મુંબઇઃ મુંબઇ પોલીસના ક્રાઇમ બ્રાંચ યુનિટે નકલી પાસપોર્ટ અને વિઝા બનાવીને લોકોને વિદેશમાં નોકરી અપાવાના બહાને છેતરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલી હતી અને દરેક બેરોજગાર વ્યક્તિ પાસેથી વિદેશમાં નોકરીનું વચન આપીને 40-60 હજાર રૂપિયા ઉઘરાવી લેતી હતી.
બેરોજગાર યુવક પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના નામે 40 થી 60 હજાર રૂપિયા ઉઘરાવતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, પાંચેય આરોપીઓએ અત્યાર સુધીમાં 300 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે અને પીડિતો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજતિલક રોશને જણાવ્યું હતું કે તેમને કુલ સાત વ્યક્તિઓ તરફથી ફરિયાદો મળી હતી, જેમાંથી તમામે દાવો કર્યો હતો કે કોઈએ તેમને સાઉદી અરેબિયા, દુબઈ અથવા ઓમાનમાં કામ માટે નકલી વિઝા ઓફર કરીને છેતર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે શકમંદોએ વિવિધ સ્થળોએ ઓફિસ પણ ભાડે રાખી હતી, જ્યાંથી આરોપીઓ પીડિતોને નકલી વિઝા અને નકલી જોબ ઓફર લેટર આપતા હતા. પોલીસે કહ્યું કે આ પછી શકમંદો ઓફિસ બંધ કરીને ભાગી જતા હતા. આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા અને આ બધું બિહારના ગયા જિલ્લામાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. અને ઇન્ડિયન ઓવરસીઝ પ્લેસમેન્ટ સર્વિસીસ નામની ડમી ફર્મના નામે આવા કારભાર ચલાવવામાં આવતા હતા. બેલાર્ડ એસ્ટેટમાં આવેલી તેમની અગાઉની ઓફિસ પહેલેથી જ બંધ કરી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યામુજબ આ તમામ આરોપીઓ 10થી 12 ધોરણ સુધી ભણેલા છે. તેમની ઓળખ રામકૃપાલ કુશવાહા (45), મુંબઈના રોહિત સિંહા (33), દિલ્હીના આશિષ મહતો (30), લખનૌના અમિતોષ ગુપ્તા (40) અને બિહારના ગયાના રાહુલ ચૌધરી (22) તરીકે થઇ છે.
આ કેસ શરૂઆતમાં એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો પરંતુ બાદમાં કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 5ને સોંપવામાં આવી હતી. પોલીસે મુંબઈમાં તેમના અંધેરી કોલ સેન્ટરમાંથી 63 પાસપોર્ટ, અઝરબૈજાન, ઓમાન અને સાઉદી અરેબિયાના નકલી વિઝા, કેટલાક સિમ કાર્ડ, પ્રિન્ટર, મોનિટર, મોબાઈલ ફોન, રાઉટર્સ અને નકલી કંપનીઓના બનાવટી રબર સ્ટેમ્પ્સ જપ્ત કર્યા છે.
Taboola Feed