દિવાળી એટલે રોશની, ખુશી, આનંદ ઉલ્લાસનું પર્વ. દેશભરમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાશે. આ વર્ષે દિવાળી 12મી નવેમ્બર એટલે કે રવિવારે આવી રહી છે. દિવાળીની સૌ કોઈ આતુરતાથી રાહ જુએ છે. દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર દિવાળીનો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. લોકો તેમની વિધિપૂર્વક પૂજા કરે છે.
દિવાળી પર નિયમો અનુસાર પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા પર રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જાણકારીના અભાવને કારણે ઘણી વાર લોકો દિવાળીની પૂજા દરમિયાન નાની-નાની ભૂલો કરે છે, જેને કારણે તેમને યોગ્ય ફળ મળતું નથી. તો આપણે જાણીએ કે દિવાળી પૂજા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણવું જરૂરી છે
દિવાળીના દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, પણ પૂજા સ્થળ અને ઘર સાફસુથરું હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મીવાસ કરે છે.
પૂજામાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને પૂજા કરનારે ઉત્તર તરફ પીઠ રાખીને બેસવું જોઈએ. પૂજામાં ચાંદીના સિક્કા, કમળના ફૂલ વગેરે પવિત્ર વસ્તુઓ રાખો. પૂજામાં લાલ રંગના ફૂલોનો ઉપયોગ કરો. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે.
દિવાળીના દિવસે ઘરમાં કોઈ જૂની કે જંક વસ્તુઓ ન રાખવી જોઇએ. આ અશુભ ગણાય છે. દિવાળી પર ઘરમાંથી તૂટેલી ઘડિયાળો, તૂટેલી બોટલો, અરીસાઓ, જૂના કપડાં, રદ્દી, પસ્તી, નકામી વસ્તુઓ અન્ય કચરો કાઢી નાખો જેનો તમે વર્ષોથી ઉપયોગ કર્યો નથી. દિવાળીના દિવસે ખાવાપીવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે ભૂલથી પણ માંસ, માછલી, દારૂ વગેરેનું સેવન નહીં કરવું જોઇએ. દિવાળીની રાત્રે પૂજા કરતી વખતે જૂના કે ફાટેલા કપડા ન પહેરવા જોઇએ. તમારે સ્વચ્છ અને સુઘડ કપડાં જ પહેરવા જોઇએ. જૂના, ફાટેલા કપડા પહેરવા અશુભ છે. પૂજા દરમિયાન રંગોનું પણ ધ્યાન રાખો, આ રાત્રે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ.
દિવાળી પર ઘરે રહેવાનો પ્રયાસ કરો. પૂજા કર્યા પછી, પોતાને ક્યાંય પણ ઘર બંધ કરીને બહાર ન જાવ. પૂજા સમયે આખા ઘરને લાઇટ અને ઝગમગતા દીવાઓથી પ્રકાશિત કરો. ઘરના કોઈ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ. ઘરની બધી બારી-બારણા ખુલ્લા રાખો જેથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવી શકે. જો તમારે થોડા સમય માટે ઘર બંધ કરીને બહાર જવાનું પણ થાય તો પણ ઘરમાં લાઈટો ચાલુ રાખો, અંધારું ન કરો. રાત્રે પણ લાઇટ બંધ ન કરો.
દિવાળી પર મોડે સુધી ન સૂવું, આમ કરવું અશુભ છે. આ દિવસે નખ કાપવા અને મુંડન કરવાનું પણ ટાળવું જોઈએ. આ તમામ કાર્યો એક દિવસ પહેલા પતાવી લો. ભગવાન ગણેશની પૂજા કરીને દિવાળીની પૂજા શરૂ કરો. પૂજા કર્યા પછી આખી રાત દીવો પ્રજ્વલિત રાખો. દિવાળીમાં પૂજા કરતી વખતે જોરજોરમાં તાળીઓ પાડવી કે મોટા અવાજમાં આરતી ગાવી ના જોઇએ. લક્ષ્મીમાતાને શાંતિ પ્રિય છે. ઉપરાંત ભગવાન વિષ્ણુ વિના દેવી લક્ષ્મીમાતાની પૂજા અધૂરી માનવામાં આવે છે, તેથી વિષ્ણુ અને લક્ષ્મીમાતાની સાથે પૂજા કરો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને