UP STF દ્વારા શિવસેનાના પૂર્વ ધારાસભ્યની ધરપકડ…..
લખનઊ: શિવસેનાના પૂર્વ ધારાસભ્યની યુપી પોલીસની એસટીએફ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના જમીનની છેતરપિંડી સાથે જોડાયેલો છે. યુપી પોલીસનું કહેવું છે કે એક મહિલાએ નકલી દસ્તાવેજો દ્વારા 8 કરોડની જમીનને ફક્ત 20 લાખમાં હડપી લેવાનો આરોપ ધારાસભ્ય પર લગાવ્યો હતો. પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
1990ના સમયમાં રામ મંદિર આંદોલન દરમિયાન પવન પાંડેએ આંબેડકર નગર જિલ્લાની અકબરપુર વિધાનસભા સીટથી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારે એક વર્ષ જૂની ઘટનામાં પવન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. હાઈ કોર્ટના આદેશ પર UPSTFએ 2022માં કેસ નોંધ્યો અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ શુક્રવારે સાંજે UPSTFએ આંબેડકર નગરના અકબરપુર કોતવાલીમાંથી પાંડેની ધરપકડ કરી હતી.
ચંપા દેવી નામની મહિલાએ આંબેડકર નગરના અકબરપુર કોતવાલી ખાતે 5 જૂન 2022ના રોજ પવન પાંડે, મુકેશ તિવારી, ગોવિંદ યાદવ સહિત 12 લોકો વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. પરંતુ તેની એફઆઇઆર પર એક્શન ઘણા સમય બાદ લેવામાં આવ્યું હતું. ધારાસભ્ય પર આરોપ છે કે અકબરપુર-બસખારી નેશનલ હાઈવે પર આવેલી 8 કરોડ રૂપિયાની જમીન હડપ કરવા માટે પવન પાંડે અને તેના સહયોગીઓએ મળીને પીડિતાના પુત્રની પત્ની તરીકે કોઇ ભળતું જ નામ નોંધાવ્યું હતું. આ દરમિયાન કાગળોમાં બારાબંકીથી બનેલા આર્ય સમાજ મંદિરના નકલી પ્રમાણપત્રો મૂકવામાં આવ્યા હતા. તે પછી તેણે પીડિતાના પુત્રને ડ્રગ્સનો આદી બનાવી દીધો અને ઓગસ્ટ 2020માં પવન પાંડેએ તેની કિંમતી જમીન તેના નજીકના મિત્ર મુકેશ તિવારીના નામે 20 લાખ રૂપિયામાં રજીસ્ટર કરાવી દીધી હતી.
એફઆઇઆરમાં ખાસ લખવામાં આવ્યું હતું કે પહેલા બારાબંકીના સફેદાબાદ આર્ય સમાજ મંદિરમાં તેમના પુત્ર અજય સિંહનું નકલી લગ્ન પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. માત્ર 2 કલાક બાદ જ પુત્રનો શંકાસ્પદ સંજોગોમાં અકસ્માત થયો હતો. જે બાદ UPSTFએ પવન પાંડેની ધરપકડ કરી હતી.