ફ્લાવર પોટ ચોરવાનો, નફરત ફેલાવવાનો આરોપ, હવે ‘કોબ્રા કાંડ’માં નામ…
એલ્વિશ યાદવના વિવાદોની લાંબી યાદી
નવી દિલ્હીઃ જાણીતા યુટ્યુબર અને બીગ બોસ ઓટીટીના વિજેતા એલ્વિશ યાદવનું નામ ફરી એકવાર વિવાદમાં છે. વિવાદ એટલો બધો વધી ગયો છે કે મામલો તેની ધરપકડ સુધી પહોંચી ગયો છે. આ મામલો રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી સાપના ઝેરના ગેરકાયદેસર સપ્લાય સાથે સંબંધિત છે. સામાન્ય લોકો માટે રેવ પાર્ટીમાં સાપના ઝેરનો નશાની વાત બહુ જ આશ્ચર્યજનક લાગે પણ રેવ પાર્ટીઓમાં આવા નશા કરવા ઘણા કોમન છે અને ધનાઢય પરિવારના નબીરાઓમાં અને રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો નશાનો ઉપયોગ ઘણો જ સામાન્ય છે. હવે આવા જ મામલામાં એલ્વિશ યાદવ ફસાયો છે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે એલ્વિશ યાદવ વિવાદમાં ફસાયો હોય. આ પહેલા પણ એલ્વિશનું નામ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યું છે. ફ્લાવરપોટની ચોરીનો મામલો, વાસણની ચોરીનો મામલો હોય કે પછી સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ હોય, એલ્વિશનું નામ ઘણા વિવાદોમાં સપડાયું છે. એલ્વિશ પર સોશિયલ મીડિયા દ્વારા સાંપ્રદાયિકતા ફેલાવવાનો પણ અનેક વખત આરોપ લગાવવામાં આવ્યો છે. પહેલા આપણે ફ્લાવર પોટ વિવાદ વિશે જાણીએ.
G-20 સમિટ વખતે ગુરુગ્રામમાં રસ્તા પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફ્લાવરપોટ્સની અને તેમના છોડવાઓની ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હરિયાણા પોલીસે આ કેસમાં મનમોહન યાદવ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, પરંતુ ફોટા અને વીડિયો શેર કરતી વખતે લોકોએ દાવો કર્યો હતો કે પોટ્સ ચોરવા માટે જે કાર ઉપયોગમાં લેવામાં આવી હતી, તે કાર એલ્વિશ યાદવની હતી. એલ્વિસની કારનો નંબર અને વીડિયોમાં ચોરનું વાહન, વાહનનો રંગ અને એનો નંબર સેમ હતો. જોકે, એલ્વિશે બાદમાં સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે ફ્લાવર પોટની ચોરી સાથે તેનો કોઈ સંબંધ નથી.
હવે આપણે એલ્વિશના ‘કોબ્રા કાંડ’ વિશે જાણીએ
પ્રાણીઓના કલ્યાણ માટે કામ કરતી એનજીઓ પીપલ્સ ફોર એનિમલ્સ (પીએફએફ)ને ઘણા સમયથી એવા સમાચાર મળી રહ્યા હતા કે દિલ્હી NCRમાં આવી કેટલીક રેવ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં અમીર લોકો નશામાં આવવા માટે સાપના ઝેરનો પણ ઉપયોગ કરે છે. આ બાબત જેટલી ખતરનાક હતી એટલી જ આઘાતજનક હતી. પીએફએફની એક ટીમ લાંબા સમયથી આ રહસ્યને ઉઘાડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ હતી કે પીએફએફના જાણકારો સતત કહેતા હતા કે આવી રેવ પાર્ટી પાછળ સોશિયલ મીડિયા પર એક પ્રખ્યાત ચહેરો છે, જેના લાખો ફોલોઅર્સ છે. તે માત્ર આ પ્રાણીઓની દાણચોરીના રેકેટ સાથે જ નહીં, પરંતુ ઝેરી રેવ પાર્ટીઓના સાંઠગાંઠ સાથે પણ જોડાયેલો છે.
આ મામલો ઘણો ગંભીર હતો, તેથી પીએફએફે પણ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આ મામલાને લગતા પુરાવા એકત્ર કરવાનું નક્કી કર્યું અને આ સંદર્ભમાં એક સ્ટિંગ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફસાયેલા એક એજન્ટે એવા ખુલાસા કર્યા હતા કે પીએફએફની ટીમ પણ તે સાંભળીને ચોંકી ઉઠી હતી. આ એજન્ટે પોતાને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવનો ખાસ માણસ હોવાનું જાહેર કર્યું એટલું જ નહીં, માત્ર એલ્વિશનું નામ લઈને, તે સાપ અને તેના ઝેરના કન્સાઈનમેન્ટ સાથે કોઈપણ રેવ પાર્ટીમાં હાજરી આપવા માટે પણ સંમત થઈ ગયો. વાતમાં અસલી ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે છટકું ગોઠવીને એજન્ટને ફસાવવાની કોશિશ કરી રહેલા પીએફએફના કાર્યકર્તાઓના બોલાવવા પર એજન્ટ 9 અલગ અલગ જાતના સાપ અને 20 મિલી. સાપનું ઝેર લઇને તુરંત આવી પહોંચ્યો. બસ અહીંથી જ સાપના ઝેરની રેવ પાર્ટીઓનો પર્દાફાશ થયો.
આ મામલે નોઈડા પોલીસે એજન્ટ સહિત કુલ 5 લોકોને સાપ અને તેના ઝેર સાથે પકડ્યા હતા. આ સંબંધમાં નોંધાયેલી એફઆઈઆરમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું છે. એફઆઈઆરમાં આરોપી તરીકે એલ્વિશનું નામ છે અને પોલીસ તેને શોધી રહી છે. એલ્વિશ ગભરાઇ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ પોતાને બચાવવા માટે અપીલ કરી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCBના અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગની રેવ પાર્ટીઓમાં નશા માટે માત્ર કોબ્રા સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. કોબ્રા સાપ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને મદારીઓ તેને સરળતાથી પકડી લે છે. પહેલા તેમના ઝેરને બહાર કાઢવામાં આવે છે, તેને સૂકવીને પાઉડર બનાવવામાં આવે છે અને પછી તેને દારૂ કે અન્ય પીણામાં ભેળવવામાં આવે છે. કોબ્રાના ઝેરમાંથી બનેલી દવાની એક બેચની કિંમત 20 થી 25 હજાર રૂપિયાની આસપાસ છે. કોબ્રા ઝેરની કિંમત લાખોમાં છે અને તેના ઝેરથી થતો નશો ઘણા દિવસો સુધી રહે છે.
જોકે, સાપના ઝેરથી નશો કરવાનો ચસકો માત્ર ભારતમાં જ જોવા મળે છે.