અર્જુન કપૂરની ‘ધ લેડી કિલર’નો ધબડકો, બોક્સ ઓફિસ પર પૂરી 300 ટિકિટ પણ વેચાઇ નહિ!
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ધ લેડી કિલર’ ગઇકાલે કોઇ જ પ્રકારના શોરબકોર વગર ફક્ત રિલીઝ કરવા ખાતર રિલીઝ થઇ. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું, જેના પરથી તો એવું લાગતું હતું કે ફિલ્મમાં એક સરસ મજાની મર્ડર મિસ્ટ્રીની કથા હશે, જો કે રિલીઝ બાદ તો થિયેટરમાં સમ ખાવા પૂરતુ એક ચકલું ય ફરક્યું નથી.
જે રીતે ફિલ્મને ગૂપચૂપ રિલીઝ કરી દેવામાં આવી તેને જોતા લાગે છે જાણે ફિલ્મના કલાકારો, નિર્માતાઓને ફિલ્મ થિયેટરમાં કેવો બિઝનેસ કરે છે તે વિશે કંઇ પડી જ ન હતી. ન તો અર્જુન કે ન તો ભૂમિએ તેનું ટ્રેલર સોશિયલ મીડિયામાં શેર કર્યું, ન તો ફિલ્મ વિશે ખાસ કોઇ ચર્ચા થઇ. જાણે OTTની શરતો પૂરી કરવા ખાતર જ તેને થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી.
એક મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મની પહેલા દિવસે માંડ 293 ટિકિટ વેચાઇ હતી. અને કમાણીનો આંકડો જાણીને હસવું આવશે, ફક્ત 38 હજાર રૂપિયા! કદાચ કોવિડકાળ બાદથી આજ સુધી સૌથી ઓછી કમાણીનો આ ફિલ્મે રેકોર્ડ બનાવી લીધો છે!
રિચા ચડ્ઢા, અક્ષય ખન્નાને લઇને ‘સેક્શન 375’ ફિલ્મ બનાવનારા અજય બ્હેલે આ ફિલ્મ બનાવી છે. મલ્ટીપ્લેક્સ તો ઠીક સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પણ આ ફિલ્મને ખાસ રિસ્પોન્સ મળી નથી રહ્યો. માનવામાં આવી રહ્યું છે કે રવિવાર બાદ તેને હટાવી લેવાશે અને ત્યારબાદ OTT પર રિલીઝ કરી દેવામાં આવશે.