વેપાર અને વાણિજ્ય

ચાંદી ₹ ૯૧૩ ગબડી, સોનામાં ₹ ૧૭ની નરમાઈ

મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ઑક્ટોબર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહેતાં હાજર અને વાયદામાં ભાવ સાધારણ વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક બજારના મિશ્ર વલણના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી ખાસ કરીને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૯૧૩નો ઘટાડો આવ્યો હતો.

આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાથી સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૧૩ના ઘટાડા સાથે રૂ. ૭૦,૭૭૧ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાથી વિશ્ર્વ બજારથી વિપરીત ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે રૂ. ૬૦,૮૩૦ અને રૂ. ૬૧,૦૭૫ના મથાળે રહ્યા હતા.

આજે મોડી સાંજે અમેરિકાના ઑક્ટોબર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૮૯.૮૩ ડૉલર અને ૧૯૯૭.૪૦ ડૉલરની સપાટીએ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૬૩ ડૉલર આસપાસ રહ્યા હતા.

ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં યુદ્ધને પગલે સતત ત્રણ સપ્તાહ સુધી સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ઊંચા મથાળેથી એક ટકા જેટલો ઘટાડો આવ્યો છે.

હવે ફેડરલ રિઝર્વ આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં કેવું વલણ અખત્યાર કરશે તે અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોવાથી એકંદરે અત્યારે રોકાણકારો આગામી બેઠક સુધી જાહેર થનારા આર્થિક આંકડાઓ પર નજર રાખી રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં કૉમૉડિટી રિસર્ચ વિભાગના હેડ હરી. વી, એ જણાવતાં ઉમેર્યું હતું કે સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર આગામી બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ૮૦ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?