બળાત્કાર કેસમાં પીડિતાની જુબાની કોર્ટ માટે પૂરતો પુરાવો છે પણ…
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે રેપ કેસમાં તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. કોર્ટ બળાત્કારના આરોપી પર સુનાવણી કરતા કહ્યું હતું કે દેશનો કાયદો કહે છે કે બળાત્કાર પીડિતાની જુબાનીને સાચી માને તો આરોપીને દોષિત ઠેરવવા માટે અને તેને કાયદાકીય રીતે સજા આપવા માટે પૂરતી છે.
પરંતુ આ કાયદાકીય સિદ્ધાંત માત્ર કોર્ટને જ લાગુ પડે છે. તે કોઈ તપાસ એજન્સીને લાગુ પડતે નથી. બળાત્કારના આરોપીને જામીન આપતાં એડિશનલ સેશન્સ જજ વિજય કુમાર ઝાએ કહ્યું હતું કે આનો અર્થ એ નથી કે બળાત્કાર પીડિતાનું નિવેદન સીઆરપીસીની કલમ 164 હેઠળ ચાર્જશીટ દાખલ કરવા માટે પૂરતું છે જો બળાત્કાર પીડિતાના નિવેદનને જ સાચું માનીને ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવે તો તપાસ એજન્સી બળાત્કારના મામલાની તપાસ કરવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. અને એટલે જ પીડિતાની જુબાની બાદ પણ તપાસ એજન્સીઓએ તમામ પ્રકારના મુદ્દા ધ્યાનમાં રાખીને તપાસ કરવી જોઇએ.
મહિલાનો આરોપ છે કે યુવકે લગ્નના બહાને તેના ડ્રિંકમાં નશો ભેળવીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે કોર્ટના અંતરાત્મા કકળી ઊઠે છે. જ્યારે બળાત્કાર જેવા કેસમાં તપાસમાં સાવ ઢીલાશ દેખાય છે, અહી ઉપસ્થિત બધાને જાણ છે કે બળાત્કારની સજા 10 વર્ષની છે અને કોર્ટ ઇચ્છે તો તેને આજીવન કેદમાં પણ બદલી શકાય છે અને તે જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે.
તેમજ બળાત્કારની સજા બિનજામીનપાત્ર છે. કોર્ટે ખૂબજ કડક શબ્દોમાં કહ્યું હતું કે તપાસ અધિકારીએ તેમની ચાર્જશીટમાં ફરિયાદીની દરેક હકીકતની તપાસ કરવી જ પડશે. કોઇપણ પ્રકારની તપાસ કર્યા વગર જ જે રીતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકીને કોર્ટે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે બળાત્કારના એક કેસમાં કહ્યું હતું કે પીડિતાએ આપેલા તમામ પુરાવાઓ પર મુખ્ય વિચારણા કરવી જોઈએ, પરંતુ તેનો મતલબ એ નથી કે પીડિતાના પુરાવાને સ્વીકારી લેવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તપાસ અધિકારીએ દરેક બાબતનું વિશ્લેષણ કરવું જોઈએ. કોર્ટે ખાસ એવા શબ્દો કહ્યા હતા કે સાક્ષી જૂઠું બોલી શકે છે પરંતુ સંજોગો ન બોલી શકે.