વિજ્ઞાન અને ટેકનોલોજી

ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર, ઇન્જેક્શનના બદલે મોં વાટે લઇ શકાય તેવા ઇન્સ્યુલિન સ્પ્રેની થઇ શોધ

ડાયાબિટીસના દર્દીઓ, અને ખાસ કરીને Type-1 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ લોહીમાં સુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખવા ફરજિયાતપણે ઇન્સ્યુલીન લેવાનું રહેતું હોય છે. તે માટે ઇન્જેક્શન વડે પેટના ભાગમાંથી ઇન્સ્યુલીન શોટ્સ લેવા એ ખાસ્સુ પીડાદાયક હોય છે.

કોઈ વ્યક્તિ એકલું રહેતું હોય અથવા ઘરની બહાર કોઈ સ્થળે જ્યારે આ પ્રકારે ઇન્સ્યુલીન લેવાની જરૂર પડે ત્યારે દર્દીઓ અસુવિધા અનુભવતા હોય છે. જો કે આનો એક સરળ રસ્તો કાઢતા ઇસ્યુલીનના ઓરલ સ્પ્રેના સંશોધનની જાહેરાત થઈ છે. જો આ પ્રોડક્ટને મંજૂરી મળે તો ડાયાબિટીસના દર્દીઓ માટે તે ગેમ ચેંજર સાબિત થઈ શકે છે.

હૈદરાબાદ સ્થિત એક ખાનગી કંપની દ્વારા ઓઝુલિન નામની પ્રોડક્ટ ની જાહેરાત કરવામાં આવી છે. આ એક સ્પ્રે છે જેમાં સીધો જ મોં વાટે દર્દી ઇન્સ્યુલીનનો ડોઝ લઈ શકશે. જો મંજૂરી મળે તો આ પ્રોડક્ટ વર્ષ 2025-26 સુધીમાં માર્કેટમાં આવી જશે. કંપનીએ CDSCO- સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનમાં આ પ્રોડક્ટના અપ્રુવલ માટે અરજી કરી છે, જો તે મંજૂર થાય તે પછી માનવીય પરીક્ષણો શરૂ થશે.

ઇન્સ્યુલીન એક મહત્વપૂર્ણ હોર્મોન છે જે રક્તમાં ખાંડનું પ્રમાણ નિયંત્રિત રાખવામાં અને તેને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલીનનું શરીરમાં બેલેન્સ ખોરવાય કે તેનો અપૂરતો સ્ત્રાવ થાય તો ટાઇપ-1 ડાયાબિટીસ થાય છે. ટાઇપ 1 ડાયાબિટીસ મહદંશે બાળવયે જ થાય છે, હાલમાં તેનો એકમાત્ર ઇલાજ એ છે કે આજીવન ઇન્સ્યુલિનનાં ઇંજેક્શન લેવાં પડે. ટાઇપ-1 ની જેમ ટાઇપ-2 ડાયાબિટીસ પણ થાય છે પરંતુ તે એટલો ઘાતક નથી. અનિયંત્રિત ડાયાબિટીસ હાર્ટઍટેક, સ્ટ્રોક તથા કિડની, આંખ, નસો, ચામડી, દાંતને લગતાં રોગોને નોતરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button