૨ બોલમાં ૧૮૦ રન કર્યાં હતા. છેલ્લી ત્રણ મેચ ગુમાવ્યા પછી ન્યૂઝીલેન્ડનો કમ બેક ખૂબ જ નોંધપાત્ર હતો. રવિન્દ્રએ ૯૪ બોલમાં ૧૦૮ અને વિલિયમસને ૭૯ બોલમાં ૯૫ રન કર્યાં હતા. વર્તમાન વિશ્ર્વકપમાં બીજી વાર ૪૦૦ રનનું સીમાચિન્હ પાર કરાયું હતું. આ અગાઉ નવી દિલ્હીમાં શ્રીલંકા સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાએ ૪૦૦થી વધુ રન કર્યાં હતા.

ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી રવિન્દ્ર અને ડેવન કોનવેએ ૬૮ રનની ભાગીદારી કરી હતી તે પછી વિલિયમસને રવિન્દ્ર સાથે ભાગીદારી કરી ટીમને જબરદસ્ત સ્કોર પર પહોંચાડી હતી. દર્શકોના ‘રચિન, રચિન’ સૂત્રોચ્ચાર વચ્ચે રચિને સદી કરી હતી. અહમદની બોલમાં બાઉન્ડરી ફટકારવા જતા લોન્ગઑન પર વિલિયમસન ફખર જમાનને કેચ કર્યો હતો. માર્ક ચેપમેન અને ડેરિલ મિચેલ ૩૨ બોલમાં ૫૭ રનની ભાગીદારી કરી હતી. ગ્લેન ફિલિપ્સે ૨૬ બોલમાં ૪૧ રન કર્યા હતા. છેલ્લી ૧૦ ઓવરમાં ન્યૂઝીલેન્ડે ૧૧૪ રન કર્યાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button