ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો, 130થી વધુના મોત, હજારો ઘાયલ

નવી દિલ્હી: શુક્રવારે મોડી રાત્રે નેપાળના પશ્ચિમ ભાગમાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે, શનિવારની  વહેલી સાવરે મળેલા અહેવાલ મુજબ ૧૩૦ વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઈ હતી..

મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે રાત્રે 11 વાગીને 32 મિનીટ અને 54 સેકન્ડે નેપાળના પશ્ચિમ ભાગમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળની રાજધાની કાઠમંડુથી 331 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત જાજરકોટમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

આ જોરદાર ભૂકંપના લગભગ એક કલાકની અંદર બીજો આંચકો અનુભવાયો હતો. જો કે બીજી વખતે ભૂકંપની તીવ્રતા પહેલા કરતા ઓછી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાત્રે 12 વાગીને 14 મિનીટ પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 3.5 નોંધાઈ હતી.

અહેવાલો મુજબ ભૂકંપની સૌથી વધુ અસર રૂકુમ પશ્ચિમ અને જાજરકોટ થઇ છે.નેપાળના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રૂકુમ પશ્ચિમમાં 35 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે જાજરકોટ જિલ્લામાં 90 થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપ બાદ સ્થાનિક સરકાર, સુરક્ષા એજન્સીઓ, રાજકીય પક્ષો અને સ્થાનિક યુવાનોએ રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ઘાયલોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. નેપાળના વડાપ્રધાન કાર્યાલએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે શુક્રવારે રામીદાંડા, જાજરકોટમાં આવેલા ભૂકંપને કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોને તાત્કાલિક રાહત અને બચાવ માટે 3 સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળમાં જાનમાલના નુકશાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને શક્ય મદદની ખાતરી આપી હતી. તેમણે સોશિયલ મડિયા પોસ્ટમાં લખ્યું કે નેપાળમાં આવેલા ભૂકંપના કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. અમારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

નેપાળની રાજધાની કાઠમંડુમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર ભારત અને ચીનમાં વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ધરતી ધ્રુજી હતી. ભારતમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહાર ભકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જયારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં માધ્યમ આંચકા અનુભવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે હિમાલયના પર્વતોથી ઘેરાયેલા દેશ નેપાળમાં અવારનવાર ભૂકંપ સામાન્ય આંચકા અનુભવતા રહે છે. વર્ષ 2015 માં 7.8 તીવ્રતાના ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, જેમાં 12,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઈમારતો નાશ પામી હતી. નેપાળમાં છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપના આંચકામાં વધારો જોવા મળ્યો હતો. ગયા મહિને 22 ઓક્ટોબરના રોજ એક દિવસમાં 4 ભૂકંપના આંચકા આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button