અબદુલ્લા પરિવારના ફાયદા માટે સચિન-સારાના ડિવોર્સ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ એકબીજાને પછાડવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યાં છે ને અત્યાર લગી તેની જોરશોરથી ચર્ચા હતી પણ મંગળવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાઇલટે ઉમેદવારી નોંધાવી એ સાથે જ બીજું બધું બાજુ પર મૂકાઈ ગયું ને સચિનના ડિવોર્સનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.
સચિન પાઇલટ અને સારા અબ્દુલ્લાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીને ટક્કર મારે એવી હતી. સચિન પાઇલટ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વોર્ટન સ્કૂલમાંથી એમબીએ કરી રહ્યા હતા ત્યારે સારા લંડન ભણવા ગયેલી. એ વખતે સચિન કોઈ કામે લંડન ગયેલા ને લંડનમાં એક પાર્ટીમાં મળ્યાં. બંને વચ્ચે ફ્રેન્ડશિપથી શરૂઆત થઈ અને પછી લવ શરૂ થયો. સારાના પિતા ડૉ. ફારુક અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.
કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમોનો પ્રભાવ હોવાથી પોતાની દીકરી એક હિંદુને પરણે તો તેનાં રાજકીય પરિણામો ખરાબ ભોગવવાં પડે તેથી અબ્દુલ્લા પરિવારે લગ્નનો વિરોધ કરેલો પણ સારા એ વિરોધને અવગણીને સચિનને પરણેલી. બંનેનું લગ્નજીવન સુખરૂપ ચાલતું હતું ને બે સંતાનો પણ થયાં. સચિન અને સારા સુખી જીવન જીવે છે એવું જ સૌ માનતાં હતાં ત્યાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને કારણે બંનેના લગ્નજીવનનું સૌથી મોટું રહસ્ય બહાર આવી ગયું.
સચિન પાયલોટે ટોંક વિધાનસભા બેઠક પરથી ‘ડિવોર્સ્ડ’ લખ્યું છે. તેના કારણે સચિન પાઇલટ અને સારા અબદુલ્લાના ૧૯ વર્ષ લાંબા લગ્નજીવનનો અંત આવી ગયો હોવાની સૌને ખબર પડી. સચિન અને સારાનું લગ્નજીવન ડખે ચડ્યું હશે એવી કોઈને કલ્પના પણ નહોતી તેથી બંનેના ડિવોર્સ થઈ જશે એવી બહુ ઓછા લોકોને અપેક્ષા હશે. ટોંક વિધાનસભા બેઠક પર ફોર્મ ભરતી વખતે સચિને જોડેલી એફિડેવિટ પરથી સ્પષ્ટ છે કે. બંનેના છૂટાછેડા થઈ ગયા છે અને આદર્શ કપલ તરીકે જેમની ગણના થતી હતી એ સારા અને સચિન હવે પતિ-પત્નિ નથી.
સચિન અને સારાને ઓળખનારાં આ ડિવોર્સની વાતોને માનવા તૈયાર નથી. તેનું કારણ સારા અને સચિનની પરીકથા જેવી લવ સ્ટોરી છે. સચિન અને સારા લંડનમાં મળ્યાં પછી બહુ જલદી પ્રેમમાં પડી ગયાં હતાં પણ મોટો અવરોધ બંનેના પરિવાર હતા. સચિનના પિતા રાજેશ્ર્વર પ્રસાદ બિધુરી એરફોર્સમાં પાઇલટ હતા અને ગાંધી પરિવારની ખૂબ નજીક હોવાને કારણે રાજકારણમાં આવેલા.
સંજય ગાંધીની સલાહથી રાજેશ્ર્વર પ્રસાદ બિધુરીએ પોતાનું નામ બદલીને રાજેશ પાઇલટે કર્યું અને રાજસ્થાનના ભરતપુરથી લોકસભાની ચૂંટણી લડીને સૌ પહેલી વાર સાંસદ બન્યા. અબદુલ્લાનો પરિવાર તો જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં સૌથી મોટો પરિવાર મનાય છે. શેખ અબ્દુલ્લા, ફારુક અબદુલ્લાઅને ઉમર અબદુલ્લા એમ ત્રણ-ત્રણ મુખ્ય પ્રધાન આ પરિવારમાંથી આવ્યા છે એ જોતાં તેના રાજકીય પ્રભાવ વિશે કશું કહેવાની જરૂર નથી.
પાયલોટ અને અબદુલ્લા પરિવાર બંને રાજકીય રીતે વગદાર હતા પણ ધર્મ મુખ્ય અવરોધ હતો. બંનેનાં લગ્નથી બંને પરિવારોની રાજકીય કારકિર્દી પર અસર થાય તેમ હતું તેથી બંને પરિવાર લગ્ન માટે તૈયાર નહોતા. સારાની માતા બ્રિટિશ ખ્રિસ્તી છે. સારાએ સચિનનો તેની માતા સાથે પરિચય કરાવ્યો હતો પણ ફારુક તૈયાર નહોતા. સચિને તેની માતાને સારા અને તેમના સંબંધો વિશે કહેલું પણ સારા મુસ્લિમ હોવાથી એ પણ આ સંબંધ માટે તૈયાર નહોતાં.
સારાને કહ્યું હતું કે, પોતાના પરિવારને મનાવવો સરળ હશે કેમ કે તેના પિતા ફારુક અબદુલ્લાએ કેથોલિક ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. ભાઈ ઓમર અબદુલ્લાએ શીખ છોકરી સાથે લગ્ન કર્યાં. અબદુલ્લા પરિવારમાં ધાર્મિક કટ્ટરતાનું વાતાવરણ નહોતું તેથી તેમને મનાવી લેવાનો સારાને વિશ્ર્વાસ હતો પણ અબદુલ્લા પરિવાર રાજકીય કારણોસર સચિન સાથેના તેના સંબંધોને સ્વીકારવા તૈયાર નહોતો. બંને પરિવારો વચ્ચે સારી મિત્રતા હતી, બંને એકબીજાને ઓળખતા હતા, સારાની માતા સચિનને પસંદ કરતી હતી છતાં અબદુલ્લા પરિવાર સચિનને સ્વીકારવા તૈયાર નહોતો.
સચિન અને સારાના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એ સાંભળીને ફારુક અબદુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતાઓ પણ બંનેના લગ્નની વિરુદ્ધ હતા. તેમને લાગતું હતું કે, અબદુલ્લા પરિવાર લગ્ન માટે હા પાડશે તો કાશ્મીર ખીણમાં મુસ્લિમો તેમની વિરુદ્ધ થઈ જશે ને નેશનલ કોન્ફરન્સ પતી જશે. અબદુલ્લા પરિવાર વિરુદ્ધ અભિયાન શરૂ થઈ ગયેલું. આ કારણે ડરી ગયેલા ફારુક અબદુલ્લા બંનેનાં લગ્ન કરાવવા તૈયાર નહોતા.
સચિન અને સારાએ પાંચ વર્ષ સુધી રાહ જોઈએ ને એ દરમિયાન સચિન પોતાના પરિવારને મનાવવામાં સફળ રહ્યો. અબદુલ્લા પરિવાર તો તૈયાર જ નહોતો તેથી બંનેએ છેવટે લગ્ન કરવાનું નક્કી કર્યું. સચિન-સારાએ આખરે ૧૫ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ દિલ્હીના ૨૦ કેનિંગ લેનમાં સાદાઈથી લગ્ન કર્યાં ત્યારે માત્ર પાઇલટ પરિવાર અને કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર હતા. સારાના પિતા ફારુક અબદુલ્લા અને ભાઈ ઓમર અબદુલ્લા લગ્નમાં આવ્યા નહોતા.
સારા સાથે લગ્નના ત્રણ મહિના પછી સચિન રાજસ્થાનના દૌસાથી ૨૦૦૪ની લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા પછી ફારુકે તેમને પોતાના જમાઈ તરીકે સ્વીકારી લીધા. લગ્ન પછી સચિન અને સારાને અરણ અને વિહાન એણ બે પુત્રો થયા ને અબદુલ્લા પરિવાર તેમની સાથે પણ સારી રીતે રહે છે.
હવે અચાનક સારા અને સચિન અલગ કેમ થયાં? આ સવાલનો જવાબ તો બંને જ આપી શકે પણ એક ચર્ચા એવી છે કે, સારા-સચિન રાજકીય કારણોસર છૂટાં થયાં છે. અબદુલ્લા પરિવાર સારાને રાજકારણમાં લાવવા માગે છે પણ એક હિંદુ સાથે લગ્ન કર્યાં હોય તો કાશ્મીર ખીણના મુસ્લિમો તેને ના સ્વીકારે. સારા જમ્મુ અને કાશ્મીરની નાગરિક પણ નથી પણ ડિવોર્સ લઈને પાછી ફરે તો કાશ્મીરની નાગરિક બની જાય અને ચૂંટણી લડી શકે. સચિનથી ડિવોર્સ લીધા હોવાથી કાશ્મીરના મુસ્લિમો સારાને સરળતાથી સ્વીકારશે એવી વાતો છે.
અબદુલ્લા પરિવાર માટે હવે પછીની ચૂંટણી રાજકીય અસ્તિત્વની છે તેથી સચિને પણ આ પ્લાનમાં મંજૂરી આપી હોવાનું કહેવાય છે. આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી પણ રાજકીય ફાયદા માટે લોકો ગમે તે કરતાં હોય છે એ જોતાં આ વાત સાચી પણ હોઈ શકે.