‘ગુજરાતીઓ ઠગ હોય છે’: તેજસ્વી યાદવે માનહાનિ કેસમાં સુપ્રીમનું લીધું શરણ
અમદાવાદ: બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ‘ગુજરાતીઓ ઠગ હોય છે’ તેવી કથિત ટિપ્પણીના મામલે તેમની સામે થયેલો માનહાનિનો કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરાવવા અરજી આપી હતી. જેની સુનાવણી 6 નવેમ્બરે યોજાય તેવી શક્યતા છે.
તેજસ્વી યાદવે અમદાવાદમાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં કાર્યવાહીમાં હાજરીમાંથી તેમને મુક્તિ અપાય તેવી માંગ કરી હતી, મેટ્રોપોલિટન કોર્ટે માનહાનિના કેસમાં 22 સપ્ટેમ્બરે તેમને સમન્સ પાઠવ્યું હતું. જો કે તેમની સુપ્રીમની અપીલ સામે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી આ મામલો ઉઠાવ્યો નથી અને કોઈ નિર્દેશ આપ્યો નથી, તેથી ટ્રાયલ કોર્ટે યાદવની ગેરહાજરીમાં પણ કેસની સુનાવણી ચાલુ રાખવી જોઈએ. નીચલી અદાલતે 2 ડિસેમ્બરે કેસને આગળની સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે.
તેજસ્વી યાદવે સુપ્રીમમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત સમક્ષ તેમની ટ્રાન્સફર અરજીની સુનાવણી 6 નવેમ્બરે થવાની શક્યતા છે, અને માગણી કરી હતી કે તેમના વકીલની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આ અંગે કોઈ વાંધો ઉઠાવવામાં ન આવે. તેઓ પોતે કાયદાનું પાલન કરનાર નાગરિક છે અને નાયબ મુખ્યપ્રધાન પદ પર હોવાને કારણે સામાન્ય જનતાના કલ્યાણલક્ષી કામગીરીઓ તથા અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી.