મુંબઈ, પુણે, અહમદનગરથી બીડ સુધી મરાઠા આરક્ષણની આગ
મહારાષ્ટ્રમાં 12 દિવસમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે મરાઠા આંદોલનમાં થયેલા મૃત્યુના આંકડા રજૂ કર્યા હતા જેમાં 20 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીના 12 દિવસના સમયગાળામાં મરાઠા આરક્ષણને કારણે 19 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 20 ઓક્ટોબરથી જ અનામત આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
સીઆરપીસીની કલમ 41 હેઠળ 146 આરોપીઓને નોટિસ જારી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં બીડ જિલ્લામાં વિરોધીઓ દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ સોલંકી અને સંદીપ ક્ષીરસાગરના ઘરોને આગ પણ ચામપવામમાં આવી હતી. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં કેટલાક વિરોધીઓએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. સોમવારે આંદોલનકારીઓના જૂથે બીડ જિલ્લાના માજલગાંવમાં મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગના પહેલા માળે આગ લગાવી અને પથ્થરમારો કર્યો હતો. બીડ જિલ્લામાં સીઆરપીસી(કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર)ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
હાલમાં બીડ જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF)ની એક કંપની તહેનાત કરવામાં આવી છે અને છત્રપતિ સંભાજી નગર (ગ્રામીણ), જાલના અને બીડમાં ઈન્ટરનેટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ડીજીપીએ જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન, વિરોધીઓએ રાજ્યભરમાં 12 કરોડ રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું છે.
એનસીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે સરકારની અયોગ્ય કામગીરીને કારણે મહારાષ્ટ્ર આટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકારને પેરાલીસીસ હોય તેવું લાગે છે અને પરિણામે ન તો મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાન કોઇ નિર્ણય લઇ શકતા નથી.
ઉલ્લેખનીય છે કે આત્મહત્યા અને હિંસામાં વધારાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જરાંગે-પાટીલને તેમના ઉપવાસને સમાપ્ત કરવા સમજાવવા માટે બે નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કરી હતી. કોંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું કે 12 દિવસના ટૂંકા ગાળામાં આટલા નિર્દોષ લોકોએ આત્મહત્યા કરવી એ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. મને નવાઈ લાગી એ બાબતની લાગે છે કે સરકાર તરફથી મરાઠાઓને અનામત આપવા અંગે નિર્ણય લેવામાં આટલો વિલંબ કેમ થાય છે.
આત્મહત્યા કરનારાઓમાંથી 16 લોકો મરાઠવાડાના હતા, જ્યારે એક-એક ઉપનગરીય મુંબઈ, પુણે અને અહમદનગરના હતા. તેમજ મહારાષ્ટ્રમાં આ વર્ષના પ્રથમ દસ મહિનામાં એકલા બીડ જિલ્લામાં 185 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.