વસુંધરા રાજેએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો આપ્યો સંકેત
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને સીએમના ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. દરમિયાન શુક્રવારે રાજેએ ઝાલાવાડમાં રાજકારણ છોડવાનો સંકેત આપીને ચોંકાવી દીધા હતા. અહીં તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહનું ભાષણ સાંભળ્યા બાદ રાજેએ ભાજપની રેલીને સંબોધિત કરી હતી. એ સમયે તેમણે કહ્યું હતું કે, મારા પુત્રની વાત સાંભળીને મને લાગે છે કે મારે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. રાજેએ આગળ કહ્યું હતું કે, તમે બધાએ તેને એટલી સારી તાલીમ આપી છે કે હવે મારે તેને આગળ કરવાની જરૂર નથી. તમામ ધારાસભ્યો અહીં છે અને મને લાગે છે કે તેમના પર નજર રાખવાની જરૂર નથી. કારણ કે તે પોતાના દમ પર લોકો માટે કામ કરશે.
નોંધનીય છે કે રાજસ્થાનમાં 200 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં 25 નવેમ્બરે મતદાન છે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે. પૂર્વ સીએમ વસુંધરા રાજે શનિવારે ઝાલાવાડ વિધાનસભા મતવિસ્તારથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા શુક્રવારે તેમણે પાર્ટીની રેલીને સંબોધિત કરી હતી. અહીં રાજેના પુત્ર અને ઝાલાવાડ-બારણ લોકસભા સીટના સાંસદ દુષ્યંત સિંહ પણ રેલીમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
તેમણે સભાને પણ સંબોધી હતી. ભાજપે રાજસ્થાનમાં આ વખતે પોતાનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કર્યો નથી. છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણીમાં રાજેની ભૂમિકા અંગે અટકળો ચાલી રહી છે. રાજે પાંચ વખત સાંસદ અને ચાર વખત વિધાન સભ્ય રહી ચૂક્યા છે.
શુક્રવારે મળેલી બેઠકમાં તેમણે છેલ્લા ત્રણ દાયકામાં આ વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. રાજેએ રોડ, વોટર સપ્લાય પ્રોજેક્ટ, એર અને રેલ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘આજે લોકો પૂછે છે કે ઝાલાવાડ ક્યાં છે? લોકો અહીં રોકાણ કરવા માંગે છે.’
રાજેએ કહ્યું હતું કે, ‘મારા પુત્રની વાત સાંભળીને હવે મને લાગે છે કે હું નિવૃત્તિ લઈ શકું છું.’ તેમણે કહ્યું હતું કે, લોકોએ ‘સંસદ સાહેબ’ને યોગ્ય તાલીમ અને પ્રેમ આપ્યો છે અને તેમને સાચા માર્ગ પર રાખ્યા છે. મારે તેની ચિંતા કરવાની જરૂર નથી. રાજેએ સરકારી ભરતીના પ્રશ્નપત્ર લીકની ઘટનાઓ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘રાજસ્થાન ત્યારે જ ફરીથી નંબર વન રાજ્ય બનશે જ્યારે લોકો ભાજપને આગળ લઈ જવા માટે કામ કરશે.’