વેપાર

ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખતા વૈશ્ર્વિક સોનામાં મક્કમ વલણ

સ્થાનિક ચાંદીમાં ₹ ૭૦૦નો ચમકારો, સોનામાં ₹ ૮૦નો સુધારો

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમી પણ મક્કમ ગતિએ સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા. જોકે, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ થતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં સુધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯થી ૮૦ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૦૦નો ચમકારો આવ્યો હતો અને ભાવ ફરી કિલોદીઠ રૂ. ૭૧,૦૦૦ની સપાટી પાર કરી
ગયા હતા.

આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ વધીને ઔંસદીઠ ૨૩ ડૉલરની સપાટી પાર કરી ગયાના નિર્દેશો સાથે આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૦૦ના ચમકારા સાથે ફરી રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૧,૬૮૪ના મથાળે રહ્યા હતા. વધુમાં વૈશ્ર્વિક સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯ વધીને રૂ. ૬૦,૮૪૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૦ વધીને રૂ. ૬૧,૦૯૨ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ પાંખી હોવાથી સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.

ગઈકાલે ફેડરલ રિઝર્વે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખતા વ્યાજ વધારાની સાઈકલનો અંત આવ્યો હોવાનો આશાવાદ વધતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હતો તેમ જ ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૮૮.૪૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૯૯૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૦૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત અત્યારે મધ્યપૂર્વના રાજકીય-ભૌગોલિક તણાવ હોવાથી અમુક અંશે સલામતી માટેની માગનો પણ ટેકો મળી રહ્યો છે. જોકે હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર
થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button