નેશનલમનોરંજન

સાપના ઝેરથી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો…

લખનઊઃ રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો નશા તરીકે ઉપયોગ થતો હોવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ફેમસ યુટ્યુબર અને બીગ બોસ ઓટીટીનો વિજેતા એલ્વિશ યાદવ આ મામલામાં વિવાદોમાં ફસાયેલો છે. આ વિવાદ રેવ પાર્ટીઓમાં ઝેરી સાપના ઝેરના ગેરકાયદેસર સપ્લાય સાથે સંબંધિત છે.

2 નવેમ્બરે નોઈડા પોલીસે વન વિભાગ સાથે મળીને દરોડો પાડ્યો હતો અને 9 સાપ સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. 9 માંથી 5 સાપ કોબ્રા છે જે ખૂબ જ ઝેરી સાપ છે. આ સિવાય પોલીસે તેમની પાસેથી એક અજગર અને એક અન્ય સાપ પણ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી 20ml સાપનું ઝેર પણ કબજે કર્યું છે.

આરોપીની ધરપકડ બાદ થયેલા ખુલાસામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે NCRમાં યોજાતી રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મામલામાં બીજેપી નેતા મેનકા ગાંધીના એનજીઓએ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે આ કેસમાં એલ્વિશ યાદવે જ રાહુલ નામના વ્યક્તિનો નંબર આપ્યો હતો.

અહીં આપણને સહેજે એવો સવાલ થાય કે સાપના ડંખના ઝેરથી તો વ્યક્તિનું મૃત્યુ થાય, તો પછી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે યુવાનો સાપના ઝેરનો ઉપયોગ કેવી રીતે કરે છે? તમારા આ સવાલનો જબાબ અમે તમને આપીશું.
હકીકત એ છે કે દેશમાં માત્ર 30 ટકા સાપ જ ઝેરી જોવા મળે છે. આમાંથી કેટલાકનું ઝેર મગજ પર સીધી અસર કરે છે અને પેરાલિસિસનો હુમલો કરે છે. જ્યારે કેટલાકના ઝેરની લોહી પર અસર થાય છે અને લોહી જામવા લાગે છે.


સામાન્ય રીતે નશા માટે જે સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે તે મગજને અસર કરે તેવું હોય છે. સાપના ઝેરનો નશો કરતી વખતે ખૂબ કાળજી લેવામાં આવે છે, ખાસ કરીને ઝેરની માત્રા બહુ હળવી હોય તેની ખાતરી કરવામાં આવે છે. ઝેરમાં કેટલાક અન્ય રસાયણો પણ ઉમેરવામાં આવે છે, જેથી ડોઝ હળવો રહે અને વ્યક્તિ નશામાં હોય અને થોડા કલાકો માટે તેનું મગજ સુન્ન થઈ જાય. વધુ માત્રાનો ડોઝથી શરીરના અંગો પર લકવાનો હુમલો થઇ શકે છે.જ્યાં સુધી કોબ્રા અને વાઇપરનો સંબંધ છે, તેમનું ઝેર લોહીને જમાવે છે.

સાપના ઝેરમાંથી બનેલો નશો અન્ય નશા કરતાં વધુ મજબૂત હોય છે અને તેની અસર પણ ઘણી ખતરનાક હોય છે. તેના ઓવરડોઝથી મૃત્યુ પણ થઈ શકે છે.

રેવ પાર્ટીઓમાં કેટલાક પૈસાદાર નબીરાઓ શરીર પર સીધો જ સાપનો ડંશ લેવાનું પસંદ કરે છે તો કેટલાક સાપમાંથી બનાવેલી નશાકારક વસ્તુઓનો સહારો લે છે, તેથી જ રેવ પાર્ટીઓમાં મદારીઓને બોલાવવામાં આવે છે. તેઓ સાપના ઝેરની કે સર્પદંશની મનફાવે તેવી ઊંચી કિંમત વસુલે છે.


સાપના ઝેરના એક ટીપાની કિંમત લાખોમાં હોઈ શકે છે. આવી સ્થિતિમાં લોકો સાપના ઝેરમાં કેટલાક કેમિકલ ભેળવીને તેનો ઉપયોગ કરે છે. કોબ્રાનું ઝેર સૌથી મોંઘુ વેચાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button